- ટીએમસી સાંસદે માત્ર ગુજરાતી સ્વતંત્રતા સેનાનીઓનું જ નહીં પરંતુ સમગ્ર દેશના સ્વાતંત્ર્ય વીરોનું અપમાન કર્યું છેઃ ગૌતમભાઈ ગેડીયા
ગાંધીનગર, 30 માર્ચ, 2026 – ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં એકપણ ગુજરાતીનો ફાળો નહોતો પરંતુ મોટી સંખ્યામાં બંગાળીઓએ જ સંગ્રામમાં ભાગ લીધો હતો તેવા ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાના વિવાદિત નિવેદન સામે ભારતીય જનતા પાર્ટીએ સખત વાંધો ઉઠાવ્યો છે. ગુજરાત ભાજપે આજે આ અંગે એક પત્રકાર પરિષદ યોજીને મહુઆ મોઈત્રાને આંકડાકીય વિગતો સાથે સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતના પ્રદાનનો જવાબ આપ્યો હતો.
ગુજરાત ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયાએ આજે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના દેશના સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતીઓનું યોગદાન નથી તે નિવેદનની આકરા શબ્દોમાં ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે, મહુઆ મોઇત્રાએ આપેલું બેબુનિયાદ, તથ્યહિન નિવેદન જરા પણ સ્વીકાર્ય નથી.
જુઓ મહુઆ મોઈત્રાના એ વિવાદિત નિવેદનનો વીડિયો…
#WATCH | Kolkata | TMC MP Mahua Moitra says, “Bengalis are a very proud race. We led the war for independence against the British. Who were the Gujaratis?… 68% of the names of the people who were killed and incarcerated in Kala Pani were Bengalis, followed by Punjabis. Can you… pic.twitter.com/w61O2KpSQX
— ANI (@ANI) March 28, 2026
આ પણ વાંચોઃ વસ્તી ગણતરી-2027નો તખ્તો તૈયાર, જાણો અહીં તમામ વિગતો
આઝાદીનું આંદોલન કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધી પ્રત્યેક ભાષા અને પ્રાંતના લોકોના સહયોગથી લડાયું હતું, જેમાં 6 લાખથી વધુ વીરોએ પ્રાણની આહુતિ આપી છે. મહુઆ મોઇત્રાનું આ નિવેદન માત્ર ગુજરાતીઓનું જ નહીં, પરંતુ તે તમામ હુતાત્માઓ અને સ્વતંત્રતા સેનાનીઓનું ઘોર અપમાન છે, જે તેમની બૌદ્ધિક નાદારીનું પ્રદર્શન કરે છે.
ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષે ઉમેર્યું કે, કોંગ્રેસ અને યુપીએ ગઠબંધનની માનસિકતા હંમેશા ગુજરાત વિરોધી રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહ દ્વારા અંગ્રેજોના દાંત ખાટા કર્યા હતા અને આઝાદી બાદ 562 રજવાડાઓને એકત્ર કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું, પરંતુ ઈતિહાસમાં આવા અનેક પરાક્રમોને દબાવવાનો પ્રયાસ થયો છે. ગુજરાતની ધરા પર માનગઢ હિલ ખાતે ગુરુ ગોવિંદના નેતૃત્વમાં 1500થી વધુ આદિવાસી ભાઈ-બહેનોએ આપેલી શહીદી એ ગુજરાતના બલિદાનનો જીવંત પુરાવો છે.
આ પણ વાંચોઃ ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ફસાયેલા 8 ભારતીયોની વતન વાપસી, જણાવી આપવીતિ
વીર સાવરકર અને ગુજરાતના ક્રાંતિવીરો વિશે વાત કરતા ગૌતમભાઈ ગેડીયાએ કહ્યું કે, સાવરકરજીનું અપમાન એ સમગ્ર રાષ્ટ્રનું અપમાન છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સંયુક્ત વિરાસત તથા સરદાર પટેલ, મહાત્મા ગાંધી, ઈન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ અને વિદેશની ધરતી પર તિરંગો લહેરાવનાર મેડમ કામા જેવા અનેક લડવૈયાઓના યોગદાનને નકારી શકાય તેમ નથી.
અંતમાં તેમણે આકરા પ્રહાર કરતા સવાલ કર્યો હતો કે, શું મહુઆ મોઇત્રાએ આ પ્રાંતવાદનું ઝેર ઓકવાનું નિવેદન પણ કોઈની પાસેથી રૂપિયા લઈને કર્યું છે? કારણ કે ભૂતકાળમાં સંસદમાં સવાલ પૂછવા માટે રૂપિયા લેવાનો તેમનો કાળો ઇતિહાસ રહ્યો છે. ભાજપના નેતાએ યુપીએ ગઠબંધન અને કોંગ્રેસને પણ સ્પષ્ટતા કરવા પડકાર ફેંક્યો હતો કે તેઓ આ નિવેદન સાથે સહમત છે કે કેમ? ચૂંટણી સમયે પ્રાંતવાદ અને ભાષાવાદના નામે દેશની એકતા અને અખંડિતતા પર પ્રહાર કરવાની આ માનસિકતાનો જનતા ચોક્કસપણે જડબાતોડ જવાબ આપશે.

