ફિલ્મી કલ્પના કે ઈતિહાસ સાથે છેડછાડ? “સતલુજ” પર પ્રતિબંધે દેશભરમાં જગાવી ચર્ચા
હેમંત પરમાર દ્વારા
જ્યારે અદાલતો ધ્રૂજતી હતી અને બસોમાંથી ધર્મ જોઈને લોકોને ઉતારી ગોળીઓ મરાતી હતી, ત્યારે “ખાડકૂ” કહેવડાવનારાઓ આજે કલાના ઓઠા હેઠળ હીરો બની રહ્યા છે?
તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા “સતલુજ” મૂવી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે તે એક પ્રકારે આતંકવાદીઓનું મહિમામંડન કરી રહી હતી. આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પરથી હટાવવાને કારણે સોશિયલ મીડિયા પર જાણે ચર્ચાનો મોટો ચરૂ ઊકળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી લોકો આ મામલે અવનવા પ્રતિભાવો આપી રહ્યા છે. કેટલાક લોકો સરકારના આ નિર્ણયના સમર્થનમાં ઊભા છે, તો કેટલાક તેને અભિવ્યક્તિની આઝાદી પરનો પ્રહાર ગણાવીને વિરોધ કરી રહ્યા છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, વિરોધ અને સમર્થનની આ આંધળી દોટમાં કોઈ પણ વ્યક્તિ હકીકત અને વાસ્તવિકતા વિશે ચર્ચા કરવા તૈયાર નથી. શું નકારાત્મકતા ફેલાવવી અને સત્યથી મોં ફેરવી લેવું એ જ આજની ફેશન બની ગઈ છે?
આજની પેઢી 1980ના દાયકાની સ્થિતિથી તદ્દન અજાણ છે
આજના એસી કેબિનમાં બેસીને સોશિયલ મીડિયા ચલાવતા નવયુવાનો કદાચ એ ક્યારેય નહીં સમજી શકે કે 1980ના દાયકામાં ખાલિસ્તાની આતંકવાદીઓએ પંજાબની પવિત્ર ધરતીને કેવું નરક બનાવી દીધું હતું. શું આજના બાળકો એ ભયાનક વાસ્તવિકતાથી વાકેફ છે? એ સમયના આતંકવાદીઓનો ખોફ એટલો વધારે હતો કે તેમણે ખુલ્લેઆમ સ્થાનિક સમાચાર પત્રોને ધમકી આપતો આદેશ કર્યો હતો કે તેમને અખબારમાં “આતંકવાદી” ન લખવામાં આવે, પણ તેના બદલે આદરપૂર્વક “ખાડકૂ” લખવામાં આવે. વિચારો, જેઓ નિર્દોષોનું લોહી વહાવતા હતા, તેમને પણ મીડિયામાં સન્માનજનક નામ જોઈતું હતું. જ્યારે પ્રખ્યાત અખબાર “પંજાબ કેસરી” એ આ ધમકી સામે નમવાનો ઇનકાર કર્યો અને સત્ય લખવાનું ચાલુ રાખીને તેમને “આતંકવાદી” જ લખ્યા, ત્યારે આ કાયરોએ અખબારના મુખ્ય સંપાદકની જ કરપીણ હત્યા કરી દીધી. આ તે કેવી ક્રાંતિ અને આ તે કેવો ન્યાય?
કોઈ સત્તાવાર આદેશ વિના જ એક અઘોષિત કરફ્યુ લાગી જતો હતો
તે સમયે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાના લીરા ઊડ્યા હતા, તેની કલ્પના પણ ધ્રુજાવી દેનારી છે. સાંજના 5 વાગ્યા પછી સરકારી કે ખાનગી બસો ચાલવાનું સંપૂર્ણપણે બંધ થઈ જતું હતું. રાત્રે 7 વાગ્યા પછી તો આખા પંજાબમાં જાણે કોઈ સત્તાવાર આદેશ વિના જ એક અઘોષિત કરફ્યુ લાગી જતો હતો. લોકો પોતાના જ ઘરોમાં કેદી બનીને જીવવા મજબૂર બન્યા હતા. શું આજની પેઢી આ પ્રકારની આઝાદીની કલ્પના પણ કરી શકે ખરી?
