Site icon Revoi.in

સવારે ખાલી પેટે ભૂલથી પણ ન ખાતા આ ફળો, બગાડી શકે છે તબિયત

Social Share

ફળોને સ્વાસ્થ્ય માટે અમૃત સમાન માનવામાં આવે છે. નિષ્ણાતો હંમેશા આહારમાં ફળોનો સમાવેશ કરવાની સલાહ આપે છે કારણ કે તેનાથી શરીરને જરૂરી પોષક તત્વો અને ઉર્જા મળે છે. પરંતુ, શું તમે જાણો છો કે દરેક ફળ ખાલી પેટે ખાવું હિતકાવહ નથી? ખાસ કરીને શિયાળામાં સવારે ઉઠતાની સાથે જ અમુક ફળોનું સેવન કરવાથી પાચન અને બ્લડ શુગરને લગતી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે.

ખાટા ફળો (સંતરા, લીંબુ, ગ્રેપફ્રૂટ)

શિયાળામાં સંતરા અને લીંબુ વિટામિન-સીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે, પરંતુ તેને ખાલી પેટે ખાવાથી એસિડિટીની સમસ્યા વધી શકે છે. જે લોકોને ગેસ્ટ્રાઈટિસ અથવા એસિડ રિફ્લક્સની ફરિયાદ હોય, તેમને પેટના અંદરના ભાગમાં બળતરા થઈ શકે છે.

સફરજન

“રોજ એક સફરજન ડોક્ટરથી દૂર રાખે છે” એ કહેવત સાચી છે, પણ સવારે ખાલી પેટે તે ભારે પડી શકે છે. સફરજનમાં ફાઈબર અને ફ્રુક્ટોઝનું પ્રમાણ વધુ હોય છે, જેનાથી પેટ ફૂલવું, અપચો અથવા શુગર લેવલમાં અચાનક વધઘટ થઈ શકે છે.

દ્રાક્ષ

દ્રાક્ષ સ્વાદમાં મીઠી હોવા છતાં તેમાં એસિડિક ગુણો અને વધુ ફાઈબર હોય છે. સવારે ખાલી પેટે દ્રાક્ષ ખાવાથી બ્લડ શુગર ઝડપથી વધી શકે છે, પરિણામે થોડીવાર પછી તમને ફરીથી ભૂખ લાગે અથવા ચીડિયાપણું અનુભવાય તેવું બની શકે છે.

પપૈયું

સામાન્ય રીતે પપૈયું પાચન માટે ઉત્તમ ગણાય છે, પરંતુ સંવેદનશીલ પેટ ધરાવતા લોકો માટે તે મુશ્કેલી ઊભી કરી શકે છે. પપૈયામાં રહેલું ‘પપેન’ એન્ઝાઈમ લાંબા ઉપવાસ પછી ખાવામાં આવે તો પેટમાં ગેસ કે અસ્વસ્થતા પેદા કરી શકે છે.

તરબૂચ અને ટેટી

તરબૂચ કે ટેટીમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. ખાલી પેટે તેને વધુ માત્રામાં ખાવાથી શરીરમાં એસિડનું સંતુલન બગડી શકે છે અને બ્લડ શુગર લેવલમાં એકાએક ઉછાળો આવી શકે છે.

કેળું

કેળામાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને શુગર ભરપૂર હોય છે. ખાલી પેટે કેળું ખાવાથી લોહીમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમનું સંતુલન બગડી શકે છે, જે હૃદયની સમસ્યા ધરાવતા લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે.

ડિસ્ક્લેમર: આ માહિતી સંશોધનો અને નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે. તેને તબીબી સલાહનો વિકલ્પ ન ગણવો. તમારા આહારમાં કોઈ પણ મોટો ફેરફાર કરતા પહેલા હંમેશા ફેમિલી ડોક્ટર કે ડાયેટિશિયનની સલાહ લેવી.

Exit mobile version