Homeગુજરાતીદેશ-વિદેશ26/11 મુંબઈ આતંકી હુમલાની 18મી વરસી: મુખ્ય સૂત્રધારોને સજા અપાવવા ઉજ્જવલ નિકમનો...

26/11 મુંબઈ આતંકી હુમલાની 18મી વરસી: મુખ્ય સૂત્રધારોને સજા અપાવવા ઉજ્જવલ નિકમનો હુંકાર

મુંબઈ, 26 નવેમ્બર 2026: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 26 નવેમ્બર, 2008ના રોજ થયેલા ભયાનક આતંકી હુમલાને આજે 18 વર્ષ પૂર્ણ થયા છે. દોઢ દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં એ કાળી રાતનો ખૌફ આજે પણ લોકોના દિલમાં જીવંત છે. આ કાયરતાપૂર્ણ હુમલામાં 166 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 300 જેટલા લોકો ઘાયલ થયા હતા. ગુરુવારે હુમલાની 18મી વરસી નિમિત્તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સહિત દેશભરના નેતાઓએ શહીદ જવાનો અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

26/11 કેસના વિશેષ સરકારી વકીલ રહી ચૂકેલા વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને રાજ્યસભા સાંસદ ઉજ્જવલ નિકમે જણાવ્યું કે, “ભારતે આતંકી અજમલ કસાબને ફાંસી આપીને ન્યાયિક લડાઈમાં મોટી સફળતા મેળવી અને વિશ્વને કડક સંદેશ આપ્યો. પરંતુ 18 વર્ષ બાદ પણ દરેક ભારતીયના મનમાં એ સવાલ છે કે આ હુમલાનું સમગ્ર ષડયંત્ર રચનાર મુખ્ય સૂત્રધારો સુધી આપણે કેમ પહોંચી શક્યા નથી? 166 પીડિતોને સંપૂર્ણ ન્યાય ત્યારે જ મળશે જ્યારે પડદા પાછળ બેઠેલા અસલી ગુનેગારોને સજા થશે.”

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મુંબઈ પોલીસ કમિશનર કચેરી ખાતે આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે 26/11ના હુમલામાં આતંકીઓ સામે લડતા શહીદ થયેલા સુરક્ષાકર્મીઓ અને જીવ ગુમાવનાર નાગરિકોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ફડણવીસે સોશિયલ મીડિયા પર પણ સંદેશ પાઠવતા લખ્યું કે, “મુંબઈની રક્ષા કરતા પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર જવાનો અને નિર્દોષ નાગરિકોને હું કોટિ-કોટિ નમન કરું છું.”

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર શહીદોને યાદ કરતા લખ્યું કે, “વર્ષ 2008માં આજના જ દિવસે મુંબઈ પર થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આતંકીઓને જડબાતોડ જવાબ આપતા શહીદ થયેલા વીર જવાનોને નમન કરું છું અને તમામ નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.” તેમણે વધુમાં ઉમેર્યું કે, આતંકવાદ માનવતા વિરુદ્ધનો સૌથી જઘન્ય અપરાધ છે. મોદી સરકારની આતંકવાદ સામેની ‘ઝીરો ટોલરન્સ’ નીતિની આજે વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે અને ભારત આતંકના દરેક ષડયંત્ર સામે નિર્ણાયક કાર્યવાહી કરી રહ્યું છે.

ગુનેગારોને સજા અપાવવા ભારત પ્રતિબદ્ધ: એસ. જયશંકર

વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ હુમલાના પીડિતો અને શહીદ સુરક્ષાકર્મીઓને શ્રદ્ધાંજલિ આપતા આતંકવાદ સામે ભારતની કડક નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે ‘એક્સ’ પર જણાવ્યું કે, ભારત આતંકવાદના દરેક સ્વરૂપ સામે લડવા અને 26/11ના હુમલામાં સામેલ તમામ ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

(Photo-File)

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img