Homeગુજરાતીદેશ-વિદેશનિઠારી કાંડના મુખ્ય આરોપી સુરેન્દ્ર કોલીનું મોત; હરિદ્વારમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ

નિઠારી કાંડના મુખ્ય આરોપી સુરેન્દ્ર કોલીનું મોત; હરિદ્વારમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ

નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર 2026: નોઇડાના બહુચર્ચિત નિઠારી કાંડના મુખ્ય આરોપી રહેલા સુરેન્દ્ર કોલીનો ઉત્તરાખંડના  હરિદ્વારમાંથી મૃતદેહ મળી આવ્યો છે. હરિદ્વારના ભૂપતવાલા વિસ્તારમાં એક મંદિર સામે આવેલી ચાની કીટલી પાસેથી તેનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી દીધી હતી. મૂળ ઉત્તરાખંડના અલમોડા જિલ્લાના ભિકિયાસૈણ વિસ્તારનો વતની સુરેન્દ્ર કોલી છેલ્લા કેટલાક મહિનાઓથી હરિદ્વારમાં રહી રહ્યો હતો.

હરિદ્વાર પોલીસના જણાવ્યા અનુસાર, શહેર કોતવાલીની સપ્ત ઋષિ પોલીસ ચોકીને માહિતી મળી હતી કે સપ્ત સરોવર રોડ પર આવેલી એક ચાની દુકાનમાં એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં મૃતકની ઓળખ સુરેન્દ્ર કોલી (રહે. મંગરૂખાલ, ભિકિયાસૈણ, અલમોડા) તરીકે થઈ હતી. તે હરિદ્વારમાં ભાડેથી ચાની દુકાન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.

  • સુસાઈડ નોટ નથી મળી

પ્રારંભિક તપાસમાં પોલીસને દુકાનમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસનું કહેવું છે કે મોતનું સાચું કારણ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે. શહેર કોતવાલ કુંદન સિંહ રાણાએ જણાવ્યું હતું કે મૃતકની ઓળખ નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલી તરીકે થઈ છે. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી દીધી છે અને તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે.

ડિસેમ્બર 2006 માં નોઇડાના નિઠારી વિસ્તારમાં આવેલા એક મકાનની પાછળ ગટરમાંથી બાળકોના હાડપિંજર અને અવશેષો મળી આવ્યા હતા, જેણે આખા દેશને હચમચાવી મૂક્યો હતો. સુરેન્દ્ર કોલી એ મકાનમાં નોકર તરીકે કામ કરતો હતો, જ્યારે મકાન માલિક મોનિંદર સિંહ પંઢેર પણ આ કેસમાં આરોપી હતો. કોલીને અલગ-અલગ કેસોમાં દોષિત ઠેરવીને ફાંસીની સજા પણ સંભળાવવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને કેટલીક રાહતો મળી હતી.

ઓક્ટોબર 2023 માં અલાહાબાદ હાઈકોર્ટે નિઠારી હત્યાકાંડ સાથે જોડાયેલા એક કેસમાં સુરેન્દ્ર કોલીની સજા રદ કરીને તેને નિર્દોષ છોડી મુક્યો હતો. ત્યારબાદ નવેમ્બર 2025 માં સુપ્રીમ કોર્ટે નિઠારી કાંડ સાથે જોડાયેલા અંતિમ પડતર કેસમાં પણ તેની ક્યુરેટિવ પીટિશન મંજૂર કરીને તેની સજા રદ કરી દીધી હતી અને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો, જેનાથી તેના તમામ ગુનાહિત કેસો બંધ થઈ ગયા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular