Site icon Revoi.in

હજુ અષાઢ આવ્યો ક્યાં છે… અષાઢને આવવા તો દો!

Where has Ashadh come yet... Let Ashadh come

Where has Ashadh come yet... Let Ashadh come

Social Share

ગુજરાતના કોઈપણ ગામમાં વરસાદની વાત નીકળે અને કોઈ અનુભવી ખેડૂત હાજર હોય, તો કદાચ આ વાક્ય આજે પણ સાંભળવા મળે. બીજી તરફ શહેરોમાં જૂનનું છેલ્લું સપ્તાહ પૂરું થાય એટલે મોબાઇલમાં હવામાનની આગાહીઓ તપાસવાની શરૂઆત થઈ જાય છે. સમાચાર ચેનલો પર ચર્ચાઓ શરૂ થાય છે કે “ચોમાસું મોડું પડ્યું”, “અલનીનોની અસર”, “ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદ ઘટશે”, “ખેડૂતો ચિંતામાં”… સોશિયલ મીડિયામાં તો જાણે આખા ચોમાસાનો નિર્ણય જૂનના છેલ્લા દિવસોમાં જ થઈ ગયો હોય એવું વાતાવરણ સર્જાઈ જાય છે.

જૂનના અંત સુધી વરસાદ ઓછો પડ્યો એટલે આખું ચોમાસું નબળું જ રહેશે?

પરંતુ શું ખરેખર જૂનના અંત સુધી વરસાદ ઓછો પડ્યો એટલે આખું ચોમાસું નબળું જ રહેશે? શું અલનીનોનો અર્થ હંમેશાં દુષ્કાળ જ થાય? શું ગ્લોબલ વોર્મિંગ એટલે માત્ર ઓછો વરસાદ? અને સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ ઊભો થાય કે શું આપણા પૂર્વજો વરસાદ વિશે માત્ર અંદાજ લગાવતા હતા કે તેમની પાસે પણ કુદરતને સમજવાની કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ હતી? આ પ્રશ્નોના જવાબ શોધતા પહેલાં એક નાનકડો વિચાર કરીએ. આજે આપણી પાસે હવામાનની આગાહી માટે ઉપગ્રહો છે, ડોપ્લર રડાર છે, સમુદ્રમાં તરતા સેન્સર છે, લાખો કરોડો ગણતરીઓ કરતા સુપરકમ્પ્યૂટર છે અને કૃત્રિમ બુદ્ધિ આધારિત (એ. આઈ) મોડેલો છે. છતાં પણ હવામાન વિભાગ ઘણી વખત કહે છે કે “આગામી સપ્તાહમાં આગાહી બદલાઈ શકે છે.” એટલે કે આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે કે કુદરત અત્યંત જટિલ છે.

તો પછી એક પ્રશ્ન ઊભો થાય છે કે સેટેલાઇટ, રડાર અને સુપરકમ્પ્યૂટર પહેલાં ભારતના કરોડો ખેડૂતો હજારો વર્ષ સુધી ખેતી કેવી રીતે કરતા હતા? શું તેઓ નસીબના ભરોસે જીવતા હતા? ના. તેઓ પ્રકૃતિનું સતત અવલોકન કરતા હતા. આકાશનો રંગ, વાદળોની ગતિ, પવનની દિશા, હવામાં ભેજનો ફેરફાર, પક્ષીઓનું વર્તન, જીવજંતુઓની હિલચાલ, ઋતુઓનો ક્રમ અને વર્ષો સુધીના પોતાના અનુભવોના આધારે તેઓ ખેતીના નિર્ણયો લેતા હતા. આજે આપણે આ બધાને એક જ શબ્દમાં સમજીએ છીએ. અવલોકન. વિજ્ઞાનનો જન્મ પણ અવલોકનથી જ થયો છે. અષાઢનું સાચું મહત્ત્વ શું છે. આજે આપણે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે વિચારીએ છીએ. જૂન શરૂ થયો એટલે વરસાદ આવવો જોઈએ એવી અપેક્ષા રાખીએ છીએ. પરંતુ ભારતનું કૃષિજીવન હજારો વર્ષ સુધી અંગ્રેજી મહિનાઓ પર નહીં, ભારતીય ઋતુચક્ર પર ચાલતું આવ્યું છે.

અષાઢ માત્ર પંચાંગનો મહિનો નથી

અષાઢ માત્ર પંચાંગનો મહિનો નથી. તે ભારતીય ચોમાસાના પરિપક્વ થવાનો સમય છે. આ સમય સુધી હિંદ મહાસાગર પૂરતો ગરમ થઈ ચૂક્યો હોય છે, અરબી સમુદ્રમાંથી ભેજયુક્ત પવનો વધુ મજબૂત બનતા હોય છે, બંગાળની ખાડીમાં નીચા દબાણની પ્રણાલીઓ વિકસવા લાગે છે અને સમગ્ર ભારતીય ઉપખંડમાં ચોમાસું ધીમે ધીમે સ્થિર બનવા લાગે છે. એટલે જ આપણા લોકસાહિત્યમાં અષાઢને આશા, નવજીવન અને ખેતીની શરૂઆત સાથે જોડવામાં આવ્યો છે. આ માત્ર કાવ્ય નથી; તેની પાછળ પ્રકૃતિનું લાંબા ગાળાનું અવલોકન છે.ઘણા લોકો એવું માને છે કે ભારતીય મહિના માત્ર ધાર્મિક વિધિઓ માટે બનાવવામાં આવ્યા છે. પરંતુ હકીકત એ છે કે ભારતીય પંચાંગમાં ઋતુચક્રને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર. આ છ ઋતુઓના પરિવર્તનને આધારે કૃષિ, તહેવારો અને સામાજિક જીવન ગોઠવાયું હતું.

