ડેનમાર્કનું કોપનહેગન વિશ્વમાં રહેવા માટે સર્વશ્રેષ્ઠ, પાકિસ્તાનનું કરાચી ચોથું સૌથી ખરાબ શહેર
લંડન, 10 જુલાઈ 2026: ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા જાહેર કરવામાં આવેલા ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ અનુસાર દુનિયામાં સૌથી રહેવા લાયક શહેરોમાં પ્રથમ ક્રમે ડેનમાર્કનું કોપરહેગન આવે છે. જ્યારે સૌથી ખરાબ શહેરોમાં લીબિયાના ત્રિપોલી શહેરનો સમાવેશ થાય છે. એટલું જ નહીં ભારતના પડોશી દેશ પાકિસ્તાનનુ કરાચી શહેર પણ ખરાબ શહેરોમાં ચોથાક્રમે આવે છે.
ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU) દ્વારા વર્ષ 2026 માટેનો વાર્ષિક ‘ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ’ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં વિશ્વના સૌથી સારા અને રહેવા લાયક તેમજ સૌથી ખરાબ શહેરોની યાદી પ્રસ્તુત કરાઈ છે. આ વૈશ્વિક સૂચકાંકમાં પાકિસ્તાનના આર્થિક પાટનગર ગણાતા કરાચી શહેરની સ્થિતિ અત્યંત દયનીય દર્શાવવામાં આવી છે. કરાચીને વિશ્વનું ચોથું સૌથી ખરાબ શહેર જાહેર કરાયું છે અને કુલ 173 શહેરોની યાદીમાં તેને 170મું સ્થાન મળ્યું છે. આ યાદીમાં કરાચી કરતા પણ ખરાબ સ્થિતિમાં બાંગ્લાદેશનું ઢાકા, સીરિયાનું દમાસ્કસ અને લીબિયાનું ત્રિપોલી શહેર સામેલ છે.
આ રેન્કિંગ વૈશ્વિક સ્તરે શહેરી જીવનની સુગમતા, આરોગ્ય સેવાઓ, કાયદો અને સુરક્ષા વ્યવસ્થા, સંસ્કૃતિ, પર્યાવરણ, શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પાંચ મહત્વના માપદંડોના આધારે નક્કી કરવામાં આવે છે. આ વર્ષના ઈન્ડેક્સ મુજબ, રહેવા માટે દુનિયાનું સૌથી સર્વશ્રેષ્ઠ અને સુવિધાજનક શહેર ડેનમાર્કની રાજધાની કોપનહેગન બન્યું છે. આ યાદીમાં ઓસ્ટ્રિયાનું વિયેના શહેર બીજા ક્રમે અને ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન શહેર ત્રીજા ક્રમે રહ્યું છે, જે માનવ વસવાટ અને આધુનિક જીવનશૈલી માટે વિશ્વના સૌથી આદર્શ શહેરો સાબિત થયા છે.


