નવી દિલ્હી, 12 ઓક્ટોબર 2026: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે રાજધાનીમાં વિરોધ પ્રદર્શન માટે નક્કી કરવામાં આવેલા સ્થળોમાં મોટો ફેરફાર કર્યો છે. દિલ્હી પોલીસ કમિશનર અનુરાગ કુમાર દ્વારા જારી કરાયેલા સ્ટેન્ડિંગ ઓર્ડર મુજબ, જંતર-મંતરને પ્રદર્શન સ્થળ તરીકેની સૂચિમાંથી હટાવી દેવામાં આવ્યું છે. તેની જગ્યાએ હવે દિલ્હીમાં ત્રણ નવા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં રામલીલા મેદાન, બુરાડી ગ્રાઉન્ડ અને પૂર્વ દિલ્હીનું CBD ગ્રાઉન્ડ સામેલ છે.
આ આદેશ ગૃહ મંત્રાલય દ્વારા ગઠિત એક વિશેષ સમિતિની ભલામણોના આધારે જારી કરવામાં આવ્યો છે. નાગરિકોના વિરોધ પ્રદર્શન કરવાના અધિકાર અને આંદોલન માટે યોગ્ય સ્થળની પસંદગી કરવા માટે આ સમિતિને જવાબદારી સોંપવામાં આવી હતી. દિલ્હી પોલીસના આદેશ અનુસાર, સમિતિની ભલામણોને ધ્યાનમાં રાખીને જંતર-મંતરને પ્રદર્શન સ્થળ તરીકે રદ કરીને ત્રણ વૈકલ્પિક સ્થળો નક્કી કરાયા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સુપ્રીમ કોર્ટે પણ પ્રદર્શનો માટે યોગ્ય જગ્યાઓ નિર્ધારિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
-
પ્રદર્શન કરવા માટે ત્રણ અલગ-અલગ સ્થળો ઉપલબ્ધ રહેશે
નવી વ્યવસ્થા મુજબ હવે રાજધાની દિલ્હીમાં આંદોલન કે પ્રદર્શન કરવા માટે ત્રણ અલગ-અલગ સ્થળો ઉપલબ્ધ રહેશે. પ્રથમ, રામલીલા મેદાનને નવા સ્થળ તરીકે સામેલ કરાયું છે, જ્યાં પ્રદર્શન માટેની પ્રક્રિયા અલગથી જારી થનારી SOP હેઠળ સ્પષ્ટ થશે. બીજું, બુરાડી ગ્રાઉન્ડને પણ નવા નક્કી કરાયેલા સ્થળોમાં સ્થાન મળ્યું છે, જેના માટેના દિશા-નિર્દેશો પણ ટૂંક સમયમાં જારી કરાશે. ત્રીજું, પૂર્વ દિલ્હીમાં આવેલું CBD ગ્રાઉન્ડ ત્રીજા વૈકલ્પિક પ્રદર્શન સ્થળ તરીકે નામાંકિત કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં જંતર-મંતર વર્ષ 1993થી ધરણાં-પ્રદર્શન માટેનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. વર્ષ 1988માં કિસાન નેતા મહેન્દ્ર સિંહ ટીકેતના નેતૃત્વમાં ખેડૂતોએ બોટ ક્લબ વિસ્તારમાં મોટું આંદોલન કર્યું હતું, જે બાદ બોટ ક્લબ પર પ્રદર્શનો કરવા પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ત્યારબાદ વહીવટી વ્યવસ્થા હેઠળ 1993થી જંતર-મંતર રોડ વિરોધ પ્રદર્શનોનું મુખ્ય સ્થળ બન્યું હતું.
વર્ષ 2011માં અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલને જંતર-મંતરને સમગ્ર દેશમાં નવી ઓળખ અપાવી હતી. છેલ્લા 33 વર્ષથી આ સ્થળ રાષ્ટ્રીય સ્તરે વિરોધ પ્રદર્શનનું પ્રતીક રહ્યું હતું. જોકે, તાજેતરમાં પણ CJP આંદોલન માટે જંતર-મંતર પર ધરણાં કરવાની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ હવે નવી વ્યવસ્થા બાદ અહીં કોઈપણ પ્રકારના પ્રદર્શનો કરી શકાશે નહીં.


