Site icon Revoi.in

આતંકવાદના આકાઓને સિંધુ નદીનું પાણી નહીં મળવા દઈએ: રાજનાથ સિંહ

Social Share

હૈદરાબાદ, 13 જૂન 2026: ભારતે આતંકવાદને આશ્રય આપતા પાકિસ્તાનને સિંધુ નદીના પાણીના મુદ્દે ફરી એકવાર સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આતંકવાદને પાકિસ્તાનના સમર્થનની આકરી નિંદા કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) સરકાર આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓ સુધી સિંધુ નદીનું પાણી કદાપિ પહોંચવા નહીં દે. તેલંગાણામાં ભાજપ દ્વારા આયોજિત ‘ઇન્ટેલેક્ચ્યુઅલ મીટ’ (બુદ્ધિજીવી સંમેલન)ને સંબોધિત કરતા સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાન અને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.

રાજનાથ સિંહે જણાવ્યું કે, “ઓપરેશન સિંદૂર દ્વારા સરકારે સમગ્ર વિશ્વને બતાવી દીધું છે કે જેઓ શાંતિ અને સદભાવની ભાષા નથી સમજતા, તેમને તેમની જ ભાષામાં કેવી રીતે જવાબ આપી શકાય.” તેમણે ભારપૂર્વક કહ્યું કે, જો ભારત સામે આતંકવાદી હુમલા થશે, તો સરકાર પાકિસ્તાનને અનાજ અને પાણીનો પુરવઠો રોકી દેશે તેવી ચેતવણી પહેલા જ આપવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિનો ઉલ્લેખ કરતા અમે સ્પષ્ટ કહી દીધું હતું કે, જેમના કારણે નિર્દોષોની આંખોમાં આંસુ આવ્યા છે, તેઓ અમારી પાસેથી પાણીની અપેક્ષા ન રાખે. અમે સિંધુનું પાણી આતંકવાદીઓના આકાઓ અને માનવતાના દુશ્મનો સુધી પહોંચવા દઈશું નહીં.”

સંરક્ષણ મંત્રીએ ઉમેર્યું કે ભારત આજે વૈશ્વિક સ્તરે એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે અને આપત્તિના સમયમાં હંમેશા અન્ય દેશોની મદદ કરી છે. કોવિડ-19 મહામારી દરમિયાન ભારતે કરેલી મદદનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આજે દુનિયા ભારતને ‘વિશ્વ બંધુ’ તરીકે જુએ છે. જો કે, તેમણે દુશ્મન દેશોને ચેતવણી આપતા એમ પણ કહ્યું કે, “ભારતના દુશ્મનોએ એ ન ભૂલવું જોઈએ કે આપણી પાસે માત્ર કોરોનાની રસી જ નથી, પરંતુ સરહદોની રક્ષા માટે ‘બ્રહ્મોસ મિસાઈલ’ પણ છે.”

રાજનાથ સિંહે સેનાની બહાદુરી અને ‘ઓપરેશન સિંદૂર’ પર સવાલ ઉઠાવવા બદલ કોંગ્રેસ સહિતના વિપક્ષી નેતાઓની આકરી આલોચના કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ દેશને એક ખાસ પરિવારની જાગીર સમજે છે. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, “2014 પહેલા રાહુલ ગાંધી કહેતા હતા કે 2024માં તેમનો સમય આવશે. આ દર્શાવે છે કે તેઓ જનતાનો વિશ્વાસ જીતવા માટે સખત મહેનત કરવાને બદલે માત્ર પોતાના સમયની રાહ જોઈ રહ્યા હતા. એક તરફ ભાજપ અને પીએમ મોદીની મહેનત છે અને બીજી તરફ વિપક્ષની આ માનસિકતા; આ જ બંને વચ્ચેનો મોટો તફાવત છે.”

દેશની સુરક્ષા વ્યવસ્થા અંગે વાત કરતા રાજનાથ સિંહે જણાવ્યું કે ભારતના બજેટનો એક-એક રૂપિયો દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે વાપરવામાં આવી રહ્યો છે અને વર્તમાન સરકાર પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી. તેમણે અંતમાં જણાવ્યું કે, “અમે આગામી ચૂંટણી જીતવાની ચિંતા નથી કરતા, પરંતુ દેશની આગામી પેઢીના ભવિષ્યની ચિંતા કરીએ છીએ. અમારી નીતિ અને નિયત બિલકુલ સાફ છે. અમારા કથન અને કરણીમાં કોઈ તફાવત નથી.”

Exit mobile version