1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. આહારમાં દહીંનો ઉપયોગ અમૃત સમાન, જાણો પૌષ્ટિકતા વધારતી ઝટપટ રેસિપીઝ
આહારમાં દહીંનો ઉપયોગ અમૃત સમાન, જાણો પૌષ્ટિકતા વધારતી ઝટપટ રેસિપીઝ

આહારમાં દહીંનો ઉપયોગ અમૃત સમાન, જાણો પૌષ્ટિકતા વધારતી ઝટપટ રેસિપીઝ

0
Social Share

ભારતીય ખાનપાનમાં દહીં સદીઓથી એક અનિવાર્ય અને મહત્વપૂર્ણ હિસ્સો રહ્યું છે. સ્વાદિષ્ટ હોવાની સાથે દહીં એક અત્યંત હલકો અને સરળતાથી પચી જતો આહાર માનવામાં આવે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં શરીરને આંતરિક ઠંડક આપવા અને ભોજનનો સ્વાદ બમણો કરવા માટે દહીંની લોકપ્રિયતા ઘણી વધી જાય છે. આ જ કારણે આહાર નિષ્ણાતો પણ દહીંને સંતુલિત આહારનો એક આવશ્યક ભાગ ગણાવે છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન બી12, રાઇબોફ્લેવિન, પોટેશિયમ અને ગુણકારી પ્રોબાયોટિક્સ જેવા અનેક જરૂરી પોષક તત્વો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. મર્યાદિત અને નિયમિત માત્રામાં દહીંનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે, હાડકાંનો વિકાસ સારો થાય છે, શરીરને પૂરતું પોષણ મળે છે અને આંતરડાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. આ ઉપરાંત, દહીં ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે, જેથી તે વજન નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

  • દહીંમાંથી મિનિટોમાં તૈયાર થતી 5 ટેસ્ટી અને પૌષ્ટિક રેસિપીઝ

દહીં ભાત : રાંધેલા ભાતને સરસ રીતે ઠંડા કરીને તેમાં તાજું દહીં ઉમેરવું. ત્યારબાદ સ્વાદ માટે રાઈ, મીઠો લીમડો, લીલા મરચાં અને વઘાર કરવો. જો ઈચ્છો તો તેમાં દાડમના દાણા અથવા છીણેલું ગાજર પણ ઉમેરી શકાય છે. આ એક હળવો અને જલદી પચી જતો ખોરાક છે, જે પ્રોબાયોટિક્સ અને કાર્બોહાઈડ્રેટનો ઉત્તમ સ્ત્રોત છે.

દહીં સેન્ડવિચ: તાજા દહીંને થોડું ઘટ્ટ (હંક કર્ડ) કરીને તેમાં ઝીણું સમારેલું કાકડી, ગાજર, કેપ્સિકમ, મરી પાવડર અને મીઠું ઉમેરવું. આ મિશ્રણને બ્રાઉન બ્રેડ પર લગાવીને હેલ્ધી સેન્ડવિચ તૈયાર કરી શકાય છે. સવારના નાસ્તા માટે આ એક ઝટપટ બનતી રેસિપી છે, જેમાંથી ભરપૂર પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન અને ફાઈબર મળી રહે છે.

વેજિટેબલ રાયતું: દહીંને બરાબર વલોવીને તેમાં ઝીણી સમારેલી કાકડી, ગાજર, ટામેટાં, ડુંગળી અને શેકેલા જીરાનો પાવડર મેળવવો. ઉપરથી લીલા ધાણા ભભરાવીને ભોજન સાથે પીરસવું. આ સ્વાદિષ્ટ રાયતું શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે પાચનક્રિયાને વેગવંતી બનાવે છે.

દહીં ઓટ્સ: ઓટ્સને હલકા ઉકાળીને અથવા પલાળીને ઠંડા કરી લો અને તેમાં દહીં ઉમેરો. આ મિશ્રણની ઉપર સફરજન, કેળાં, બેરીઝ, ચિયા સીડ્સ અથવા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને ખાઈ શકાય છે. ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર આ બ્રેકફાસ્ટ લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતો નથી.

દહીં સ્મૂધી: દહીંની અંદર કેળું, કેરી, સ્ટ્રોબેરી કે તમારી પસંદગીનું કોઈ પણ ફળ ઉમેરીને તેને બ્લેન્ડરથી મિક્સ કરી લો. સ્વાદ અને ઊર્જા વધારવા માટે તેમાં થોડું મધ અને ચિયા સીડ્સ પણ ઉમેરી શકાય છે. આ એક પૌષ્ટિક ડ્રિંક છે, જે શરીરને ત્વરિત એનર્જી અને કેલ્શિયમ પ્રદાન કરે છે.

  • દહીંની પૌષ્ટિકતા કેવી રીતે વધારવી અને કઈ બાબતોનું ધ્યાન રાખવું?

આહાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દહીંમાં ઋતુગત ફળો તેમજ કાકડી, ગાજર, ટામેટાં અને બીટ જેવી શાકભાજી ઉમેરવાથી તેની ગુણવત્તા બમણી થઈ જાય છે. આ ઉપરાંત ચિયા સીડ્સ, અળસી, તલ કે ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને હેલ્ધી ફેટ અને ફાઈબરનું પ્રમાણ વધારી શકાય છે. ઓટ્સ, મ્યૂસલી અથવા ફણગાવેલા કઠોળ સાથે દહીંનું સેવન કરવાથી તે એક સંપૂર્ણ આહાર બની જાય છે. સ્વાદ માટે તેમાં ફુદીનો, કોથમીર અને શેકેલું જીરું ઉમેરી શકાય છે, પરંતુ દહીંમાં વધુ પડતી ખાંડ કે ગળ્યા સિરપ ઉમેરવાથી બચવું જોઈએ.

દહીં ખાતી વખતે હંમેશાં એ વાતની તકેદારી રાખવી કે તે તાજું અને સારી ગુણવત્તાવાળું હોય. જો તમે બજારમાંથી પેકેટવાળું દહીં ખરીદતા હોવ, તો તેની એક્સપાયરી ડેટ ચોક્કસ તપાસવી જરૂરી છે. સૌથી મહત્વની વાત એ છે કે જે લોકોને દૂધ કે ડેરી પ્રોડક્ટ્સની એલર્જી હોય અથવા ‘લેક્ટોઝ ઇનટોલરન્સ’ની સમસ્યા હોય, તેમણે દહીંનું સેવન કરતાં પહેલાં ડૉક્ટર કે ડાયેટિશિયનની સલાહ અચૂક લેવી જોઈએ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code