Homerevoinewsસરકારી પ્રતીક અને નામ વગેરેનો ખાનગી સંસ્થાઓ દ્વારા કરાતા દુરુપયોગ સામે કાર્યવાહી...

સરકારી પ્રતીક અને નામ વગેરેનો ખાનગી સંસ્થાઓ દ્વારા કરાતા દુરુપયોગ સામે કાર્યવાહી કરાશે

  • બ્યુરો, કમિશન,મંત્રાલય, સેન્ટર, ઓલ ઈન્ડિયા, નેશનલ અને ભારતીય જેવા શબ્દોનો ખાનગી ઉપયોગ કરતા પૂર્વે લેખિત મંજૂરી લેવી ફરજિયાત

ગાંધીનગર, 16 સપ્ટેમ્બર, 2026: Action will be taken against misuse of government symbols and names વ્યાપારિક લાભ માટે સરકારી નામ, હોદ્દાઓ અને રાષ્ટ્રીય પ્રતીકોનો દુરુપયોગ કરીને સામાન્ય નાગરિકોને ભ્રમિત કરતી ખાનગી સંસ્થાઓ અને બિન-સરકારી સંગઠનો (NGOs) સામે કાર્યવાહી કરવા ગુજરાત સરકારે ઝુંબેશ શરૂ કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના તમામ વિભાગો, કચેરીઓ અને સક્ષમ નોંધણી અધિકારીઓને ‘પ્રતીકો અને નામો (અયોગ્ય ઉપયોગ નિવારણ) અધિનિયમ, ૧૯૫૦’નું કડક અમલીકરણ સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા રાજ્યોને પાઠવેલા પરિપત્રના અનુસંધાને આ કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્ર સરકારે આ પરિપત્રમાં જણાવ્યું હતું કે દેશભરમાં મોટા પ્રમાણમાં ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો અને વ્યાપારી પેઢીઓ એવાં નામો રાખી રહી છે જે સીધા સરકારી વિભાગો જેવા લાગતા હોય. ઘણા કિસ્સામાં ખાનગી સંસ્થાઓ પોતાના લેટરહેડ, વિઝિટિંગ કાર્ડ, ઓફિસના બોર્ડ અને વેબસાઈટ પર અશોક સ્તંભ, અશોક ચક્ર કે સરકારી સિક્કાઓની આબેહૂબ નકલ છાપે છે જેનાથી સામાન્ય નાગરિકો છેતરાય છે અને ખાનગી કામોને સરકારી સમજીને નાણાં કે અન્ય દસ્તાવેજો ગુમાવે છે.

આ સૂચનાઓ મુજબ હવે કોઈ પણ ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો અને વ્યાપારી પેઢીઓ કેન્દ્ર સરકારની અગાઉથી મેળવેલી લેખિત મંજૂરી વિના પોતાની સંસ્થાના નામમાં બ્યુરો, કમિશન, મંત્રાલય, સેન્ટર, ઓલ ઈન્ડિયા, નેશનલ અને ભારતીય જેવા શબ્દોનો ઉપયોગ કરી શકશે નહીં. જો કોઈ ખાનગી કંપની કે સંસ્થાએ આ શબ્દોનો ઉપયોગ કરવો હોય તો તેણે પોતાના નામની સાથે જ એવું સ્પષ્ટ કરવું પડશે કે આ એક “ખાનગી સાહસ” છે અને તેને સરકાર સાથે કોઈ લેવાદેવા કે સરકારી ઉદ્દેશ નથી.

‘પ્રતીકો અને નામો (અયોગ્ય ઉપયોગ નિવારણ) અધિનિયમ, ૧૯૫૦’ અંતર્ગત કંપનીઓ કે ટ્રેડમાર્ક નોંધણી કરતી તમામ કચેરીઓ જેમ કે રજિસ્ટ્રાર ઓફ સોસાયટીઝ, રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સ અને કો-ઓપરેટિવ ડિપાર્ટમેન્ટને કડક સૂચના અપાઈ છે કે અરજીના સ્ક્રીનિંગ અને રજીસ્ટ્રેશન તબક્કે જ આવા ભ્રામક નામો વાળી ફાઈલો ના-મંજૂર કરી દેવી. જો કોઈ નામ અંગે શંકા કે વિવાદ ઊભો થાય, તો તેમણે આ બાબત કેન્દ્ર સરકારને ધ્યાને મુકવાની રેહશે અને કેન્દ્ર સરકારનો નિર્ણય જ આખરી ગણાશે.

આ બાબત રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડાયેલી છે, તેથી કાયદાનો અનાદર કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular