1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકાએ ઈરાન પર કર્યા હવાઈ હુમલા, તેલની નિકાસ પર ફરી પ્રતિબંધો ઝીંક્યા
અમેરિકાએ ઈરાન પર કર્યા હવાઈ હુમલા, તેલની નિકાસ પર ફરી પ્રતિબંધો ઝીંક્યા

અમેરિકાએ ઈરાન પર કર્યા હવાઈ હુમલા, તેલની નિકાસ પર ફરી પ્રતિબંધો ઝીંક્યા

0
Social Share

વોશિંગ્ટન, 8 જુલાઈ 2026: મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં અમેરિકા અને ઈરાન વચ્ચેનો સૈન્ય અને રાજદ્વારી તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહેલા ત્રણ કોમર્શિયલ જહાજો પર ઈરાનના કથિત હુમલાના જવાબમાં અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ઈરાની ઠેકાણાઓ પર જોરદાર હવાઈ હુમલા કર્યા છે. અમેરિકી સેનાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આંતરરાષ્ટ્રીય દરિયાઈ પરિવહનને ખોરવવાનો પ્રયાસ કરનારાઓએ ‘ભારે કિંમત’ ચૂકવવી પડશે. બીજી તરફ, અમેરિકાના આ આક્રમક વલણ સામે ઈરાને પણ લાલ આંખ કરી છે. ઈરાનના વિદેશ મંત્રાલયે અમેરિકા પર બંને દેશો વચ્ચે થયેલા દ્વિપક્ષીય કરારોના વારંવાર ભંગનો આરોપ લગાવતા કહ્યું છે કે, “ઈરાન પોતાની રાષ્ટ્રીય સુરક્ષા અને હિતોના રક્ષણ માટે જે પણ જરૂરી હશે તે તમામ પગલાં લેવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે.”

અહેવાલો અનુસાર, બંને દેશો વચ્ચે થયેલા એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર બાદ અમેરિકી નાણા મંત્રાલયે ગત 21 જૂનના રોજ ઈરાન પરના જૂના આર્થિક પ્રતિબંધો હળવા કર્યા હતા. આ અંતર્ગત ઈરાનને 21 ઓગસ્ટ સુધી કાચું તેલ, પેટ્રોકેમિકલ્સ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના ઉત્પાદન, સપ્લાય અને વેચાણ માટેની વિશેષ છૂટ આપવામાં આવી હતી. પરંતુ આ એન્કાઉન્ટર બાદ અમેરિકાએ તમામ રાહ તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. દરમિયાન, ઈરાનના સરકારી પ્રસારણકર્તા ‘આઈઆરઆઈબી’ એ સત્તાવાર સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે, કતારના ઓઈલ ટેન્કર ‘અલ-રકાયત’ને એટલા માટે નિશાન બનાવવામાં આવ્યું હતું કારણ કે તે અમેરિકી નૌસેનાના પ્રોટેક્શન હેઠળ ઓમાનના દરિયાઈ માર્ગેથી હોર્મુઝની ખાડી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ દરમિયાન તેણે ઈરાની સેનાની અનેક ચેતવણીઓને નજરઅંદાજ કરી હતી.

ઈરાની મીડિયાએ દેશના જૂના વલણને દોહરાવતા સાફ શબ્દોમાં કહ્યું છે કે, “અમેરિકાના આ હુમલા બાદ હવે હોર્મુઝ જળડમરુમધ્યની સ્થિતિ પહેલા જેવી સામાન્ય રહેશે નહીં. હવેથી આ આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ પરથી પસાર થનારા તમામ જહાજોએ માત્ર ઈરાને નક્કી કરેલા રૂટનો જ ઉપયોગ કરવો પડશે, અન્યથા તેમની સુરક્ષાની કોઈ ગેરંટી રહેશે નહીં.”

  • અમેરિકાએ ‘સ્પેશિયલ ઓઈલ લાયસન્સ’ રદ કર્યું

‘ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ’ના અહેવાલ મુજબ, આ સૈન્ય કાર્યવાહીની સાથે અમેરિકાએ ઈરાનને ઓઈલ વેચવા માટે આપેલું સામાન્ય લાયસન્સ (જનરલ લાયસન્સ) પણ રદ કરી દીધું છે. અમેરિકાએ જણાવ્યું છે કે હોર્મુઝની ખાડીમાં ઈરાનની આ પ્રકારની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ ‘તદ્દન અસ્વીકાર્ય’ છે અને તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. અમેરિકાના આ આકરા આર્થિક ઝટકા સામે ઈરાનના વિદેશ મંત્રાલયે બુધવારે સખત પ્રતિક્રિયા આપી હતી. ઈરાને અમેરિકી નિર્ણયની આકરી નિંદા કરતા જણાવ્યું હતું કે, ઈરાની તેલના વેચાણ પરથી કામચલાઉ પ્રતિબંધો હટાવવાનો નિર્ણય અધવચ્ચેથી પાછો ખેંચવો એ ગત 18 જૂનના રોજ બંને દેશો વચ્ચે હસ્તાક્ષર કરાયેલા ‘ઇસ્લામાબાદ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ’ની કલમ-10નું સ્પષ્ટ અને સરેઆમ ઉલ્લંઘન છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code