Site icon Revoi.in

અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઈનલનો રોમાંચ: ભારત-ન્યૂઝીલેન્ડ જંગ માટે સ્ટેડિયમ અભેદ્ય કિલ્લામાં ફેરવાયું

Social Share

અમદાવાદ, 7 માર્ચ 2026: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપની હાઈવોલ્ટેજ ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. 1લાખથી વધુ પ્રેક્ષકો અને અનેક વીવીઆઈપી મહેમાનોની હાજરીને ધ્યાને રાખીને અમદાવાદ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારોને સુરક્ષાના હેતુથી અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યા છે.

મેચ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. સુરક્ષા વ્યવસ્થામાં 1 જેસીપી, 7 ડીસીપી, 10 એસીપી સહિત 25 પીઆઈ, 78 પીએસઆઈ અને 1470 પોલીસ જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત સ્ટેડિયમમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની 4 ટીમો અને એનડીઆરએફની 1 ટીમ સતત પેટ્રોલિંગ કરશે. સ્ટેડિયમની અંદર અને બહારની દરેક હિલચાલ પર નજર રાખવા માટે સ્પેશિયલ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, જ્યાં ૨૭૦ હાઈ-ડેફિનેશન કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે.

મેચ જોવા આવનારા હજારો વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે 744 અધિકારીઓ અને કર્મચારીઓ રસ્તા પર રહેશે. ટ્રાફિક નિયમન માટે 1જેસીપી, 3 ડીસીપી અને 4 એસીપી સહિતની ટીમ કાર્યરત રહેશે. ‘નો પાર્કિંગ’ ઝોનમાં પાર્ક કરેલા વાહનોને તાત્કાલિક હટાવવા માટે 16 ટ્રાફિક ક્રેન સતત કાર્યરત રહેશે. ગેટ નંબર 1 પાસે ભીડ ન થાય તે માટે 100 મીટર પહેલા જ બેરિકેટીંગ કરી દેવામાં આવ્યું છે.

આવતીકાલે સવારે 10 વાગ્યાથી મોડી રાત્રે 2 વાગ્યા સુધી જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સીથી મોટેરા ગામ સુધીનો રસ્તો વાહનો માટે બંધ રહેશે. વાહનચાલકો તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તા, વિસત ટી, જનપથ ટી થઈ પાવર હાઉસથી પ્રબોધ રાવળ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત કૃપા રેસિડેન્સી ટી થી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ-કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે. દરમિયાન અમદાવાદ પોલીસે ક્રિકેટ ચાહકોને અપીલ કરી છે કે તેઓ બને ત્યાં સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોલીસને સહકાર આપે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં મનપાની બે કર્મચારી યુવતીઓનો કેનાલમાં કૂદીને આપઘાત કર્યો: સુઘડ પાસેથી મૃતદેહો મળ્યા

Exit mobile version