Site icon Revoi.in

ગુજરાતની ચરોતર યુનિવર્સિટીની અનોખી પહેલ, પરીક્ષામાં પેપરલેસ સિસ્ટમનો પ્રારંભ

Social Share

અમદાવાદઃ રાજ્ય સરકાર તથા વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ પેપરલેસ કામગીરી તરફ આગળ બધી રહી છે, હવે આ અભિયાનમાં રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ પણ જોડાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. આણંદ જિલ્લાની એક યુનિવર્સિટી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. યુનિવર્સિટીની પરીક્ષા પેપરલેસ સિસ્ટમના આધારે લેવામાં આવી રહી છે. આ સિસ્ટમથી પેપરનો બચાવ થશે અને પર્યાવરણનું વધારે જતન કરાશે. રાજ્યની અન્ય યુનિવર્સિટીમાં પણ આગામી દિવસોમાં આ સિસ્ટમનો અમલ કરવામાં આવે તેવી શકયતા છે.

આણંદ જિલ્લાના ચાંગા ગામ ખાતે આવેલ ચરોતર યુનિવર્સિટી ચારૂસેટ દ્વારા લેવાતી યુનિવર્સિટી પરીક્ષા અંતર્ગત યુનિવર્સીટી દ્વારા પેપરલેસ ડિજિટલ એક્ઝામીનેશન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. રાજયભરમાં ચારૂસેટ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ આ સિસ્ટમ દાખલ કરી છે. જેના ભાગરૂપે ઉત્તરવહીઓ, પ્રશ્નપત્રો, હૉલ ટિકિટમાં વપરાતા પેપરનો બચાવ થઈ રહ્યો છે જેના થકી પર્યાવરણની જાળવણી થાય છે અને સાથે સાથે પરીક્ષા પદ્ધતિની ગુણવત્તામાં વધારો થઇ રહ્યો છે.

ચારૂસેટ યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન વાપરવામાં આવતી હૉલ ટિકિટ, ઉત્તરવહીઓ, પુરવણીઓને બદલે વિદ્યાર્થીઓને ઇ-ટેબલેટ આપવામાં આવે છે જેમાં હૉલ ટિકિટથી માંડીને પ્રશ્નપત્રો આપેલા હોય છે અને આજે ઇ-ટેબલેટમાં વિદ્યાર્થીઓ જવાબ લખે છે. વિદ્યાર્થીઓએ આપેલા ઉત્તરોનું મૂલ્યાંકન પણ કલાઉડ પ્લેટફોર્મ મારફતે ઓનલાઈન થશે. જેથી યુનિવર્સીટીના પરિણામો ઝડપથી બહાર પાડી શકાશે. પરિણામ સ્વરૂપે યુનિવર્સિટી પરીક્ષા પદ્ધતિની વિશ્વસનીયતા વધુ સુદ્રઢ થશે, એટલું જ નહીં, પરીક્ષકોએ કરેલા મૂલ્યાંકનનું પણ તજજ્ઞો દ્વારા નિયમિત વિશ્લેષણ કરવામાં આવશે જેથી શિક્ષણની ગુણવત્તામાં પણ ઉત્તરોત્તર વધારો કરી શકાશે.