નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર 2026: સ્માર્ટફોન અને ટેબ્લેટ પર કલાકો સુધી ચાલતું સ્ક્ર્રોલિંગ, શોર્ટ રીલ્સ અને ઓનલાઈન વિડીયો સ્ટ્રીમિંગે ભારતમાં ઈન્ટરનેટ વપરાશના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના તાજેતરના વર્તુળવાર ડેટા અનુસાર, દૈનિક ઈન્ટરનેટ ડેટા વપરાશના મામલે બિહાર સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવી ગયું છે. રસપ્રદ વાત એ છે કે બિહારમાં વસ્તીના પ્રમાણમાં ફોન કનેક્શન એટલે કે ટેલી-ડેન્સિટી દેશમાં સૌથી ઓછી છે, તેમ છતાં ત્યાં પ્રતિદિન ડેટાનો વપરાશ દેશમાં સૌથી વધુ નોંધાયો છે.
ટેલિકોમ ક્ષેત્રના આંકડા અનુસાર બિહારમાં દરરોજ આશરે 49.1 પીબી ડેટા વપરાય છે, જે અંદાજે 5,14,00,000 જીબી જેટલો થાય છે. દૈનિક ડેટા વપરાશની આ યાદીમાં 48.7 પીબી સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે અને 42.31 પીબી સાથે ઉત્તર પ્રદેશ (પૂર્વ) ત્રીજા ક્રમે છે. આ યાદીમાં ગુજરાત 42.2 પીબી સાથે ચોથા ક્રમે અને મધ્ય પ્રદેશ 41.3 પીબી સાથે પાંચમા ક્રમે આવે છે.
-
ઈન્ટરનેટ વપરાશકર્તાઓની પહેલી પસંદ યુટ્યુબ
દેશભરના ઈન્ટરનેટ વપરાશકર્તાઓની પહેલી પસંદ આજે પણ યુટ્યુબ બનેલું છે. કુલ ડેટા ખપતમાં યુટ્યુબનો હિસ્સો 24.3 ટકા છે, એટલે કે ઈન્ટરનેટ પર વપરાતા ડેટાનો ચોથો ભાગ ફક્ત વિડીયો જોવામાં જાય છે. આ યાદીમાં 21.7 ટકા હિસ્સા સાથે ઈન્સ્ટાગ્રામ બીજા ક્રમે અને 17.5 ટકા સાથે ફેસબુક ત્રીજા ક્રમે છે. ત્યારબાદ ગુગલ સર્ચ અને અન્ય ઓનલાઈન પ્રવૃત્તિઓનો હિસ્સો 5.2 ટકા તથા વોટ્સએપનો હિસ્સો 3.5 ટકા નોંધાયો છે. મુખ્યત્વે ઓટીટી પર હાઈ ડેફિનેશન વિડીયો સ્ટ્રીમિંગ, સોશિયલ મીડિયા પર સતત રીલ્સ જોવી અને બેકગ્રાઉન્ડમાં મોટી ફાઈલો કે એપ્સનું ઓટો-અપડેટ થવું એ ડેટા ઝડપથી પૂરો થવાના ત્રણ મુખ્ય કારણો છે.
એરિક્સનના જુન 2026 ના મોબિલિટી રિપોર્ટ અનુસાર, ભારતમાં પ્રતિ સ્માર્ટફોન યુઝર દર મહિને સરેરાશ 37 જીબી ડેટા વાપરે છે અને આગામી 5 વર્ષમાં આ આંકડો વધીને 70 જીબી સુધી પહોંચવાનો અંદાજ છે. સસ્તા 5જી સ્માર્ટફોન અને ફિક્સ્ડ વાયરલેસ એક્સેસની વધતી માંગને કારણે 2031 સુધીમાં દેશમાં 5જી સબસ્ક્રિપ્શન 1,10,00,00,00 (1.1 બિલિયન) ને વટાવી જશે, જે કુલ મોબાઈલ ગ્રાહકોના 81% હશે. વર્ષ 2025 ના અંત સુધીમાં 5જી સબસ્ક્રાઇબર્સ 43,00,00,00 હતા, જે કુલ મોબાઈલ ગ્રાહકોના 35 ટકા હતા. જ્યારે 4જી ગ્રાહકોની સંખ્યા 2025 ના 57,00,00,00 થી ઘટીને 2031 સુધીમાં 16,00,00,00 રહેવાની શક્યતા છે, કારણ કે લોકો ઝડપથી 5જી તરફ શિફ્ટ થઈ રહ્યા છે.
આ સિવાય જુલાઈ 2026 માં દેશમાં કુલ બ્રોડબેન્ડ ગ્રાહકોની સંખ્યા 1094.48 મિલિયન પર પહોંચી ગઈ છે, જેમાં 5જી ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ ગ્રાહકોની સંખ્યા જૂનના 12.94 મિલિયનથી વધીને જુલાઈમાં 13.21 મિલિયન થઈ છે. જુલાઈ મહિનામાં જ આશરે 15.98 મિલિયન ગ્રાહકોએ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી માટે અરજી કરી હતી, જે દર્શાવે છે કે યુઝર્સ વધુ સારા નેટવર્ક અને ડેટા સ્પીડ માટે સતત કંપનીઓ બદલી રહ્યા છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ભારતમાં ઈન્ટરનેટ હવે માત્ર સંપર્કનું સાધન નથી પરંતુ મનોરંજન અને સોશિયલ મીડિયા તેને સતત આગળ ધપાવી રહ્યા છે.


