1. Home
  2. ગુજરાતી
  3. ઈરાનનો બહેરીન અને કુવૈતમાં અમેરિકાના 85 સૈન્ય મથકો પર મિસાઈલ-ડ્રોનથી હુમલાનો દાવો
ઈરાનનો બહેરીન અને કુવૈતમાં અમેરિકાના 85 સૈન્ય મથકો પર મિસાઈલ-ડ્રોનથી હુમલાનો દાવો

ઈરાનનો બહેરીન અને કુવૈતમાં અમેરિકાના 85 સૈન્ય મથકો પર મિસાઈલ-ડ્રોનથી હુમલાનો દાવો

0
Social Share

તેહરાન, 8 જુલાઈ 2026: મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં ચાલી રહેલો તણાવ હવે ખુલ્લા યુદ્ધમાં ફેરવાઈ ગયો હોય તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. ઈરાનની શક્તિશાળી સેના ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’એ દાવો કર્યો છે કે તેણે બહેરીન અને કુવૈતમાં આવેલા અમેરિકાના 85 સૈન્ય મથકો પર એકસાથે ભીષણ હુમલા કર્યા છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ ના જણાવ્યા અનુસાર, તેની નૌસેના અને એરોસ્પેસ ફોર્સે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર સેંકડો મિસાઇલો અને આત્મઘાતી ડ્રોનનો મારો ચલાવ્યો છે, જેમાં અમેરિકાને મોટું નુકસાન થયું હોવાની આશંકા છે.

ઈરાની સેના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’એ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, આ જવાબી કાર્યવાહીમાં બહેરીનમાં તૈનાત અમેરિકી નૌસેનાના અત્યંત મહત્વપૂર્ણ ‘ફિફ્થ ફ્લીટ બેઝ’ અને કુવૈત સ્થિત ‘અલી અલ-સલેમ એર બેઝ’ને મુખ્યત્વે નિશાન બનાવવામાં આવ્યા છે. ઈરાનનું કહેવું છે કે અમેરિકા દ્વારા તાજેતરમાં સીઝફાયર અને ઇસ્લામાબાદ કરારના સરેઆમ ઉલ્લંઘન સામે આ ઈરાનની માત્ર ‘શરૂઆતની પ્રતિક્રિયા’ (ટ્રેલર) છે. ઈરાનના જણાવ્યા અનુસાર, આ પહેલા અમેરિકી વાયુસેનાએ ઈરાનના હોર્મોઝગાન અને માહશહરમાં આવેલા દરિયાકાંઠાના સૈન્ય મથકો તેમજ કેટલાક બિન-સૈન્ય સ્ટેશનો પર હવાઈ હુમલા કર્યા હતા. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’એ અમેરિકાની આ હરકતની આકરી નિંદા કરતા એક ગંભીર આરોપ લગાવ્યો છે કે, “અમેરિકાએ આ કાયરતાપૂર્ણ હુમલા એવા સમયે કર્યા જ્યારે ઈરાનમાં દેશના દિવંગત નેતાના અંતિમ સંસ્કારની અંતિમયાત્રા (જૂલૂસ) નીકળી રહી હતી. અમેરિકા આ ઐતિહાસિક અને સંવેદનશીલ પ્રસંગના મહત્વને ઓછું કરવા માંગતું હતું, જે ઈરાન ક્યારેય સહન નહીં કરે.”

  • અમેરિકા અને સાથી દેશો મૌન, સ્થિતિ અત્યંત ગંભીર

આ સનસનાટીપૂર્ણ હુમલા બાદ સમગ્ર મિડલ ઈસ્ટમાં હાઈ એલર્ટની સ્થિતિ છે. જો કે, ઈરાનના આ આક્રમક દાવા પર હજુ સુધી અમેરિકાના પેન્ટાગોન, બહેરીન કે કુવૈત સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે પુષ્ટિ સામે આવી નથી. સંરક્ષણ નિષ્ણાતોના મતે, જો ઈરાનનો આ દાવો સાચો સાબિત થશે, તો સમગ્ર વિશ્વ પર ત્રીજા વિશ્વયુદ્ધનું સંકટ ઘેરૂ બની શકે છે અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો આસમાને પહોંચી શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code