ગાંધીનગર, 10 ઓક્ટોબર, 2026 : New assistance scheme for MSMEs ગુજરાતના ઔદ્યોગિક વિકાસના પાયાને વધુ મજબૂત બનાવવા અને નાના-મધ્યમ ઉદ્યોગોને વૈશ્વિક સ્પર્ધા માટે સજ્જ કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. તેના અંતર્ગત રાજ્ય સરકારે ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026 : MSMEs માટે સહાય યોજના’ જાહેર કરી છે. તાજેતરમાં ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા કરાયેલા ઠરાવથી જાહેર થયેલી આ યોજના 1 જૂન, 2026થી અમલમાં આવી છે અને 31 મે, 2031 સુધી પાંચ વર્ષ માટે અમલમાં રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને ખાણ અને ઉદ્યોગ વિભાગનો હવાલો ધરાવતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારની આ પહેલનો હેતુ MSME ક્ષેત્રને માત્ર નાણાકીય સહાય પૂરતી મર્યાદિત રાખવાને બદલે મૂડી રોકાણ, વ્યાજ, વીજળી, રોજગાર, ગુણવત્તા પ્રમાણપત્ર, ટેક્નોલોજી, પેટન્ટ, ઊર્જા-પાણી બચત, ડિજિટલ ટેક્નોલોજી, AI, તાલીમ અને બજારમાં મૂડી ઊભી કરવાની ક્ષમતા જેવા અનેક પાસાંઓમાં સહાય પૂરી પાડવાનો છે.
મૂડી-વ્યાજ-વીજળીની સંયુક્ત સહાયથી ઉદ્યોગોને મજબૂતી
યોજના હેઠળ MSME એક અથવા એકથી વધુ સહાય ઘટકોનો લાભ લઈ શકશે. તાલુકાની કેટેગરી પ્રમાણે સંયુક્ત પ્રોત્સાહનની મહત્તમ મર્યાદા કેટેગરી-Aમાં EFCIના 45 ટકા અને કેટેગરી-Bમાં 35 ટકા સુધી રહેશે. કેટેગરી-Aમાં માઇક્રો ઉદ્યોગને એક વર્ષમાં વિતરિત EFCIના 35 ટકા અને સ્મોલ તથા મીડિયમ ઉદ્યોગને પાંચ વર્ષમાં વિતરિત EFCIના 35 ટકા સુધી મૂડી સહાય મળી શકે છે. કેટેગરી-Bમાં આ દર અનુક્રમે 25 ટકા રહેશે. સાથે ટર્મ લોન પર પાંચ વર્ષ માટે 7 ટકા વ્યાજ સહાય અને કેટેગરી-Aમાં પાંચ વર્ષ સુધી યુનિટદીઠ રૂ.2 તથા કેટેગરી-Bમાં રૂ.1 સુધી વીજદર સહાયની જોગવાઈ છે. પસંદગીના થ્રસ્ટ સેક્ટર્સ માટે આ માળખું વધુ પ્રોત્સાહક બનાવાયું છે. આવા ક્ષેત્રોમાં સંયુક્ત સહાયની મહત્તમ મર્યાદા કેટેગરી-Aમાં EFCIના 50 ટકા અને કેટેગરી-Bમાં 45 ટકા રહેશે. મહિલા ઉદ્યોગસાહસિકો, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના નોંધાયેલા સ્ટાર્ટઅપ્સ અને પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકોને તમામ નિર્ધારિત મર્યાદાઓની અંદર 1 ટકા વધારાની વ્યાજ સહાય પણ મળશે.
રોજગાર વધારનારા ઉદ્યોગોને EPFમાં મોટી રાહત
નવી રોજગારી ઊભી કરનારા ઉદ્યોગો માટે યોજના હેઠળ EPF Reimbursementની મહત્વપૂર્ણ જોગવાઈ છે. નવા કર્મચારીઓ માટે ઉદ્યોગસાહસિક દ્વારા ચૂકવવામાં આવેલા એમ્પ્લોયર EPF યોગદાનની 100 ટકા સુધી ભરપાઈ પાંચ વર્ષ સુધી મળી શકે છે. દરેક કર્મચારી માટે પ્રોત્સાહનની મર્યાદા કર્મચારીના બેઝિક પગાર, DA અને રિટેનિંગ એલાઉન્સના 12 ટકા અથવા પુરુષ કર્મચારી માટે રૂ.1,800, મહિલા કર્મચારી માટે રૂ.2,500 અને દિવ્યાંગ કર્મચારી માટે રૂ.3,000 પ્રતિ માસ—જે ઓછું હોય તે મુજબ રહેશે. વિસ્તરણ કે વૈવિધ્યકરણ કરનાર ઉદ્યોગોમાં વધારાની રોજગારીને પણ આ સહાયનો લાભ મળશે.
ગુણવત્તા અને વૈશ્વિક બજાર માટે MSMEને સજ્જ કરવાની પહેલ
MSME ઉત્પાદનોને ગુણવત્તાયુક્ત અને સ્પર્ધાત્મક બનાવવા માટે ERP અને ગુણવત્તા પ્રમાણપત્ર માટે પણ સહાય મળશે. ERP સિસ્ટમ સ્થાપિત કરવા માટે 65 ટકા મૂડી ખર્ચ, મહત્તમ રૂ.1 લાખ સુધીની સહાય છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર માટે પ્રમાણપત્ર ફી તેમજ જરૂરી ટેસ્ટિંગ સાધનો અને મશીનરીના ખર્ચના 50 ટકા સુધી, મહત્તમ રૂ.10 લાખની સહાયની જોગવાઈ છે. આ ઉપરાંત ZED—Zero Defect, Zero Effect પ્રમાણપત્ર માટે ભારત સરકારની સહાય બાદ બાકી ચાર્જના 50 ટકા સુધી, મહત્તમ રૂ.50,000ની સહાય મળશે. આથી ગુણવત્તા, પર્યાવરણમૈત્રી ઉત્પાદન અને ‘Make in India’ને પ્રોત્સાહન મળશે.


