Site icon Revoi.in

હવા સાથે વાત કરતી નવી વંદે ભારત ટ્રેન હવે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે

Social Share

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેએ એક નવી સફળતા મેળવી છે. ભારતીય રેલ્વેની વંદે ભારત ટ્રેને ટ્રાયલ રન દરમિયાન 180 kmphની સ્પીડ લિમિટ તોડી હતી. રેલવે માટે આ એક નવી સફળતા છે. વીડિયો શેર કરતાં અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર લખ્યું, “આત્મનિર્ભર ભારતની ગતિ…”. નવી ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડાવવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર શતાબ્દીના વિકલ્પ તરીકે વંદે ભારત ટ્રેન લાવવામાં આવશે. આ ટ્રેનની સ્પીડ 200 કિમી પ્રતિ કલાક છે. જો કે, આ માટે અત્યંત અનુકૂળ ટ્રેક અને ગ્રીન સિગ્નલની જરૂર છે. નવી વંદે ભારત ટ્રેનમાં 16 કોચવાળી શતાબ્દી એક્સપ્રેસ જેટલી જ પેસેન્જર વહન ક્ષમતા હશે. તેના બંને છેડે ડ્રાઇવર કેબિન છે. વંદે ભારત એક્સપ્રેસ સંપૂર્ણ વાતાનુકૂલિત ટ્રેન છે. રેલવે આ ટ્રેન દ્વારા મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત મુસાફરી આપવાનો દાવો કરે છે.

આ ટ્રેનના બીજા તબક્કાની ટ્રાયલ રન કોટા-નાગદા સેક્શન પર શરૂ થઈ છે. રેલવેના જણાવ્યા અનુસાર ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ રેલવે સેફ્ટી કમિશનરને મોકલવામાં આવશે. સુરક્ષા કમિશનર તરફથી લીલી ઝંડી મળ્યા બાદ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અન્ય નવા રૂટ પર દોડવાનું શરૂ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, નવી ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડાવામાં આવશે. મુસાફરીને વધુ સુરક્ષિત અને આરામદાયક બનાવવા માટે નવી ટ્રેનોમાં ઓટોમેટિક ફાયર સેન્સર, સીસીટીવી કેમેરા અને જીપીએસ સિસ્ટમ ફીટ કરવામાં આવશે.આ ટ્રેનોની મહત્તમ સ્પીડ 180 કિમી પ્રતિ કલાકની છે. ICF એ ઓગસ્ટ 2023 સુધીમાં 75 વંદે ભારત ટ્રેનો બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

નવી ટ્રેનોમાં મુસાફરી વધુ આરામદાયક રહેશે. કોચ સ્ટેનલેસ સ્ટીલના બનેલા છે. ઘટેલા વજનને કારણે, મુસાફરો વધુ ઝડપે પણ વધુ આરામદાયક અનુભવશે. આ ઉપરાંત, આ નવી ટ્રેનમાં પાયલોટ દ્વારા સંચાલિત ઓટોમેટિક ગેટ છે. તેની બારીઓ પહોળી છે. વસ્તુઓ સ્ટોર કરવા માટે વધુ જગ્યા પણ છે. આમાંની મોટાભાગની ટ્રેન ‘મેડ ઈન ઈન્ડિયા’ છે. મુસાફરોની સલામતી માટે તમામ નવી ટ્રેનોમાં ‘કવચ’ ટેક્નોલોજી લગાવવામાં આવી રહી છે જેથી તે જ ટ્રેક પર બીજી ટ્રેન આવે તો ઓટોમેટિક બ્રેક લગાવી શકાય. તમને જણાવી દઈએ કે વંદે ભારત ટ્રેન હાલમાં દેશમાં બે રૂટ પર દોડી રહી છે.