અમદાવાદઃ વિદેશમાં વસવાટ કરતા ગુજરાતી એનઆરઆઈ પરિવારના યુવાનનું નિધન થતા પરિવારજનો તેમના પાર્થિવદેહને ભારત લાવ્યાં હતા. એટલું જ નહીં હવાઈ માર્ગે પાર્થિવદેહને કેનેડાથી લઈને ગુજરાત લાવ્યા બાદ પરિવારજનો દ્વારા પોતાના સ્વેહીજનના પાર્થિવદેહનું દેહદાન કર્યું હતું. વિદેશી ધરતી પરથી પોતાના સ્વજનનો મૃતદેહ પરત ગુજરાત લાવીને દેહદાન કરવાની આ ઘટના રાજ્યના ઈતિહાસમાં આ પ્રથમવાર બની હોવાનું જાણવા મળે છે.
મૂળ આણંદ જીલ્લાના ઓડ ગામના વતની, હાલમાં મુંબઈ ખાતે રહેતા અને ઈસરોમાં ઈલેક્ટ્રીકલ સર્કિટ, ગોલ્ડ પ્લેટીંગ સપ્લાયનું કામ કરતા અને અંગદાનની જનજાગૃતિ માટે સમાજમાં કાર્ય કરતી સંસ્થા ડોનેટ લાઈફના ટ્રસ્ટી પ્રકાશભાઈ પટેલનો સુપુત્ર પ્રજેશ ઉ.વ ૩૯ તેના પરિવાર સાથે કેનેડામાં રહેતો હતો અને બેકરીની દુકાન ચલાવતો હતો. રવિવાર તા. ૨૧ એપ્રિલના રોજ પ્રજેશને ઝાડા ઉલટી થતા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. થોડા કલાકોની સારવાર પછી તેનું બ્લડ પ્રેસર ઘટી જતા તેમજ ઓક્સીજન લેવલ ઓછું થઈ જતા તેનું મૃત્યુ થયું હતું. જેની જાણ મુંબઈમાં રહેતા પ્રજેશના માતા-પિતા પ્રકાશભાઈ અને આરતીબેનને કરવામાં આવી હતી. આ દુ:ખની ઘડીમાં અંગદાનના ક્ષેત્રમાં કાર્ય કરતા ડોનેટ લાઈફના ટ્રસ્ટી પ્રકાશભાઈએ એક પળનો વિલંબ કર્યા વગર જણાવ્યું કે તેમના પુત્ર પ્રજેશની આંખોનું દાન કરાવીને બીજી વ્યક્તિને રોશની આપો, પરંતુ હોસ્પિટલમાં આંખનું દાન થઈ શકયુ ન હતું. સ્વ. પ્રજેશના પાર્થિવ દેહને એમ્બાલ્બીંગની રાસાયણિક પ્રક્રિયા કરીને મોર્ગમાં મુકવામાં આવ્યો હતો અને તેના પાર્થિવ દેહને ભારત લાવવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી હતી.
સોમવાર તા. ૨૯ એપ્રિલના રોજ સ્વ. પ્રજેશના પાર્થિવ દેહને એર ઈન્ડિયાના વિમાન મારફત ટોરેન્ટો થી દિલ્હી, દિલ્હી થી અમદાવાદ, અમદાવાદ થી એમ્બ્યુલન્સ મારફત ઓડ ગામ લાવવામાં આવ્યો ત્યારે વાતાવરણ ખુબ જ ગમગીન બની ગયું હતું અને હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. સ્વ. પ્રજેશના પાર્થિવ દેહને સમયસર દિલ્હી થી અમદાવાદ એર ઈન્ડિયાના વિમાન મારફત સમયસર પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતીરાજ સિંધિયા અને આણંદના સાંસદ મીતેશભાઇ પટેલ (બકાભાઈ) નો સહકાર સાંપડ્યો હતો. આ દુ:ખ ની ઘડીમાં સ્વ. પ્રજેશની ધર્મપત્ની સેજલ, પિતા પ્રકાશભાઈ, માતા આરતીબેન, સસરા હરીશભાઈ,સાસુ કોકીલાબેન, તેમજ પ્રકાશભાઈ પટેલના પરિવારજનોએ નિર્ણય કર્યો કે સ્વ. પ્રજેશનો અંતિમ સંસ્કાર કરવાને બદલે મેડીકલના વિદ્યાર્થીઓને શરીરની એનેટોમી શીખવા માટે સ્વ. પ્રજેશના દેહનું દાન કરવું જોઈએ.
