1. Home
  2. ગુજરાતી
  3. શોપિયાંમાં સુરક્ષા દળોના ઓપરેશનમાં લશ્કરનો ટોપ કમાન્ડર ઝાકિર ગની ઠાર મરાયો
શોપિયાંમાં સુરક્ષા દળોના ઓપરેશનમાં લશ્કરનો ટોપ કમાન્ડર ઝાકિર ગની ઠાર મરાયો

શોપિયાંમાં સુરક્ષા દળોના ઓપરેશનમાં લશ્કરનો ટોપ કમાન્ડર ઝાકિર ગની ઠાર મરાયો

0
Social Share

નવી દિલ્હી, 8 જુલાઈ 2026: જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળોને આતંકવાદ વિરોધી અભિયાનમાં એક મોટી સફળતા હાથ લાગી છે. છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા મેગા સર્ચ ઓપરેશનના અંતે બુધવારે (8 જુલાઈ) સુરક્ષા દળોએ પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડર ઝાકિર ગનીને ઠાર મરાયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે સોશિયલ મીડિયા પર આ ઓપરેશન અંગે સત્તાવાર માહિતી શેર કરી છે. સુરક્ષા દળોએ માર્યા ગયેલા આતંકવાદીનો મૃતદેહ પણ કબજે કરી લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by para lover💫 (@indian__sf)

સંરક્ષણ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, શોપિયાંના ચનાપોરા વિસ્તારમાં શનિવારથી જ પોલીસ, ભારતીય સેનાની 55 રાષ્ટ્રીય રાઇફલ્સ અને સીઆરપીએફની સંયુક્ત ટીમ દ્વારા એક સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બુધવારે સર્ચ ઓપરેશન દરમિયાન વિસ્તારમાં ફરી એકવાર ગોળીબારનો અવાજ સંભળાયો હતો, જેના જવાબમાં સુરક્ષા દળોએ ત્વરિત જવાબી કાર્યવાહી કરી હતી. આ એન્કાઉન્ટર બાદ ચનાપોરાની એક ગૌશાળામાંથી લશ્કરના કમાન્ડર ઝાકિર ગનીનો મૃતદેહ મળી આવ્યો હતો. એન્કાઉન્ટરના સ્થળેથી સુરક્ષા દળોને મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને અન્ય વાંધાજનક સામગ્રી મળી આવી છે. કાશ્મીર પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ આ ઓપરેશનને સેના માટે એક મોટી સિદ્ધિ ગણાવી છે, કારણ કે ઝાકિર ગની ખીણમાં અનેક આતંકી ઘટનાઓમાં સામેલ હતો.

આ સફળતા અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે તેના સત્તાવાર ‘એક્સ’ હેન્ડલ પર પોસ્ટ કરીને આતંકીઓને કડક ચેતવણી આપી છે. પોલીસે લખ્યું હતું કે, “તમે ગમે તેટલા ભાગો, પણ ક્યારેય છુપાઈ શકશો નહીં! એસઓજી શોપિયાં, 55 રાષ્ટ્રીય રાઈફલ્સ અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં લશ્કર-એ-તૈયબાનો આતંકી માર્યો ગયો છે.” સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં હજુ પણ સર્ચ અને સેનિટાઈઝેશનની પ્રક્રિયા ચાલી રહી છે. ગુપ્તચર માહિતી મુજબ, માર્યા ગયેલા કમાન્ડર ઝાકિર ગનીની સાથે લશ્કરનો અન્ય એક ખતરનાક આતંકવાદી ‘લતીફ’ પણ ત્યાં હાજર હતો, જે હાલ ફરાર હોવાનું કહેવાય છે. વિસ્તારમાં અન્ય કોઈ આતંકી છુપાયેલો ન રહે તે સુનિશ્ચિત કરવા માટે સમગ્ર ચનાપોરાને સીલ કરીને સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code