નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2026: રાજધાનીના ભારત મંડપમ ખાતે યોજાયેલ ‘ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ’ દરમિયાન થયેલા હંગામાના સંદર્ભમાં દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઇન્ડિયન યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચિબની પોલીસે ધરપકડ કરી છે. ગત સપ્તાહે યોજાયેલી આ હાઈ-પ્રોફાઈલ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ ‘શર્ટલેસ’ થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના પગલે અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે સવારે ઉદય ભાનુની અટકાયત કર્યા બાદ પૂછપરછ અંતે તેમની ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ પ્રદર્શનમાં દેશના વિવિધ ભાગોના લોકો સામેલ છે અને તપાસ માટે તેમને વિવિધ સ્થળોએ લઈ જવાની જરૂર હોવાથી સાત દિવસની કસ્ટડી જરૂરી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, આ વિરોધ પ્રદર્શન પાછળ કોઈ સુનિયોજિત મોટું કાવતરું હતું કે કેમ.
પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે, પ્રદર્શનકારીઓએ કાર્યક્રમ સ્થળે પ્રવેશ મેળવવા માટે ક્યુઆર કોડ મેળવવા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. શરૂઆતમાં તેઓ કાળી છત્રીઓ પર સ્ટીકર ચોંટાડીને અંદર લઈ જવાના હતા, પરંતુ સુરક્ષાકર્મીઓની નજરમાં આવી જવાની બીકે પ્લાન બદલ્યો હતો. ત્યારબાદ તેઓએ ટી-શર્ટ પર સ્ટીકર લગાવી તેને શર્ટની નીચે પહેરી લીધા હતા, જેથી સુરક્ષા તપાસમાં બચી શકાય.
શુક્રવારે યુથ કોંગ્રેસના કાર્યકરો ભારત મંડપમના હોલ નંબર-5 ના લોબી વિસ્તારમાં ઘૂસી ગયા હતા. ત્યાં તેઓએ શર્ટ ઉતારીને અથવા હાથમાં પકડીને કેન્દ્ર સરકારની નીતિઓ, વધતી બેરોજગારી અને AI સાથે જોડાયેલા મુદ્દાઓ પર સૂત્રોચ્ચાર કર્યા હતા. સાર્વજનિક શાંતિ ભંગ કરવા બદલ તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ અગાઉ સોમવારે જિતેન્દ્ર યાદવ, રાજા ગુર્જર અને અજય કુમાર સહિતના લોકોની ગ્વાલિયરથી ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ઝારખંડના ચતરા જિલ્લામાં એર એમ્બ્યુલન્સ વિમાન ક્રેશ થતાં સાત લોકોના મોત