સ્વ. પ્રજેશના પાર્થિવ દેહનું દાન કરવાનો નિર્ણય થતા જી.જે.પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સ્ટડીઝ એન્ડ રિસર્ચ, સીવીએમ યુનિવર્સિટી ન્યુ વલ્લભ વિદ્યાનગર ના ડીન ડૉ.સી. એસ. બાબરિયા નો સંપર્ક કરવામાં આવ્યો અને તેઓએ સ્વ. પ્રજેશના દેહનું દાન સ્વીકાર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વિદેશમાં વસવાટ કરતા ભારતીય નાગરિક વિદેશમાં મૃત્યુ પામ્યા હોય અને દેશમાં તેનો પાર્થિવ દેહ લાવીને તેમનું દેહદાન કર્યું હોઈ તેવી દેશની આ સૌ પ્રથમ ઘટના છે. તદ્દઉપરાંત ચરોતર પંથકમાં પણ સૌથી નાની ઉંમરના યુવાનના દેહદાનની સૌ પ્રથમ ઘટના છે. સ્વ. પ્રજેશ આણંદમાં ડોનેટ લાઈફ સંસ્થા સાથે જોડાઈને હંમેશા અંગદાનની જન જાગૃતિ માટે કાર્ય કરતો હતો. સ્વ. પ્રજેશ તેના મૃત્યું પછી, તેના દેહદાન થકી મેડીકલના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મદદરૂપ બનશે.
સ્વ. પ્રજેશના પરિવારમાં તેની ધર્મપત્ની સેજલ ઉ.વ ૩૬, જે કેનેડામાં વસવાટ કરે છે અને શિક્ષિકા છે, પુત્ર વિહાન ઉ.વ. ૧૩ જે ધોરણ ૮ માં, પુત્રી મિહીકા ઉ.વ. ૮ જે ધોરણ ૩માં કેનેડામાં અભ્યાસ કરે છે, પિતા પ્રકાશભાઈ ઉ.વ. ૬૯ મુંબઈમાં રહે છે અને ઈસરોમાં ઈલેક્ટ્રીકલ સર્કિટ, ગોલ્ડ પ્લેટીંગ સપ્લાયનું કામ કરે છે, માતા આરતીબેન ઉ.વ. ૬૪ ગૃહિણી છે, બે બહેનો પૂજા અને ચાંદની પરણિત છે અને અમેરિકામાં તેઓના પરિવાર સાથે રહે છે.
આ દેહદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક નીલેશ માંડલેવાલા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી જેમાં સ્વ. પ્રજેશની પત્ની સેજલ, પિતા પ્રકાશભાઈ, માતા આરતીબેન તથા સમગ્ર સુર્યજર્દા પરિવાર, સસરા હરીશભાઈ, સાસુ કોકીલાબેન, બહેનો પૂજા અને ચાંદની, CVM એજ્યુકેટીવ બોર્ડના મેમ્બર શ્રી પ્રદીપભાઈ પટેલ, કિરણભાઈ પટેલ (કોમ્ફી), રેડક્રોસ આણંદના શ્રી શૈલેશભાઈ પટેલ, CVM યુનિવર્સીટીના ચેરમેન શ્રી ભીખુભાઈ પટેલ, વાઈસચેરમેન મનીષભાઈ પટેલનો સહકાર સાંપડ્યો હતો.