દાવોસ, 22 જાન્યુઆરી 2026: સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં આયોજિત ‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ‘ (WEF) દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સંકેત આપ્યા છે કે બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં એક ‘શાનદાર’ વેપાર સમજૂતી થઈ શકે છે.
- PM મોદી મારા ‘ખાસ મિત્ર’
વિશ્વ મંચ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુક્તકંઠે વખાણ કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, “પીએમ મોદી એક ખૂબ જ સારા વ્યક્તિ છે અને તેઓ મારા અંગત મિત્ર છે. મારા મનમાં તેમના પ્રત્યે ઘણું સન્માન છે.” ટ્રમ્પના આ નિવેદનથી ફરી એકવાર બંને નેતાઓ વચ્ચેની ગાઢ મિત્રતા અને ભારત-અમેરિકાના મજબૂત થતા સંબંધોની ઝલક જોવા મળી છે.
- ઐતિહાસિક વેપાર સમજૂતીની આશા
ભારત સાથેના વ્યાપારિક સંબંધો પર ભાર મૂકતા ટ્રમ્પે ભરોસો વ્યક્ત કર્યો હતો કે બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં જ એક મોટી અને ફાયદાકારક સમજૂતી થશે. તેમણે કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચે વેપાર ક્ષેત્રે ‘શાનદાર’ કામગીરી થઈ રહી છે અને આગામી સમયમાં તેના પરિણામો જોવા મળશે.
આ પણ વાંચોઃ મહિલાઓ માટે સુરક્ષિત ટોપ ટેન શહેરમાં ગુજરાતના આ શહેરનો પણ સમાવેશ

