અમદાવાદ, 18 સપ્ટેમ્બર, 2026 – માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ તથા તેમનાં સેવા અને સમર્પણનાં 25 વર્ષના ઉપલક્ષમાં ગઈકાલે 17 સપ્ટેમ્બરને ગુરુવારે આંબેડકર ઓપન યુનિવર્સિટી પરિસરમાં ‘આશીર્વાદના દીવડા‘ કાર્યક્રમ યોજાયો. આ દિવસને ‘સેવા દિવસ’ તરીકે ઉજવીને યુનિવર્સિટીનાં કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાય, એસોસિયેશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીઝનાં સેક્રેટરી જનરલ ડૉ. પંકજ મિત્તલ, કા. કુલસચિવશ્રી, નિયામકશ્રીઓ, અધ્યાપકો તથા યુનિવર્સિટી પરિવારના સર્વ સભ્યો ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીશ્રીનાં રાષ્ટ્રનિર્માણનાં કાર્યો અને તેમના નેતૃત્વની સરાહના કરવામાં આવી. આ સાથે આશીર્વાદના દીવડા પ્રગટાવી તેમના તંદુરસ્ત અને સ્વસ્થ દીર્ઘાયુષ્યની સામૂહિક પ્રાર્થના કરવામાં આવી.

અધ્યક્ષીય ઉદ્બોધન આપતા પ્રો. અમી ઉપાધ્યાયે જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રીએ દેશને ‘વિકાસશીલ દેશ’ની ઓળખમાંથી બહાર લાવી 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવાનું સપનું આપ્યું છે. સ્વતંત્રતા સેનાનીઓએ આઝાદીની લડતને સહિયારી બનાવી હતી. આ જ દિશામાં પ્રધાનમંત્રીશ્રીએ 2047ના લક્ષ્યને પ્રત્યેક નાગરિકનું સહિયારું સપનું બનાવ્યું છે. મહિલાઓના સ્વાભિમાન અને સ્વાસ્થ્ય માટે શૌચાલય નિર્માણની પહેલ, મહિલાઓ માટે રાંધણ ગેસની સુવિધા, ટ્રિપલ તલાક જેવા કુરિવાજ અને કલમ 370ની નાબૂદી પ્રધાનમંત્રીશ્રીની અડગ અને અપૂર્વ નિર્ણયશક્તિનું સ્વરૂપ છે. રાષ્ટ્ર માટે તેમણે કરેલાં કાર્યો તેમની અખૂટ રાષ્ટ્રભક્તિનું જીવંત ઉદાહરણ છે.
ડૉ. પંકજ મિત્તલે મોદીજીની પ્રધાનમંત્રીને સ્થાને ‘પ્રધાન સેવક’ તરીકે કાર્ય કરવાની ભાવનાને બિરદાવી. તેમણે જણાવ્યું કે આજે વૈશ્વિક સ્તરે ભારતની ઓળખ અને સન્માનમાં નોંધપાત્ર વધારો થયો છે. વૈશ્વિક યુદ્ધો અને કટોકટીની વચ્ચે ભારતે 7.8% જેવો આર્થિક વિકાસ દર જાળવી રાખ્યો છે. 50 કરોડથી વધુ જનધન ખાતાં ખોલવાં અને સમગ્ર વિશ્વમાં ભારતની યુપીઆઈ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો ડંકો વાગવો એ પ્રધાનમંત્રીશ્રીની દૂરંદેશી કાર્યશૈલીનું પરિણામ છે.
ઉપસ્થિત સૌ સભ્યોએ પ્રધાનમંત્રીશ્રીના નિરામય અને દીર્ઘાયુ જીવન માટે સામૂહિક પ્રાર્થના કરી. ‘આશીર્વાદના દીવડા’ના પ્રકાશ થકી પ્રત્યેક સભ્યે રાષ્ટ્રના નવનિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવાનો દૃઢ સંકલ્પ કર્યો.
કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના એક્સટેન્શન સેલ દ્વારા કરવામાં આવ્યું. જેમાં આયોજક તરીકે ડૉ. કૃતિ છાયાએ અને સંચાલક તરીકે ડૉ. નીતુ કનારાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.


