Site icon Revoi.in

ઉનાળામાં શરીરને અંદરથી ઠંડક આપશે આ અનાજ અને દાળ

Social Share

ઉનાળાની ઋતુમાં વધતા તાપમાનની સાથે શરીરનું તાપમાન જાળવી રાખવું અત્યંત જરૂરી છે. ગરમીના દિવસોમાં આપણે મોટે ભાગે ઠંડા પીણાં અને ફળો પર ધ્યાન આપીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આપણા રસોડામાં એવા અનાજ અને દાળ પણ ઉપલબ્ધ છે જેની તાસીર ઠંડી હોય છે? આ ખોરાક લેવાથી શરીર પર શીતળ પ્રભાવ પડે છે અને પાચનતંત્ર પણ મજબૂત બને છે. ચાલો જાણીએ ઉનાળા માટેના બેસ્ટ ‘સુપરફૂડ્સ’.

ભારતીય થાળીનો મુખ્ય હિસ્સો ગણાતા ઘઉંની તાસીર ઠંડી હોય છે. ઉનાળામાં ઘઉંની રોટલી સિવાય તમે ફાડા ઘઉં (દલિયા) નો ઉપયોગ કરી શકો છો. બાફેલા ઘઉંની ચાટ અથવા ઘઉંના લોટનો શીરો પણ સ્વાદિષ્ટ હોવાની સાથે શરીરને ઠંડક આપે છે.

જવ એ ઉનાળા માટે આશીર્વાદ સમાન અનાજ છે. તે પોષક તત્વોથી ભરપૂર અને ઠંડી તાસીર ધરાવે છે. જવના લોટની રોટલી બનાવી શકાય છે. જવના સત્તુનું શરબત ઉનાળામાં ઉત્તમ એનર્જી ડ્રિંક સાબિત થાય છે. જવને પલાળીને તેનું પાણી પીવાથી યુરિન ઈન્ફેક્શનમાં રાહત મળે છે અને શરીર ઠંડું રહે છે. જવની રાબડી કે ખીચડી પણ બનાવી શકાય છે.

ગરમીમાં મગની દાળ બેસ્ટ ઓપ્શન છે. તે પચવામાં ખૂબ જ હળવી હોય છે. મગના ફણગાવેલા સ્પ્રાઉટ્સ સવારના નાસ્તા માટે પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. મગની દાળ પકાવીને ખાવાથી પાચનતંત્ર પર બોજ પડતો નથી અને ગરમીમાં રાહત મળે છે.

અડદની તાસીર પણ ઠંડી માનવામાં આવે છે. ઉનાળામાં અડદની દાળનો ઉપયોગ ઢોસા અને સંભારમાં પણ કરી શકાય છે. ખાસ કરીને ઉનાળાની બપોરે અડદની દાળમાંથી બનતા ‘દહીંવડા’ શરીરને ખૂબ જ શાંતિ આપે છે. જોકે, અડદનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ, કારણ કે વધુ પડતા સેવનથી ગેસ કે એસિડિટી થઈ શકે છે.

ગુજરાતીઓની ફેવરિટ તુવેરની દાળ ઉનાળાના લંચ માટે બેસ્ટ છે. ચોખા અને તુવેરની દાળનું કોમ્બિનેશન ‘કમ્ફર્ટ ફૂડ’ ગણાય છે. દાળ-ભાત સાથે કાકડી, ડુંગળી, લીલા મરચાં અને ધાણા-ફુદીનાની ચટણી હોય તો ઉનાળાનો ખોરાક અમૃત સમાન બની જાય છે. તે પચવામાં સરળ છે અને શરીરને જરૂરી પોષણ પણ આપે છે.

આ ઉનાળામાં તમારા ડાયટમાં આ ઠંડી તાસીરવાળા ખોરાકનો સમાવેશ કરો અને ગરમી સામે રક્ષણ મેળવો.

Exit mobile version