જીવન એટલે વીતી ગયેલી ક્ષણો કે આવનારી ક્ષણો નહીં પણ આજની આ પળ..બસ..એથી વિશેષ કશું નહીં. કેમ કે આ પછીની ક્ષણની પણ આપણે ચોક્કસપણે આગાહી કરી શકતા નથી. આવનારી પળમાંથી શું અવતરશે એ કોઇ જાણી શકતું નથી. સમયની એક વામન ક્ષણમાં વિરાટ શક્યતાઓ સમાયેલી હોય છે એ આપણે સૌ જાણીએ છીએ.
પણ આપણી આ ક્ષણનો આધાર આપણે તેને કઇ રીતે તેને મૂલવીએ છીએ એના પર રહેતો હોય છે.
ક્યાંક વાંચેલા એક જાણીતા ને મારા માનીતા પ્રસંગનો ગુલાલ.
એક હોસ્પિટલમાં બે દર્દીઓ એક જ રૂમમાં હતા. એક દર્દીનો પલંગ એકદમ બારી પાસે હતો અને બીજા દર્દીનો બારીથી દૂર બીજે છેડે. બારીની નજીક જે દર્દી હતો તેની સ્થિતિ ખૂબ ગંભીર હતી. અને ડૉક્ટરના કહેવા મુજબ તે થોડા દિવસોનો જ મહેમાન હતો. જ્યારે બીજા દર્દીની હાલત ઘણી સારી હતી અને ડૉક્ટરે કહ્યું હતું કે તે જલ્દી સાજો થઇ જશે.
આ પણ વાંચોઃ જીવનઝરુખોઃ રેતી પર લખીશું કે પથ્થર પર?
જેની હાલત ગંભીર હતી તે દર્દી આખો દિવસ બારીની બહાર જોયા કરતો, કદીક ગીત ગણગણતો રહેતો, તો કદીક આકાશ સામે જોઇ પ્રાર્થના કરતો રહેતો. બારીની બહાર જોઇને ખુશ થતો હોય, તેના ચહેરા પર સ્મિત ફરકતું રહેતું.
એ રૂમમાં રહેલો બીજો દર્દી એને જોઇ રહેતો. તેને નવાઇ લાગતી કે બારીની બહાર એવું બધું શું છે કે આટલી બીમારી છતાં તે જોઇને ખુશ થાય છે.
એક દિવસ એનાથી રહેવાયું નહીં. એણે આતુરતાથી તેને પૂછ્યું,
ભાઇ, તું આખો દિવસ બારીની બહાર શું જુએ છે અને ખુશ થાય છે?
પેલા દર્દીએ તેના તરફ જોયું અને કહ્યું: અરે, બારીની બહાર તો સ્વર્ગ છે સ્વર્ગ ..
સ્વર્ગ? બીજા દર્દીને નવાઇ લાગી. એણે પૂછ્યું, સ્વર્ગ? કેવું સ્વર્ગ? અહીં વળી સ્વર્ગ ક્યાંથી?
અરે, અહીં સામે એક મોટો સુંદર મજાનો બગીચો છે. બગીચામાં સરસ મજાના રંગબેરંગી ફૂલો છે. મજાના પતંગિયાં પુષ્પ પર મંડરાઇ રહ્યાં છે. સામે લીલાછમ્મ વૃક્ષો પર મજાના પંખીઓ ટહુકે છે. નાના ભૂલકાં રમે છે. રંગીન ફુવારા ઊડે છે. કેવું મજાનું દ્રશ્ય રચાયું છે. આ સ્વર્ગ નહીં તો બીજું શું?
બીજો દર્દી મુગ્ધતાથી તેની વાત સાંભળી રહ્યો. તેને થયું કે કાશ! પોતે આ બારી પાસે હોત તો આવું મજાનું દ્રશ્ય પોતે પણ જોઇ શકત.
રોજ રોજ બારી પાસેનો દર્દી એ સરસ દ્રશ્યની વાતો હોંશે હોંશે કર્યા કરે. બીજા દર્દીની આતુરતા રોજ રોજ વધતી જતી હતી.
એક દિવસ બારી પાસેના દર્દીને કોઇ સારવાર માટે બીજા ઓરડામાં લઇ ગયા હતા ત્યારે બીજો દર્દી ધીમેથી ઊભો થયો અને માંડ માંડ બારી સુધી પહોંચ્યો. મનમાં સ્વર્ગ જોવાની આતુરતા હતી. હાશ! આજે પોતે પણ એ સુંદર દ્રશ્ય જોઇ શકશે.
મનમાં એવી આશા લઇને એણે બારીમાંથી બહાર નજર કરી..
આ પણ વાંચોઃ સ્કોપઃ પંચમહાભૂતમાં સમાયેલા 105 તત્વોનું નિર્માણ કેવી રીતે થયું?
પણ આ શું? અહીં તો એણે જે જોયું એથી એને સખત આઘાત લાગ્યો. અને અચાનક જોવા મળેલા એ ભયાનક દૃશ્યના આઘાતથી તેને હૃદયરોગનો તીવ્ર હુમલો આવ્યો અને એ ત્યાં જ ઢળી પડ્યો.
બારીની બહાર એને શું જોવા મળ્યું હતું?
બારીની બહાર ગંધાતો ઉકરડો હતો. જેના પર માખીઓ બણબણતી હતી. ડુક્કરો, કૂતરાઓ આમ તેમ રખડીને ગંદી વસ્તુઓ ખાતા ફરતા હતા. માથું ફાટી જાય એવી બદબૂ આવતી હતી.
દ્રશ્ય એક જ હતું પણ દ્રષ્ટિનો તફાવત હતો.
જીવનમાં હકારાત્મક અભિગમની અનેક વાતો અનેક જગ્યાએ જુદી જુદી રીતે આપણે વાંચતા હોઇએ છીએ.. આપણે સો સારી વાતો જાણતા હોઇએ પણ જો એમાંથી એક પણનો અમલ ન કરી શકતા હોઇએ તો? તો સો સારી વાતોનો કોઇ અર્થ ખરો? એના કરતાં આપણે એક જ સારી વાત જાણીએ પણ એનો સો ટકા અમલ કરીએ તો? તો બની શકે બીજી અનેક સારી વાતો એની પાછળ આપોઆપ ખેંચાઇ આવે.
આ પણ વાંચોઃ ભવિષ્યની અદ્રશ્ય દીવાલ: શું તમે ખરેખર સુરક્ષિત છો?
આપણી સામે ગુલાબનો મઘમઘતો છોડ લહેરાતો હોય ત્યારે પણ જો આપણને એના કાંટા જ દેખાય તો દોષ કોનો? પાનખરમાં યે જેને વસંતની ફૂટતી કૂંપળ દેખાય, એવા માનવીને કોઇ નિરાશા કદી સ્પર્શી ન શકે. પાનખર તો આવે ને જાય એ તો વસંતના ગીત ગાવામાં મસ્ત રહેવાનો.
ધ્રુવ ભટ્ટનું એક જાણીતું ગીત યાદ આવે છેઃ
ઓચિંતુ કોઇ કદી રસ્તે મળે ને ધીમેથી પૂછે
કેમ છો?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.
દોસ્તો, જેને આવી મોજમાં રહેતા આવડી જાય એને જીવનમાં કદી નિરાશા સ્પર્શી નહીં શકે.

