Site icon Revoi.in

અમેરિકા: પાલક પનીરની -ગંધ- અને ભારતીય દંપતીની વંશીય ભેદભાવ સામેની લડતઃ જાણો રસપ્રદ કિસ્સો

The 'smell' of palak paneer

The 'smell' of palak paneer

Social Share

કોલોરાડો, અમેરિકા, 14 જાન્યુઆરી, 2026: an Indian couple’s fight against racial discrimination વિદેશી તો બધા સમાવેશી છે અને ભેદભાવ માત્ર ભારતમાં થાય છે એવી વાતો કરનારાઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો બન્યો છે. ભારતીય કપલે પાલક-પનીરના મુદ્દે લાંબી કાનૂની લડાઈ લડવી પડી. છેવટે તેમની જીત થઈ, પરંતુ તેઓ હવે અમેરિકા છોડીને ભારત આવી ગયા છે.

શું છે આખી ઘટના?

5 સપ્ટેમ્બર, 2022ના રોજ યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડરના એન્થ્રોપોલોજી વિભાગમાં પીએચડી (PhD) વિદ્યાર્થી તરીકે જોડાયાના લગભગ એક વર્ષ પછી આદિત્ય પ્રકાશ વિભાગના માઇક્રોવેવમાં તેમનું લંચ — પાલક પનીર — ગરમ કરી રહ્યા હતા. તેમને અંદાજ પણ નહોતો કે આ સામાન્ય પ્રક્રિયા એક એવી ઘટનામાં ફેરવાઈ જશે જેને તેઓ ‘વંશીય ભેદભાવ’ (Racist) ગણાવશે.

તે દિવસે યુનિવર્સિટીના એક સ્ટાફ મેમ્બરે 34 વર્ષીય આદિત્ય પાસે આવીને ખોરાકની “ગંધ” સામે વાંધો ઉઠાવ્યો અને તેમને તેમનું ભોજન ગરમ કરવા માટે માઇક્રોવેવનો ઉપયોગ ન કરવા સૂચના આપી. અહેવાલ અનુસાર સ્ટાફ મેમ્બરે આ ગંધને ખૂબ જ તીવ્ર (Pungent) ગણાવી હતી. પ્રકાશના જણાવ્યા અનુસાર તેમણે શાંત રહીને જવાબ આપ્યો હતો કે, “આ માત્ર ખોરાક છે, હું ગરમ કરીને નીકળી રહ્યો છું.” પરંતુ મામલો અહીં અટક્યો નહીં.

યુનિવર્સિટી દ્વારા હેરાનગતિના આક્ષેપો:

આદિત્ય પ્રકાશનો આરોપ છે કે આ ઘટના પછી તેમને વારંવાર વરિષ્ઠ ફેકલ્ટી સાથેની બેઠકોમાં બોલાવવામાં આવ્યા, તેમના પર “સ્ટાફને અસુરક્ષિત અનુભવ કરાવવાનો” આરોપ લગાવાયો અને તેમની સામે ‘ઓફિસ ઓફ સ્ટુડન્ટ કન્ડક્ટ’ માં ફરિયાદ કરવામાં આવી. તેમની પાર્ટનર ઊર્મિ ભટ્ટાચાર્ય, જે પણ પીએચડી વિદ્યાર્થીની છે, તેણે આરોપ લગાવ્યો કે કોઈ પણ પૂર્વ સૂચના વિના તેને ટીચિંગ આસિસ્ટન્ટના પદ પરથી હટાવી દેવામાં આવી હતી. એટલું જ નહીં, જ્યારે તેઓ અન્ય વિદ્યાર્થીઓ સાથે ભારતીય ભોજન લાવ્યા ત્યારે તેમના પર “રમખાણો ભડકાવવાનો” (Inciting a riot) વિચિત્ર આરોપ પણ લગાવાયો હતો.

કાયદાકીય લડતમાં જીત અને $200,000નું સેટલમેન્ટ:

જ્યારે યુનિવર્સિટીએ તેમને પીએચડી દરમિયાન મળતી માસ્ટર્સ ડિગ્રી આપવાનો ઇનકાર કર્યો, ત્યારે દંપતીએ કાયદાકીય માર્ગ અપનાવ્યો. સપ્ટેમ્બર 2025માં સિવિલ રાઈટ્સના મુકદ્દમા બાદ યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડર અને દંપતી વચ્ચે સમાધાન (Settlement) થયું. જે અનુસાર યુનિવર્સિટી દંપતીને $200,000 (આશરે ₹1.67 કરોડ) ચૂકવવા સંમત થઈ. બંનેને તેમની માસ્ટર્સ ડિગ્રી (Master’s Degree) એનાયત કરવામાં આવી. જોકે, આ સાથે આઘાતજનક શરત મુજબ તેઓ ભવિષ્યમાં આ યુનિવર્સિટીમાં ક્યારેય પ્રવેશ કે નોકરી મેળવી શકશે નહીં એવું પણ ઠરાવી દેવામાં આવ્યું.

આ મુકદ્દમામાં વિભાગની કિચન પોલિસી તરફ પણ આંગળી ચીંધવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે આવી નીતિઓ દક્ષિણ એશિયાઈ જેવા વંશીય જૂથો પર ભેદભાવપૂર્ણ અસર કરે છે, જેના કારણે ઘણા ભારતીયો સાર્વજનિક જગ્યાઓમાં લંચબોક્સ ખોલતા અચકાય છે.

છેલ્લા અહેવાલ મુજબ, આ મહિનાની શરૂઆતમાં આ દંપતી કાયમ માટે ભારત પરત ફરી ગયું છે. યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ તમામ માટે સમાવેશી વાતાવરણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ આ કેસમાં કોઈ પણ જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચોઃ H-1B વિઝા: પ્રતિબંધોને કારણે માઈક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોન ભારતમાં જ ભરતી કરશે

Exit mobile version