વડોદરા, 10 સપ્ટેમ્બર, 2026 : Fraud of Rs 61.73 lakh in the name of investment in digital currency શહેરમાં વધુ નફાની લાલચ આપીને ડિજિટલ કરન્સીમાં રોકાણના નામે છેતરપિંડી કરતા બે શખસો સામે રૂપિયા 61.73 લાખનો ફ્રોડની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી દિલીપ ચૌધરી તથા લલીત પ્રજાપતિ નામના બે શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચી ભોગ લોકો પાસેથી કુલ રૂ.65.43 લાખ પડાવી લીધા બાદ માત્ર થોડી રકમ પરત આપી બાકીના રૂ. 61.73 લાખ પડાવી ઠગાઈ આચરી હતી.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના કહેવા મુજબ આરોપીઓએ ફરિયાદી સાથે ટેલિફોનિક સંપર્ક કરી તેમજ કપુરાઈ ચોકડી ખાતે રૂબરૂ મુલાકાત યોજી હતી. દરમિયાન આરોપીઓએ રોકાણ સંબંધી મોટી વાતો કરી ભોગ બનનારને જણાવ્યું હતું કે, પહેલાં સોના-ચાંદીના સિક્કા ચલણ તરીકે વપરાતા હતા, ત્યારબાદ કાગળની કરન્સી આવી અને હવે ડિજિટલ કરન્સીનો યુગ શરૂ થયો છે. કરન્સી ક્યારેય બંધ થતી નથી. અમે ભવિષ્યની આવી કરન્સીમાં રોકાણ કરીએ છીએ, જેમાં દસ ગણું વળતર મળે છે જેમાંથી અમે ત્રણ ગણું વળતર રોકાણકારોને આપીએ છીએ. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીને પોતાની આકર્ષક સ્કીમની જાળમાં ફસાવતાં જણાવ્યું હતું કે, જો તેઓ મેથી ડિસેમ્બર દરમિયાન રૂ. 65 લાખ રોકવાનો ટાર્ગેટ પૂરો કરશે તો બે વર્ષના અંતે રૂ.2 કરોડ મળશે. ફરિયાદીએ લોભામણી લાલચમાં આવી જઈ આરોપીઓના અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂપિયા 65.43 લાખ જમા કરાવ્યા હતા.
જોકે, સમયમર્યાદા પૂર્ણ થયા બાદ જ્યારે ફરિયાદીએ પોતાના મૂળ નાણાં તથા વળતરની માંગણી કરી ત્યારે આરોપીઓએ ગોળ-ગોળ વાતો કરી વધુ 10 ટકા રકમની માગ શરૂ કરી હતી. અંતે છેતરપીંડીનો ભોગ બનેલા ફરિયાદીએ આરોપી વિરુદ્ધ અરજી આપતાં આરોપીઓએ માત્ર રૂ. 3.70 લાખ પરત કર્યા હતા. જ્યારે બાકી રહેલી રૂ. 61.73 લાખ પરત આપવાને બદલે “જે થાય તે કરી લો” કહી હાથ ઊંચા કરી દીધા હતા. આ સમગ્ર મામલે ભોગ બનનારે છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે કાયદેસરની ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


