ઢાકા, 20 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) વચ્ચે આગામી T20 વર્લ્ડ કપના સ્થળને લઈને વિવાદ વધુ વકર્યો છે. બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નઝરુલ હવે આ મામલે મેદાનમાં ઉતર્યા છે અને તેમણે આઈસીસીને ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશ કોઈ પણ પ્રકારના અયોગ્ય દબાણ સામે ઝૂકશે નહીં.
તાજેતરમાં આઈસીસીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) ને કડક શબ્દોમાં અલ્ટીમેટમ આપ્યું હતું કે જો બાંગ્લાદેશની ટીમને વર્લ્ડ કપમાં રમવું હોય તો તેમણે ભારતમાં જ રમવું પડશે. જો બાંગ્લાદેશ આ માટે તૈયાર નહીં થાય તો તેમની જગ્યાએ બીજી ટીમને (સંભવિત સ્કોટલેન્ડ) ટુર્નામેન્ટમાં સામેલ કરવામાં આવશે. આઈસીસીએ બીસીબીને આ અંગે નિર્ણય લેવા માટે 21 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે.
આઈસીસીના આ અલ્ટીમેટમ પર પ્રતિક્રિયા આપતા આસિફ નઝરુલે એક પ્રેસ કોન્ફરન્સમાં આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું, “અમને અમારી જગ્યાએ સ્કોટલેન્ડને સામેલ કરવા અંગે કોઈ સત્તાવાર જાણકારી મળી નથી. જો આઈસીસી અમારા પર દબાણ લાવશે અથવા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) સામે નમી જઈને કોઈ અન્યાયી શરતો થોપશે, તો અમે તેને ક્યારેય સ્વીકારીશું નહીં.”
નઝરુલે વધુમાં ઉદાહરણ આપતા જણાવ્યું કે, “એવા ઘણા કિસ્સાઓ છે જ્યારે ભારતે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો અને આઈસીસીએ આયોજન સ્થળ બદલવું પડ્યું. અમે પણ તર્કસંગત કારણોસર સ્થળ બદલવાની વિનંતી કરી છે. અમને બિનતાર્કિક દબાણ કરીને ભારતમાં રમવા માટે મજબૂર કરી શકાય નહીં.”
બાંગ્લાદેશમાં હાલની રાજકીય સ્થિતિ અને સુરક્ષાના કારણોસર આ વિવાદ સર્જાયો હોવાનું મનાય છે. બાંગ્લાદેશી સત્તાધીશો ભારતને બદલે અન્ય કોઈ તટસ્થ સ્થળે રમવાની માંગ કરી રહ્યા છે, જ્યારે ICC હવે આ મામલે વધુ રાહ જોવાના મૂડમાં નથી. 21 જાન્યુઆરીની ડેડલાઇન બાદ આ વિવાદ કયા વળાંક પર પહોંચે છે તેના પર ક્રિકેટ પ્રેમીઓની નજર રહેશે.
આ પણ વાંચોઃ ગુજરાતની ખેતી બેન્કના બ્રાન્ડ એમ્બેસેડર નિરમા ઠાકોરે ટાટા મુંબઈ મેરાથોન 2026 માં રજત પદક જીત્યો

