પટણા/નવી દિલ્હી, 4 માર્ચ, 2026 – Nitish Kumar બિહારથી લઈને નવી દિલ્હી સુધી આજે ચોથી માર્ચે રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજકીય વર્તુળોમાં જે ચર્ચાએ જોર પકડ્યું છે તેણે ભલભલા રાજકીય પંડિતોને માથું ખંજવાળતા કરી દીધા છે.
આજે એકાએક એવી ચર્ચા શરૂ થઈ છે કે, શું બિહારના સીએમ નીતિશ કુમાર રાજ્યસભામાં જઈ રહ્યા છે? શું તેમના પુત્ર નિશાંતને બદલે JDUએ રાજ્યસભા માટે તેમનું નામ આગળ વધાર્યું છે? શું નિશાંત કુમાર બિહારમાં નાયબ મુખ્યમંત્રી બનશે? આ એવા પ્રશ્નો છે જે દિલ્હીથી લઈને બિહાર સુધીના રાજકીય વર્તુળોમાં અચાનક ચર્ચાવા લાગ્યા છે. ગઈકાલ સુધી નિશાંત કુમાર રાજ્યસભાથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરશે તેવા સમાચાર હતા. કહેવામાં આવ્યું હતું કે નીતિશ કુમારના પુત્રનું નામ રાજ્યસભા માટે લગભગ ફાઈનલ છે, પરંતુ હવે JDUના કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા અચાનક દિલ્હીથી પટના રવાના થતા જ નીતિશ કુમારના રાજ્યસભામાં જવાની અટકળો લગાવવામાં આવી રહી છે.
હોળીના દિવસે રાજકીય ગરમાવો
દેશ આખો આજે રંગોત્સવ હોળીની ઉજવણી કરી રહ્યો છે ત્યારે રાજ્યસભાને લઈને દિલ્હીથી બિહાર સુધીની રાજનીતિમાં નીતિશ કુમારના નામની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સૂત્રોએ જણાવ્યું કે પહેલા રાજ્યસભા માટે નીતિશ કુમારના પુત્ર નિશાંતનું નામ આવ્યું હતું, પરંતુ હવે સ્વયં નીતિશ કુમારના નામની ચર્ચા શરૂ થઈ છે. JDUના કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા આજે વહેલી સવારે દિલ્હીથી પટના રવાના થયા હતા. પટના રવાના થતા પહેલા તેમણે કેન્દ્રીય મંત્રી લલન સિંહ સાથે પણ મુલાકાત કરી હતી. ચર્ચા તો એવી પણ છે કે સંજય ઝા ભાજપના કેન્દ્રીય નેતૃત્વના સંપર્કમાં પણ છે.
નિશાંત કુમારની સક્રિયતા અને અટકળો
નીતિશ કુમારના રાજ્યસભા જવાના ક્યાસ પહેલા પુત્ર નિશાંત કુમાર સક્રિય રાજકારણમાં આવશે તેવી અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી. નિશાંત અનેક જાહેર કાર્યક્રમોમાં જોવા મળ્યા હતા, અને પિતાના જન્મદિવસ પર પણ તેમની સાથે નજરે પડ્યા હતા. 1 માર્ચના રોજ નીતિશ કુમારના જન્મદિવસ પર તેમણે પોતાના પિતાને કેક ખવડાવી હતી અને હનુમાન મંદિર જઈને પિતા માટે પૂજા-અર્ચના કરી હતી.
કહેવાય છે કે નીતિશ કુમારના નબળા સ્વાસ્થ્ય વચ્ચે નિશાંત કુમારની સક્રિયતાએ પણ તેમના રાજકારણમાં આવવાની વાતને વેગ આપ્યો હતો. એટલું જ નહીં, વર્ષ 2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં પણ એવી અટકળો હતી કે નિશાંત આ ચૂંટણી દ્વારા રાજનીતિમાં એન્ટ્રી કરી શકે છે અને તેમને ટિકિટ આપવામાં આવી શકે છે, પરંતુ ટિકિટ ન મળતા આ બધી વાતો પર વિરામ લાગી ગયો હતો. હવે રાજ્યસભાની બેઠક માટે ફરીથી આ પિતા-પુત્રના નામ ચર્ચામાં આવ્યા છે. રાજકીય વર્તુળો એવી સંભાવના વ્યક્ત કરી રહ્યા છે કે, બિહારમાં મુખ્યમંત્રીનું પદ હવે ભાજપ પાસે જશે અને નીતિશ કુમારના પુત્ર નાયબ મુખ્યમંત્રી બની શકે છે.

