અમદાવાદ, 10 ઓક્ટોબર, 2026 : શહેરમાં નવરાત્રીના પર્વને એક દિવસ બાકી રહ્યો છે ત્યારે સોટાયટીઓ, પાર્ટી પ્લોટ્સ, કલબોમાં ગરબા માટે નવરાત્રીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નવરાત્રીનું પર્વ આનંદોલ્લાસ સાથે શાંતિપૂર્ણરીતે ઊજવાય તે માટે શહેર પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત કરાશે. મોડીરાતના 3 વાગ્યા સુધી પોલીસ જવાનો રોડ પર તેનાત રહેશે. તમામ ટ્રાફિક પોલીસ કર્મચારીઓની શિફટના સમયમાં પણ બેથી ત્રણ કલાકનો વધારો કરવામાં આવશે. શહેરમાં 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી ભારે વાહનો ઉપર રાત્રે 10:00 વાગ્યાની જગ્યાએ બે વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ જેસીપી અશ્વિન ચૌહાણએ જણાવ્યું કે, નવરાત્રી દરમિયાન શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસે સઘન આયોજન કર્યું છે. શહેરના સરદાર પટેલ રિંગ રોડ અને એસજી હાઇવે પરના તમામ જંકશન પર મોડી રાત સુધી ટ્રાફિકના જવાનો ફરજ પર રહેશે. ખાસ કરીને રોડ ઉપર જ્યાં વાહન પાર્કિંગ કરવામાં આવશે ત્યાં કાર્યવાહી કરાશે. શહેરમાં રાત્રે 10 વાગ્યા સુધી ભારે વાહન ઉપર પ્રતિબંધ છે, પરંતુ 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી અમદાવાદ શહેરમાં ભારે વાહનો ઉપર રાત્રે 10:00 વાગ્યાની જગ્યાએ બે વાગ્યા સુધી પ્રતિબંધ રાખવામાં આવશે, જેથી એસપી રિંગ રોડ અને એસ. જી. હાઇવે સહિતના રોડ ઉપર મોટા ભારે વાહનો જેમકે ડમ્પર, ટ્રકો, મોટી લક્ઝરી બસો વગેરે પર રાત્રે 2 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે. બે વાગ્યા બાદ જ મોટા ભારે વાહનો શહેરમાં પ્રવેશ કરી શકશે.
શહેરમાં જે પાર્ટી પ્લોટ્સ પર ગરબાનું મેગા આયોજન કરાયુ છે. એવા સ્થળોએ મોડી રાત્રે 3 વાગ્યા સુધી પોલીસ તૈનાત રહેશે. જ્યાં મોટા કલાકારો અને વધારે પ્રમાણમાં લોકો ગરબા રમવા માટે આવવાના છે, એવા સ્થળો ઉપર પણ ટ્રાફિકજામ ન થાય તેના માટે થઈને પોલીસ રાખવામાં આવશે. ખાસ કરીને એસજી હાઇવે પર વધુ ટ્રાફિક થવાની સંભાવના હોવાના પગલે વાયએમસીએ, કર્ણાવતી ક્લબ, ઉજાલા સર્કલ, વાયએમસીએથી એસપી રિંગ રોડ તરફ જવાનો રોડ, એસપી રિંગ રોડ, ઓગણજ સર્કલ અને વૈષ્ણોદેવી સર્કલ આ તમામ જગ્યાઓ ઉપર મોટા પ્રમાણમાં ગરબા થવાના હોવાથી આ વિસ્તારોમાં મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી પોલીસ હાજર રહેશે.