ખેડૂતો માટે અષાઢનો અર્થ હતો કે હવે વાવણીનો સમય નજીક છે. તેથી જૂનના અંત સુધી વરસાદ ન આવ્યો હોય તો પણ તેઓ તરત જ નિરાશ થતા નહોતા. કારણ કે તેઓ જાણતા હતા કે કુદરત ક્યારેક થોડુંક વહેલા મોડું કરે છે. કુદરત ઘડિયાળ પ્રમાણે નથી ચાલતી.અહીં એક ખૂબ  મહત્વની વાત સમજવાની છે. મનુષ્યે કેલેન્ડર બનાવ્યું છે. કુદરતે નહીં.

વિજ્ઞાન આપણને તૈયારી રાખવાનું શીખવે છે, ગભરાવવાનું નહીં

આપણે મહિનાઓ, તારીખો અને સમય નક્કી કર્યો છે, પરંતુ પવન, સમુદ્ર, વાદળો અને વરસાદ હજુ પણ પોતાના કુદરતી નિયમો પ્રમાણે જ વર્તે છે. તેથી ક્યારેક ચોમાસું વહેલું આવે, ક્યારેક મોડું આવે, ક્યારેક એક વિસ્તારમાં ભારે વરસાદ પડે અને થોડા કિલોમીટર દૂર એક ટીપું પણ ન પડે. આ બધું ચોમાસાની સ્વાભાવિક જટિલતા છે. આનો અર્થ એવો નથી કે વરસાદ મોડો પડે તો ચિંતા જ ન કરવી. ચિંતા કરવી અને ગભરાઈ જવું એ બંને અલગ બાબતો છે. વિજ્ઞાન આપણને તૈયારી રાખવાનું શીખવે છે, ગભરાવવાનું નહીં. આજના સમયમાં માહિતી ખૂબ ઝડપથી ફેલાય છે. પરંતુ દરેક માહિતી સંપૂર્ણ હોય એવું જરૂરી નથી.

જો કોઈ રાજ્યમાં વરસાદ ઓછો પડે તો ઘણી વખત સમગ્ર ભારત માટે “ચોમાસું નિષ્ફળ” જેવી હેડલાઇન બની જાય છે. જો ક્યાંક ભારે વરસાદ પડે તો “હવામાન સંપૂર્ણ બદલાઈ ગયું” જેવા દાવા કરવામાં આવે છે. પરંતુ હવામાનશાસ્ત્રમાં કોઈ એક દિવસ, એક અઠવાડિયું કે એક રાજ્ય આખા ચોમાસાનું પ્રતિનિધિત્વ કરતું નથી. ભારતનું ચોમાસું અનેક પરિબળો પર આધારિત છે. તે એક જીવંત અને સતત બદલાતી પ્રણાલી છે. તેથી વૈજ્ઞાનિકો હંમેશાં “સંભાવના”ની ભાષા બોલે છે, જ્યારે સોશિયલ મીડિયા ઘણી વખત “નિશ્ચિતતા”ની ભાષા બોલે છે.

આપણા પૂર્વજો ઉત્તમ પ્રકૃતિ નિરીક્ષક હતા

શું આપણા પૂર્વજો હવામાન વિજ્ઞાની હતા? ના. તેઓ આજના અર્થમાં હવામાન વિજ્ઞાની નહોતા. પરંતુ તેઓ ઉત્તમ પ્રકૃતિ નિરીક્ષકો હતા. આ બંનેમાં ખૂબ મોટો તફાવત છે. તેમણે હજારો વર્ષ સુધી ઋતુઓનું અવલોકન કર્યું, વરસાદના સમયનું નોંધપાત્ર ધ્યાન રાખ્યું અને ખેતી માટે ઉપયોગી અનુભવ પેઢી દર પેઢી આગળ વધાર્યો. આ જ્ઞાનનો એક ભાગ પછી ગ્રંથોમાં પણ નોંધાયો. છઠ્ઠી સદીના મહાન વિદ્વાન વરાહમિહિર એ પોતાના પ્રસિદ્ધ ગ્રંથ બૃહત્સંહિતા માં વરસાદના સંકેતો વિશે વિસ્તૃત વર્ણન કર્યું છે. તેમાં વાદળો, પવન, ઋતુપરિવર્તન અને પ્રકૃતિના વિવિધ સંકેતોના આધારે વરસાદ વિશેના અવલોકનોનું સંકલન છે. આજે આધુનિક વિજ્ઞાન આ પદ્ધતિઓને સીધી આગાહી તરીકે સ્વીકારતું નથી, પરંતુ ઇતિહાસમાં પ્રકૃતિના વ્યવસ્થિત અભ્યાસના એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે જરૂર જુએ છે.

આજના વિજ્ઞાનીઓ પણ વિશ્વભરના સ્થાનિક સમુદાયોના પરંપરાગત પર્યાવરણીય જ્ઞાન Traditional Ecological Knowledge (TEK) નો અભ્યાસ કરી રહ્યા છે. કારણ કે ઘણા સ્થાનિક સમાજોએ સદીઓ સુધી કુદરતના સૂક્ષ્મ ફેરફારોનું સતત અવલોકન કર્યું છે. અલબત્ત, આવા દરેક અવલોકનને વૈજ્ઞાનિક પરીક્ષણમાંથી પસાર કરવું જરૂરી છે. એટલે સાચો માર્ગ ન તો અંધવિશ્વાસનો છે અને ન તો અંધ અસ્વીકારનો. અવલોકન, પરીક્ષણ અને પુરાવા એકઠા કરીને જાણકારી મેળવી એ જ સાચો માર્ગ છે.

******

ધનંજય રાવલ, અંકુર હોબી સેન્ટર
Exit mobile version