Homeગુજરાતીટેકનોલોજીમુંબઈમાં વેપારી સાથે રૂ. 1.12 કરોડની સાયબર ઠગાઈ કેસમાં IIT ગ્રેજ્યુએટ અને...

મુંબઈમાં વેપારી સાથે રૂ. 1.12 કરોડની સાયબર ઠગાઈ કેસમાં IIT ગ્રેજ્યુએટ અને બેંક મેનેજર સહિત 6 ની ધરપકડ

મુંબઈ, 18 સપ્ટેમ્બર 2026: મુંબઈ સાયબર પોલીસ દ્વારા એક મોટો સપાટો બોલાવીને ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે રૂ. 1.12 કરોડની ઠગાઈ આચરનાર ગેંગના છ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. આ ચોંકાવનારી ઘટનામાં આરોપીઓએ દહિસરના એક 68 વર્ષીય નિવૃત્ત વેપારીને આશરે બે અઠવાડિયા સુધી ઘરમાં જ ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી માનસિક ત્રાસ આપી આંગી રકમ પડાવી લીધી હતી. પકડાયેલા આરોપીઓમાં IIT દિલ્હીમાંથી ગ્રેજ્યુએટ થયેલ વેબ ડેવલપર અને એક ખાનગી બેંકનો ઓપરેશન્સ મેનેજર પણ સામેલ છે.

પોલીસ તપાસ અનુસાર, જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન ઠગોએ ટેલિકોમ ડિપાર્ટમેન્ટના અધિકારી બનીને વૃદ્ધનો સંપર્ક કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે વૃદ્ધના આધાર કાર્ડની વિગતોનો ઉપયોગ દિલ્હીમાં મની લોન્ડરિંગના કેસમાં થયો છે. ત્યારબાદ ‘વિજય ખન્ના’ નામના શખ્સે વિડિયો કોલ કરીને પોલીસ યુનિફોર્મમાં પોતે ઉચ્ચ અધિકારી હોવાનો નાટક કર્યો હતો.

પીડિતને ડરાવવા માટે સરકારી લોગો અને સુપ્રીમ કોર્ટના નકલી સરકારી દસ્તાવેજો બતાવવામાં આવ્યા હતા. વૃદ્ધને ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ સહકાર નહીં આપે તો તેમના પરિવારના સભ્યોની પણ ધરપકડ કરવામાં આવશે. ઠગોએ વૃદ્ધ પર સતત નજર રાખીને દર બે કલાકે પોતાની લોકેશન મોકલવા મજબૂર કર્યા હતા અને બે સપ્તાહ સુધી તેમને ઘરમાં જ કેદ (ડિજિટલ અરેસ્ટ) રાખ્યા હતા. ડર અને માનસિક દબાણ હેઠળ આવીને વૃદ્ધે પોતાની તમામ ફિક્સ ડિપોઝિટ તોડી નાખી હતી અને કુલ રૂ. 1.12 કરોડ આરોપીઓએ બતાવેલા અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા.

  • રૂપિયા ક્યાં પહોંચ્યા અને કેવી રીતે ઉપાડાયા?

નોર્થ સાયબર પોલીસે નાણાકીય લેવડદેવડની તપાસ હાથ ધરતા માલૂમ પડ્યું કે આ રકમ એક સોનાના વેપારી (જ્વેલર્સ) કંપનીના બેંક ખાતામાં પહોંચી હતી.

મ્યુલ એકાઉન્ટ્સ: તારિક મોમિન નામના આરોપી દ્વારા બોગસ (મ્યુલ) બેંક ખાતાઓનું સંચાલન કરવામાં આવતું હતું.
OTP હેન્ડલિંગ: કંપનીના ડાયરેક્ટર રાકેશ જૈનના નામના સિમ કાર્ડનો ઉપયોગ કરીને OTP મેળવવા માટે શંકર ત્યાગી (બેંક મેનેજર) અને જી ગોહેલ (IIT ગ્રેજ્યુએટ) મદદ કરતા હતા.
રોકડ ઉપાડ: આરોપી ચિંતન દેસાઈ સ્માર્ટ ડિવાઈસ લઈને ઉત્તર પ્રદેશના બિજનૌર ગયો હતો, જ્યાંથી આ રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાંથી રોકડ સ્વરૂપે ઉપાડી લેવામાં આવી હતી.

આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે પીડિત વેપારીની પુત્રીને આખી ઘટના પર શંકા ગઈ અને તેણે સાયબર પોલીસનો સંપર્ક કર્યો. નોર્થ સાયબર પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી મની ટ્રેલના આધારે તારિક મોમિન, રાકેશ જૈન, ચિંતન દેસાઈ, શંકર ત્યાગી, જી ગોહેલ અને અજય શર્માની અટકાયત કરી છે. હાલ આ કેસની આગળની તપાસ ડીસીપી બજરંગ બંસોડેના માર્ગદર્શન હેઠળ સીનિયર ઈન્સ્પેક્ટર પ્રમોદ કાંબળે અને ઈન્સ્પેક્ટર સુનીલ લોખંડે કરી રહ્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular