- ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો ‘ભાષિણી રાજ્યમ’ વર્કશોપ યોજાયો
ગાંધીનગર, 12 ફેબ્રુઆરી, 2026 – AI-based ‘Bhashini’ tool – AI આધારિત ‘ભાષિણી’ ટૂલ્સ થકી ગુજરાતી સહિત દેશની વિવિધ સ્થાનિક ભાષાઓનો વધુ સારો ઉપયોગ થઈ શકશે. પોતાની ભાષા અને બોલી જાળવી રાખવી એ આપણા સૌની ફરજ છે. ભારત વિવિધતા ધરાવતો દેશ છે એટલે જ દરેક પ્રદેશની બોલી-ભાષા અલગ અલગ છે. ડિજિટલ યુગમાં ભાષિણી ટૂલ્સના માધ્યમથી હવે અંગ્રેજી સહિત કોઈપણ ભાષામાંથી તેનું સ્થાનિક ભાષામાં ભાષાંતર કરી શકાય છે, જેથી વિષય-ભાષાને સમજવામાં વધુ સરળતા રહેશે, તેમ આજે ગાંધીનગર ખાતે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું.
ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ અને ભારત સરકારના MeitY અંતર્ગત ‘ડિજિટલ ઈન્ડિયા ભાષિણી’ના સંયુક્ત ઉપક્રમે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડીયાની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ‘ભાષિણી રાજ્યમ – ગુજરાત ચેપ્ટર’ વિષય પર એક દિવસીય રાજ્યકક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
શું કહ્યું વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રીએ?
આ પ્રસંગે મંત્રીએ ‘અક્ષર દ્રષ્ટિ’ પોર્ટલનું લોન્ચિંગ કરીને નાગરિકોની સેવામાં કાર્યરત કર્યું હતું. આ સમગ્ર વર્કશોપ દરમિયાન સરકારી સેવાઓમાં ભાષાંતરની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે વધારવો તે અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ભાષાના કારણે કોઈપણ કામ અટકવું જોઈએ નહીં તેવા મંત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘ડિજિટલ ઇન્ડિયા’ અંતર્ગત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ- AI આધારિત ભાષિણી ટૂલ્સ વિકસાવવામાં આવ્યું છે. જેના અમલથી ભારતીયોને વૈશ્વિક સ્તરે સંવાદ કરવામાં ખૂબ જ સરળતાની સાથે અન્ય ઉપર આધારિત રહેવું નહીં પડે અને કામમાં વધુ ઝડપ આવશે.
મંત્રીએ જાપાનનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, જાપાનમાં એક પણ સાઈન બોર્ડ અંગ્રેજી ભાષામાં નથી પરંતુ તેની પોતાની ભાષામાં છે. આગામી સમયમાં શાળા, કોલેજ અને વિશ્વવિદ્યાલયમાં પણ આ ટૂલ્સના ઉપયોગથી વિદ્યાર્થીઓ વધુ ભાષાઓ સમજી અને શીખી શકશે જેથી તેમના જ્ઞાનમાં વધારો થશે.
મંત્રી કહ્યું હતું કે, AI આધારિત ‘ભાષિણી’ પોર્ટલ થકી ગુજરાત સરકારની વેબસાઈટ અને પરિપત્રોને પણ અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવી શક્યા છીએ. રાજ્ય સરકારની બહુભાષી ડિજિટલ શાસનને પ્રોત્સાહન આપતી રાષ્ટ્રીય પહેલ ભાષિણી વિષયક આ એક દિવસીય વર્કશોપ કર્મચારીઓ-અધિકારીઓ માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે.
આ પણ વાંચોઃ GCCI દ્વારા સૌપ્રથમ વખત ત્રણ દિવસના ફૂડ ફેસ્ટિવલનો નવતર પ્રયોગ
તેમણે કહ્યું કે, અસરકારક અને સમાવેશી જાહેર સેવા પ્રદાન માટે ભાષા એક મહત્વપૂર્ણ સાધન છે. નાગરિકોને સમજાય તેવી ભાષામાં સેવાઓ ઉપલબ્ધ થાય ત્યારે જ ડિજિટલ ગવર્નન્સના હેતુઓ સિદ્ધ થાય છે. ગુજરાતમાં મોટા ભાગના નાગરિકો ગુજરાતી તથા અન્ય ભારતીય ભાષાઓમાં સંવાદ કરવાનું પસંદ કરે છે. તેથી સરકારી સેવાઓમાં ભાષા અવરોધ ન બને તે સુનિશ્ચિત કરવું આવશ્યક છે.
મંત્રી મોઢવાડિયાએ કહ્યું કે, કેન્દ્ર સરકારના MeitY દ્વારા ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ શરૂ કરાયેલ ભાષિણી ભાષાંતર, અવાજ આધારિત સેવા અને બહુભાષી AI સુવિધાઓ માટે એક સામાન્ય રાષ્ટ્રીય પ્લેટફોર્મ પુરુ પાડે કરે છે. ભાષિણીના અમલથી નાગરિક સેવા પોર્ટલ, હેલ્પડેસ્ક, ચેટબોટ અને અવાજ આધારિત સેવાઓને સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ કરી શકાય છે, જેના દ્વારા વધુ પારદર્શિતા, સુલભતા અને સમાવેશિતા આવે છે.
ડિજિટલ ઈન્ડિયા ‘ભાષિણી’ ડિવિઝનના CEO અમિતાભ નાગે વર્કશોપના સફળ આયોજન બદલ રાજ્ય સરકારની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ભાષિણી રાજ્યમ વર્કશોપના આયોજનથી અધિકારીઓ-કર્મચારીઓ અંગ્રેજી સિવાયની સ્થાનિક ભાષાનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાશે, જે શાસન વ્યવસ્થામાં ખૂબ મદદરૂપ થશે. ભારત એ ભાષાનો સમૃદ્ધ વારસો ધરાવે છે, જેથી તમામ ભાષાઓ જાણવી-સમજવી જરૂરી છે.
ભારતીય ભાષાઓને જાણવા માટે હવે AI આધારિત ભાષિણી ટૂલ્સ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. જે AI આધારિત ટૂલ્સ હોવાથી તેમાં નાના-મોટા સુધારા-વધારા કરવા જરૂરી છે. ટેકનોલોજીના માધ્યમથી ભાષિણીમાં સમયાંતરે શોધ અને સંશોધન થઈ રહ્યા છે જે તેને વધુ શ્રેષ્ઠ, સચોટ અને સરળ બનાવશે તેવું અમિતાભ નાગે ઉમેર્યું હતું. આ પ્રસંગે શ્રી અમિતાભે અંગ્રેજીમાં કરેલા સમગ્ર સંબોધનનું ભાષિણી ટૂલ્સ થકી ગુજરાતીમાં લાઈવ ટ્રાન્સલેશન કરીને બતાવવામાં આવતું હતું.
શું કહ્યું વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી સચિવે?
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી સચિવ પી. ભારતીએ જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ–AI એ માત્ર ટેકનોલોજી નથી, પરંતુ તે વહીવટી ક્ષમતા અને નાગરિકોને વધુ સશક્ત બનાવવાનું માધ્યમ છે. આપણે AIનો ઉપયોગ ઉત્તમ સેવા અને સરળતા વધારવા માટે કરવા માંગીએ છીએ.
સાથે જ, તે વિશ્વાસપાત્ર, સુરક્ષિત, પ્રાઈવેસીનું રક્ષણ કરનાર અને સર્વસમાવેશક તેમજ દરેક નાગરિક માટે દરેક ભાષામાં કામ કરતું હોવું જોઈએ. ‘ભાષિણી’ ખાસ કરીને વોઈસ અને લેંગ્વેજ ટૂલ્સ બનાવવામાં મદદ કરે છે, જેથી નાગરિકો તેમની પસંદગીની ભાષામાં ડિજિટલ સેવાઓ મેળવી શકે.
ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડના એમડી અરવિંદ વિજયને સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ થકી રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં આંતરિક વહીવટ અને નાગરિક કેન્દ્રીત સેવાઓ વધુ ઉત્તમ બની શકે છે, જે અંતર્ગત ‘ભાષિણી’ ટૂલ ખૂબ જ સુસંગત છે.
ડિજિટલ ઈન્ડિયા ભાષિણી ડિવિઝન-DIBDના સિનિયર મેનેજર અજય સિંઘ રાજાવતે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ એક દિવસીય વર્કશોપ દરમિયાન નિષ્ણાતો દ્વારા ‘ભાષિણી’ ઉડયત, ‘ભાષિણી’ એપ મિત્ર, ‘ભાષિણી’ પ્રવક્તા, કાનૂની અને નિયમન જેવા વિવિધ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

