ગાંધીનગર, 9 ઓક્ટોબર, 2026 : Candidates up to 30 years of age will now be admitted in Pre-PTC રાજ્યમાં ગુણવત્તાયુક્ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે સક્ષમ અને તાલીમબદ્ધ શિક્ષકો ઉપલબ્ધ થાય; તે દિશામાં ગુજરાત સરકારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે બાલ અધ્યાપન મંદિરની પ્રી-પીટીસી (D.E.C.Ed.) કૉલેજોમાં પ્રવેશના નિયમોમાં મહત્વના સુધારા કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલા આ સુધારા મુજબ રાજ્યમાં આવેલી પ્રી-પીટીસી કૉલેજોમાં પ્રવેશ પ્રક્રિયાને વધુ સમાવેશી, સુગમ અને સમયાનુકૂળ બનાવવામાં આવી છે.
મુખ્યમંત્રીનાં માર્ગદર્શન તથા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના નેતૃત્વ હેઠળ આ સુધારા દ્વારા કરવામાં આવેલો સૌથી મહત્વના નિર્ણયોમાં પ્રી-પીટીસી કૉલેજોમાં પ્રવેશ માટેની બેઠકોમાં વધારો, પ્રવેશ માટેની વયમર્યાદા 5 વર્ષ વધારી 30 વર્ષ કરવાનો અને EWS તેમજ દિવ્યાંગો માટે અનામત આપવાનો સમાવેશ થાય છે. અગાઉ વર્ગદીઠ 50 બેઠકોની મંજૂર ક્ષમતા સામે હવે 25 ટકા વધારા સાથે કુલ 62 બેઠકો કરવામાં આવી છે. આથી તાલીમ મેળવવા ઇચ્છતા વધુ ઉમેદવારોને શિક્ષક બનવાની તક મળશે અને રાજ્યમાં ગુણવત્તાયુક્ત બાળ શિક્ષણ માટે તાલીમબદ્ધ માનવબળનો વ્યાપ વધશે.
સુધારેલા પ્રવેશ માળખા અનુસાર SEBC માટે 27 ટકા અનામત હેઠળ 17 બેઠકો, અનુસૂચિત જાતિ માટે 7 ટકા હેઠળ 4 બેઠકો અને અનુસૂચિત જનજાતિ માટે 15 ટકા હેઠળ 9 બેઠકો નક્કી કરવામાં આવી છે.
ઓપન કૅટેગરીમાં 41 ટકા મુજબ 26 બેઠકો રહેશે, જ્યારે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS માટે પ્રથમ વખત 10 ટકા મુજબ 6 બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે. આમ, કુલ 100 ટકા મુજબ 62 બેઠકો ઉપલબ્ધ રહેશે. આ બેઠક વધારો ખાસ કરીને પ્રી-પીટીસી કૉલેજો ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો માટે નોંધપાત્ર તક ઊભી કરશે. વધુ બેઠકો ઉપલબ્ધ થવાથી પ્રવેશ માટેની તકો વધશે અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્ર માટે જરૂરી તાલીમ પ્રાપ્ત કરનારા ઉમેદવારોની સંખ્યા પણ વધવાની સંભાવના છે.


