Site icon Revoi.in

મિડલ ઈસ્ટમાં તણાવને પગલે એર ઈન્ડિયાએ ઈઝરાયેલની ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ લંબાવ્યો

Social Share

નવી દિલ્હી, 29 મે 2026: પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાઓ અને વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને ભારતની અગ્રણી એરલાઇન ‘એર ઈન્ડિયા’ એ મોટો નિર્ણય લીધો છે. એર ઈન્ડિયાએ ઈઝરાયેલના તેલ અવીવ માટેની પોતાની તમામ ફ્લાઈટ્સનું સસ્પેન્શન (નિલંબન) હવે જુલાઈના અંત સુધી લંબાવી દીધું છે. આ અગાઉ, એરલાઈન કંપનીએ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જૂન મહિનાના અંત સુધી દિલ્હી-તેલ અવીવ હવાઈ માર્ગ પરની તમામ ફ્લાઈટ્સ રદ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં કોઈ સુધારો ન થતાં હવે આ મર્યાદાને વધુ એક મહિનો એટલે કે જુલાઈના અંત સુધી લંબાવવામાં આવી છે.

એર ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે: “પશ્ચિમ એશિયા ક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિ અને સુરક્ષાના જોખમોને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. અમારા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.” એર ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે જે મુસાફરોએ આ સમયગાળા દરમિયાન તેલ અવીવ જવા કે ત્યાંથી આવવા માટે અગાઉથી બુકિંગ કરાવ્યું હતું, મુસાફરો કોઈપણ વધારાના ચાર્જ વગર તેમની મુસાફરીની તારીખ બદલી શકશે, જો મુસાફરો ટિકિટ કેન્સલ કરાવવા માંગતા હોય, તો તેમને ટિકિટના પૂરેપૂરા પૈસા પરત આપવામાં આવશે.

પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ સતત પ્રભાવિત થઈ રહી છે અને એર ઈન્ડિયા સહિત દુનિયાની ઘણી મોટી એરલાઈન્સે આ રૂટ પર સાવચેતીના પગલાં લીધા છે.

Exit mobile version