Site icon Revoi.in

બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ નડિયાદ નજીક 1486 મેટ્રીક ટન સ્ટિલનો 100 મીટર લાંબો બ્રિજ લોન્ચ કરાયો

Social Share

અમદાવાદઃ દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દેશના પ્રથમ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. દરમિયાન રાજ્યના નડિયા નજીક આ પ્રોજેક્ટ હેઠળ બીજો 100 મીટર લાંબો સ્ટિલનો બ્રિજ લોન્ચ કરવામાં આવ્યો છે. 1486 મેટ્રીક ટન સ્ટિલનો ઉપયોગ બ્રિજના નિર્માણમાં કરાયો છે, આ બ્રિજ ભુજમાં સ્થિત વર્કશોપમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજ જમીનથી 15.5 મીટરની ઉંચાઈ ઉપર બનાવવામાં આવ્યો છે. આ પુલ ભારતીય રેલવે લાઈન પાવર બ્લોક અને ટ્રાફિકની યોજનાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું કે સ્ટીલના દરેક પ્રોડક્શન બેચનું ઉત્પાદકના પરિસરમાં અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ (UT) દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે. કોરિડોર માટે 28માંથી આ બીજો બ્રિજ છે. સુરતમાં નેશનલ હાઈવે 53 પર પ્રથમ સ્ટીલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સ્ટીલ બ્રિજના નિર્માણમાં 70,000 MT નિર્દિષ્ટ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્ટીલ બ્રિજ સ્પાન્સની લંબાઈ 60 મીટરથી 130 મીટર સુધીની છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, રેલવે લાઇન, એક્સપ્રેસ વે અને હાઇવે ક્રોસ કરવા માટે આ બ્રિજ યોગ્ય છે. ભારત પાસે 100 થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનો માટે સ્ટીલ બ્રિજ બનાવવાની વિશેષતા છે. હવે આ કુશળતા MAHSRC (મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર) પર પણ લાગુ કરવામાં આવી રહી છે જે 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે.

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 1.08 લાખ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. તેનો હેતુ મુંબઈથી અમદાવાદનું 508 કિમીનું અંતર માત્ર બે કલાકમાં કાપવાનો છે. બુલેટ ટ્રેનની મહત્તમ ઝડપ 320 કિલોમીટર પ્રતિ કલાક છે. આ ટ્રેન માટે લગભગ 24 નદી પુલ, 28 સ્ટીલ પુલ અને સાત પર્વતીય ટનલ બનાવવામાં આવી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર 2017માં કામ શરૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય રેલ્વે મંત્રીએ કહ્યું કે આ પ્રોજેક્ટ 2026 સુધીમાં પૂર્ણ થશે.

Exit mobile version