Site icon Revoi.in

ગત મે મહિનામાં વાહનોના વેચાણમાં ઘરખમ ઘટાડો થયોઃ ઓટો સેક્ટરને કોરોનાએ બ્રેક મારી

Social Share

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનાને કારણે ઓટો સેક્ટરને પણ સારૂએવું નુકશાન પહોંચાડ્યું છે.દેશભરમાં વિવિધ સ્થળોએ કોરોના પ્રેરિત લૉકડાઉનને કારણે વાહનોનાં વેચાણને ભારે ફટકો પડયો છે. મારુતિ સુઝુકી, મહિન્દ્રા અને તાતા મોટર્સ સહિતની અગ્રણી કંપનીઓએ મે મહિનામાં વાહનોનું વેચાણ ઘટયું હોવાનું જાહેર કર્યું છે.

દેશની સૌથી મોટી ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી મે મહિનામાં 46,555 કાર વેચી શકી હતી, જે એપ્રિલ (159,691)ની સરખામણીમાં 71 ટકાનો ઘટાડો દર્શાવે છે. મારુતિનો પ્લાન્ટ 1 મેથી 16 મે સુધી બંધ રાખવામાં આવ્યો હતો જેથી ઔદ્યોગિક ઉપયોગ માટેના ઓક્સિજનના પુરવઠાને તબીબી ઉપયોગ તરફ વાળી શકાય. મે મહિનામાં મારુતિની નિકાસ 35 ટકા ઘટીને 11,262 કાર થઈ હતી.

તાતા મોટર્સનું સ્થાનિક વેચાણ 38 ટકા ઘટીને 24,552 વાહનોનું થયું હતું. એપ્રિલમાં તેણે 39,530 વાહનો વેચ્યાં હતાં. પેસેન્જર વાહનોનાં વેચાણમાં 40 ટકાનો અને વ્યાપારી વાહનોના વેચાણમાં 35 ટકાનો ઘટાડો થયો હતો. દરમિયાન બજાજ ઓટોનું વેચાણ વર્ષાનુવર્ષ 114 ટકા વધીને 271,862 વાહન થયું હતું. મે 2020માં તેનું વેચાણ 127,128 વાહનોનું હતું. સ્થાનિક વેચાણ મે 2020ના 40,074 વાહનથી બાવન ટકા વધીને 60,830 થયું હતું, જ્યારે નિકાસ મે 2020ના 87,054 વાહનથી 114 ટકા ઉછળીને 2,11,032 વાહન થઈ હતી. બજાજ અૉટોના ટુ-વ્હીલરનું વેચાણ 112,798થી 113 ટકા વધીને 240,554 થયું હતું. ટોયોટા કિર્લોસ્કરે મે મહિનામાં 707 વાહનો વેચ્યાં હતાં.

ગયા વર્ષના મે મહિનામાં તેનું વેચાણ 1639 વાહનોનું અને આ વર્ષના એપ્રિલમાં 9622 વાહનોનું હતું. ટોયોટાનો બિડાડી (કર્ણાટક) પ્લાન્ટ 26 એપ્રિલથી 14 મે સુધી મેઇન્ટેનન્સ માટે બંધ રહ્યો હતો. મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રાનું વેચાણ મે મહિનામાં એપ્રિલની તુલનામાં બાવન ટકા ઘટીને 17,447 વાહન થયું હતું. માર્ચ મહિનામાં તેણે ડીલરોને 36,347 વાહનો રવાના કર્યાં હતાં. મહિન્દ્રાનું પેસેન્જર વાહનોનું વેચાણ એપ્રિલ 2021ના 18,285 વાહનથી 56 ટકા ઘટીને 8004 વાહનોનું થયું હતું, જ્યારે વ્યાપારી વાહનોનું વેચાણ 16,143થી 53 ટકા ઘટીને 7508 વાહનો થયું હતું. એમજી મોટર ઇન્ડિયા મે મહિનામાં 1016 વાહન વેચી શકી હતી.

મે મહિનામાં મોટા ભાગની બજારોમાં કડક લૉકડાઉન હોવાથી છૂટક વેચાણને ભારે અસર થઈ હતી એમ કંપનીએ જણાવ્યું હતું. ગયા વર્ષના મે મહિનામાં તેનું વેચાણ 710 વાહનોનું હતું. હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાનું વેચાણ એપ્રિલ 2021ના 59,203 વાહનોથી 48 ટકા ઘટીને મે મહિનામાં 30,703 વાહન થયું હતું. તેનું સ્થાનિક વેચાણ 49,002 વાહનથી ઘટીને 25001 વાહન થયું હતું, જ્યારે નિકાસ 10,201 વાહનથી 44 ટકાના ઘટાડે 5702 વાહન થઈ હતી.