જો તમને એમ લાગતું હોય કે આ તો સામાન્ય અરાજકતા હતી, તો જરા આ હકીકતો પણ જાણી લો. એ કાળા દિવસો દરમિયાન 500થી વધુ બહાદુર પોલીસ કર્મચારીઓની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. ન્યાયતંત્રની સ્થિતિ તો એવી દયનીય બની ગઈ હતી કે કોર્ટના પરિસરમાં રીતસરની જાહેરમાં ચેતવણી આપવામાં આવતી કે, “જે કોઈ પણ સાક્ષી આપશે તેને મારી નાખવામાં આવશે”. આ ધમકીઓનો ખોફ એટલો બધો હતો કે અદાલતના માનનીય જજોએ પણ આ આતંકવાદીઓના મુકદ્દમા સાંભળવાનો જ સાફ ઇનકાર કરી દીધો હતો. જ્યારે રક્ષકો અને ન્યાય આપનારા જ અસુરક્ષિત અનુભવતા હોય, ત્યારે સામાન્ય જનતાની શું વિસાત?
મુસાફરોને બસમાંથી ઉતારી ધર્મ પૂછીને ગોળી મારી દેવામાં આવતી
સૌથી વધુ હૃદયદ્રાવક અને કમકમાટી ઉપજાવે તેવી ઘટનાઓ એ હતી કે રસ્તા વચ્ચે દોડતી બસોને આંતરીને રોકવામાં આવતી હતી. તેમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવતા અને માત્ર તેમનો ધર્મ જોઈને તેમને લાઈનમાં ઊભા રાખીને ગોળીઓ મારી દેવામાં આવતી હતી. આ લોહીયાળ રમતનું જ પરિણામ હતું કે માત્ર 10 વર્ષના ટૂંકા ગાળામાં પંજાબમાં હિન્દુઓની વસ્તીમાં ઓછામાં ઓછો 4%નો મોટો ઘટાડો નોંધાયો હતો. શું આ વસ્તીઘટાડો કુદરતી હતો? ના, આ એક સુનિયોજિત અત્યાચાર હતો જેનાથી લોકો પલાયન થવા મજબૂર બન્યા હતા.
તો પંજાબનો નકશો આજે આવો ન હોત
આવી અત્યંત નાજુક અને વિકટ પરિસ્થિતિમાં જ્યારે પંજાબ અંધકાર તરફ ધકેલાઈ રહ્યું હતું, ત્યારે પંજાબના મુખ્યમંત્રી બેઅંત સિંહ અને પોલીસ ચીફ કે.પી.એસ. ગિલે સાથે મળીને જે પ્રશંસનીય કાર્ય કર્યું, તે અકથનીય છે. આતંકવાદીઓએ સપનામાં પણ વિચાર્યું ન હતું કે સરકાર ક્યારેય આટલો કઠોર અને લોખંડી નિર્ણય લઈ શકે છે. હા, એ વાત બિલકુલ સાચી છે કે આ સખત ઓપરેશન દરમિયાન પોલીસ દ્વારા કેટલીક ભૂલો થઈ હતી અને કેટલાક અતિરેક પણ થયા હતા, પરંતુ તે નિર્ણયો અને અતિરેકનું જ પરિણામ છે કે પંજાબ આજે પણ ભારતનો એક અત્યંત ગૌરવશાળી અવિભાજ્ય હિસ્સો બનીને અકબંધ છે. જો તે સમયે આ કઠોર પગલાં લેવાયા ન હોત, તો શું પંજાબનો નકશો આજે આવો હોત?
વિલનને પડદા પર હીરો તરીકે રજૂ કરીને આપણે નવી પેઢીને કઈ દિશામાં ધકેલી રહ્યા છીએ?
છેલ્લે, સવાલ એ ઊભો થાય છે કે શું આપણે કલા, મનોરંજન અને ફિલ્મોના ઓઠા હેઠળ આવી લોહિયાળ ઘટનાઓ પાછળ રહેલા ગુનેગારોને ગ્લોરીફાય કરી શકીએ ખરા? સતલુજ જેવી ફિલ્મો પરના પ્રતિબંધ પાછળ રહેલું આ ઐતિહાસિક દર્દ સમજવાને બદલે માત્ર વિરોધ ખાતર વિરોધનું રાજકારણ ખેલવું કેટલું યોગ્ય છે? ઇતિહાસમાંથી બોધપાઠ લેવાના બદલે, તે કાળા દોરના વિલનને પડદા પર હીરો તરીકે રજૂ કરીને આપણે નવી પેઢીને કઈ દિશામાં ધકેલી રહ્યા છીએ? શાંતિ અને સદ્ભાવના જાળવવા માટે લેવાયેલા સરકારી નિર્ણયો પાછળના તથ્યોને સમજવા માટે બૌદ્ધિકતાની જરૂર છે, માત્ર સોશિયલ મીડિયાના બૂમબરાડાની નહીં.


