અમદાવાદ, 14 સપ્ટેમ્બર 2026: અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા માત્ર એક કલાકના ભારે વરસાદમાં આખું શહેર જળબંબાકાર થઈ ગયું છે. પૂર્વથી લઈને પશ્ચિમ વિસ્તાર સુધી સર્વત્ર પાણી ભરાઈ જવાના કારણે જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે. વસંત-ચોમાસાના આ તાંડવ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓની પોલ ખુલી ગઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વાસણા બેરેજના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં રબારી કોલોની, વસ્ત્રાલ, સીટીએમ, અમરાઈવાડી, ગોમતીપુર અને સુખરામનગરમાં મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અમરાઈવાડીમાં એપ્રિલપાર્ક મેટ્રો સ્ટેશન નજીક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહનચાલકો અટવાયા હતા. સુખરામનગરમાં સ્થિતિ વણસતા વિદ્યાથીઓની સુરક્ષા માટે કેટલીક શાળાઓએ વહેલી રજા આપી દીધી હતી. બીજી તરફ પશ્ચિમમાં એસ.જી. હાઈવે, બોડકદેવ, સેટેલાઈટ, ઈસ્કોન અને થલતેજમાં મેઘરાજાએ તોફાની ઇનિંગ્સ રમી છે. પાલડી સ્થિત શાંતિકૃપા રેસિડન્સીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત પરિમલ ગાર્ડન પાસે પણ રસ્તાઓ જળમગ્ન બનતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.
ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. માત્ર 30 મિનિટના વરસાદમાં આસપાસના વિસ્તારોનું પાણી મીઠાખળી અંડરપાસમાં ભરાઈ જતાં તેને વાહનવ્યવહાર માટે તાત્કાલિક બંધ કરવો પડ્યો હતો. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે પાણી ભરાતાં પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. એસ.જી. હાઈવે પર થલતેજથી પેલેડિયમ મોલ વચ્ચેનો સર્વિસ રોડ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. મોલ નજીક ચાલતા ખોદકામ અને રસ્તા પર ખડકાયેલા માટીના ઢગલા વરસાદી પાણીમાં ભળતાં કાદવ-કીચડનું સામ્રાજ્ય સ્થપાયું છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે અહીંથી પસાર થવું જોખમી બન્યું છે. કમરકાપ પાણી વચ્ચે પણ ટ્રાફિક પોલીસે સ્થળ પર રહીને વાહનવ્યવહાર પૂર્વવત રાખવાના પ્રયાસો કર્યા હતા. ખારીકટ કેનાલ હોવા છતાં પૂર્વના વિસ્તારોમાંથી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં સ્થાનિક રહીશોમાં સ્માર્ટ સિટીના તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.


