નવી દિલ્હી, 28 નવેમ્બર 2026: સંસદના આગામી વિશેષ સત્ર પૂર્વે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. કેન્દ્રીય કેબિનેટે પરિસીમન સાથે જોડાયેલા નવા મહિલા અનામત બિલને મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવ હેઠળ તમામ રાજ્યોમાં લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભાની બેઠકોમાં 50-50 ટકાનો વધારો કરવાની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ આ ફેરફારને વર્ષ 2051 સુધી ફ્રીઝ કરી દેવામાં આવશે. કાયદા મંત્રી અર્જુન મેઘવાલ સોમવારે આ બિલ રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહથી શરૂ થનારા સંસદના વિશેષ સત્રમાં સુધારા બિલ રજૂ કરવામાં આવી શકે છે. કેબિનેટે કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો સાથે નવા વિધેયકને મંજૂરી આપી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પરિસીમન બાદ લોકસભામાં અન્ય રાજ્યોની સરખામણીમાં કોઈ પણ રાજ્યની બેઠકોની હિસ્સેદારી ઓછી ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે.
સૂત્રો મુજબ, બંધારણના કુલ 8 અનુચ્છેદમાં સુધારો કરવામાં આવશે. મહિલા અનામત માટેના પરિસીમન બિલ સહિત કુલ 3 નવા બિલ રજૂ થશે, જેમાંથી 2 વિધેયક બંધારણ સુધારા (132મો) સાથે સંબંધિત હશે. નવું બિલ રજૂ કરતા પહેલાં લોકસભામાં અગાઉ રજૂ કરાયેલા 2 બિલ પરત ખેંચવામાં આવશે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં બેઠકો ઘટવા કે હિસ્સો ઓછો થવાની ચિંતા હતી. આ ચિંતાને દૂર કરવા કેન્દ્ર સરકારે દરેક રાજ્યમાં લોકસભા બેઠકો 50 ટકા વધારવા સંમતિ દર્શાવી છે. નવા પ્રસ્તાવિત વિધેયકમાં વધારાની બેઠકોનું પરિસીમન 2011ની વસ્તીગણતરીના આધારે થશે. દરેક રાજ્ય માટે બેઠકોની ટકાવારીમાં ફેરફાર કર્યા વિના મતવિસ્તારોની સીમાંકન પ્રક્રિયા હાથ ધરાશે. નવા સુધારા હેઠળ લોકસભાની વર્તમાન 543 બેઠકો વધીને મહત્તમ 850 સુધી થઈ શકે છે, જેમાં રાજ્યોમાંથી 835 અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 15 બેઠકો નિર્ધારિત કરાશે (હાલ આ મર્યાદા અનુક્રમે 530 અને 20 છે). સત્તાપક્ષના મતે આ ફેરફારથી આગામી 2029ની લોકસભા ચૂંટણી પહેલાં સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનો માર્ગ મોકળો થશે.
-
SCના વર્તમાન કે પૂર્વ જજની અધ્યક્ષતામાં પંચ, જમ્મુ-કાશ્મીરને પણ સ્થાન
નારી શક્તિ વંદન અધિનિયમમાં હવે વસ્તીગણતરી બાદ પરિસીમનની શરત નહીં રહે. નવા સુધારા બાદ પરિસીમન સાથે જ અનામત લાગુ થઈ શકશે. વિધાનસભાઓમાં મહત્તમ સભ્ય સંખ્યા 500થી વધારીને 650 કરવાનો પણ પ્રસ્તાવ છે. અનુચ્છેદ 54માં જમ્મુ-કાશ્મીરને દિલ્હી અને પુડુચેરીની જેમ “રાજ્ય”ની વ્યાખ્યામાં સામેલ કરાયું છે, જેનાથી ત્યાંના ચૂંટાયેલા સભ્યો રાષ્ટ્રપતિ ચૂંટણીના ઇલેક્ટોરલ કોલેજમાં જોડાઈ શકશે. મહિલા અનામત 2023નો કાયદો લાગુ થયા બાદ 15 વર્ષ સુધી અમલમાં રહેશે, જેને સંસદ કાયદા દ્વારા વધારી શકશે. મહિલા બેઠકો રોટેશનના આધારે નક્કી થશે. સુપ્રીમ કોર્ટના વર્તમાન કે પૂર્વ જજની અધ્યક્ષતામાં પરિસીમન પંચ રચાશે. ચૂંટણી પંચના અંતિમ આદેશને કોર્ટમાં પડકારી શકાશે નહીં. વર્તમાન ગૃહોનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ ફેરફાર નહીં થાય અને કાયદો લાગુ કરવાની તારીખ કેન્દ્ર સરકાર નક્કી કરશે.
-
4 દિવસીય વિશેષ સત્ર: વિપક્ષની બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ‘સેવા તીર્થ’ ખાતે યોજાયેલી કેબિનેટ બેઠક બાદ સરકાર તરફથી દાવો કરાયો છે કે બિલ પસાર કરાવવા માટે પૂરતું સંખ્યાબળ ઉપલબ્ધ છે. અગાઉ એપ્રિલમાં વિશેષ સત્ર દરમિયાન રજૂ કરાયેલા બિલને લોકસભાની મંજૂરી મળી શકી ન હતી. બંધારણ સુધારા માટે બંને ગૃહમાં બે-તૃતીયાંશ બહુમતી જરૂરી છે. સૂત્રો મુજબ, DMK, NCP અને BRS આ બિલને સમર્થન આપી શકે છે, જ્યારે વિપક્ષી ‘ઇન્ડિયા’ ગઠબંધન વિરોધમાં છે અને શનિવારે રણનીતિ ઘડવા બેઠક યોજશે. 4 દિવસીય વિશેષ સત્ર હેઠળ 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે લોકસભા તથા 2 અને 3 ડિસેમ્બરે રાજ્યસભાની બેઠક મળશે. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે વિશેષ સત્ર દેશ માટે મહત્વપૂર્ણ વિધેયક અને કામકાજ માટે બોલાવવામાં આવે છે.








