અમદાવાદ, 10 જુલાઈ, 2026 : Youth dies after scooter collides with turning DPS school bus શહેરના શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે ટર્ન લઈ રહેલી ડીપીએસ સ્કૂલની બસમાં ઘુસી જતા સ્કૂટરચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. શહેરના પ્રભાત ચોકથી શાસ્ત્રીનગર જતાં રોડ પર એક ઈલેક્ટ્રિક સ્કૂટર સવાર યુવક સ્કૂલ બસના પાછળના ટાયરમાં ઘૂસી ગયો હતો.. અકસ્માત એટલો ભયાનક હતો કે રસ્તો લોહીલુહાણ થઈ ગયો હતો. મૃતક યુવકની ઉંમર આશરે 20થી 21 વર્ષની હોવાનું અને તેનું નામ યુવરાજ હોવાનું સામે જાણવા મળ્યું છે. આ અકસ્માતના બનાવના વિડિયો કૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના શાસ્ત્રીનગરમાં પલ્લવ ચાર રસ્તા પાસે બપોરના 2.30 વાગ્યાના સમયે બોપલ DPS સ્કૂલનો બસ ચાલક બસને ટર્ન લેતો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા ઈલેક્ટ્રિક સ્કુટરના ચાલક સ્કૂલબસની નીચે આવી જતા યુવકનું મોત થયું હતું. આ અકસ્માતને લીધે રોડ પર ત્રણ-ચાર ફૂટ લાંબો લોહીનો લિસોટો પડી ગયો હતો. ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતાં બી ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. અકસ્માત બાદ ડીપીએસ બસના ડ્રાઇવર અને કંડકટર બંને બસ અને બાળકોને ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા.
સ્થાનિક સૂત્રોના કહેવા મુજબ શહેરના પ્રભાત ચોકથી શાસ્ત્રીનગર જતા રોડ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા આશરે 1 અઠવાડિયા પહેલા પાઇપલાઇના કામ માટે એક મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. આ કામ હજુ સુધી પૂરું ન થતાં ખાડો એમ જ ખુલ્લો રાખવામાં આવ્યો હતો. આજે ત્યાંથી પસાર થઈ રહેલી એક સ્કૂલ બસ આ ખાડાની બાજુમાંથી ડાબી તરફ ટર્ન લઈ રહી હતી. તે સમયે બસની પાછળ આવી રહેલા સ્કૂટર સવાર યુવરાજે અચાનક શોર્ટ બ્રેક મારવી પડી હતી. બ્રેક મારતા જ સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું અને યુવક સીધો બસના પાછળના વ્હીલ નીચે આવી ગયો હતો.
આ અંગે જાણ થતાં ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. આ બાબતે યુવકની ઓળખ કરવામાં આવતા તેનું નામ યુવરાજ હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. ત્યાર બાદ તેના પરિવારજનોને જાણ કરવાની અને લાશને પીએમ માટે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી.


