Site icon Revoi.in

ગુજરાતમાં ગૌસહાય યોજનાના અમલના અભાવે ગૌશાળા-પાંજરાપોળોની આર્થિક સ્થિતિ લથડી

Social Share

અમદાવાદઃ ગૌવંશની સુરક્ષા અને જાળવણી માટે વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવતો હોવાના રાજ્ય સરકાર દ્વારા દાવા કરવામાં આવી રહ્યાં છે, બીજી તરફ ગૌશાળા-પાંજરાપોળોને યોગ્ય સહાય નહીં મળતી હોવાથી તેમના સંચાલકોની આર્થિક મુશ્કેલીઓ વધી છે. સરકારે રૂ. 500 કરોડની ગૌસહાય યોજનાની જાહેરાત કરી હતી. પરંતુ આ યોજનાનો હજુ સુધી પાંજરાપોળ-ગૌશાળાઓને કોઈ લાભ મળ્યો નહીં હોવાની ફરિયાદો ઉઠી છે. આર્થિક મુશ્કેલીનો સામનો કરવા ગૌશાળા-પાંજરાપોળના સંચાલકોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારની સામે નારાજગી ફેલાઈ છે. તેમજ મુખ્યમંત્રી ગૌસહાય યોજનાનો તાત્કાલિક અમલ કરીને મદદ કરવા માટે ગૌશાળા-પાંજરાપોળના સંચાલકોએ માંગણી કરીને ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

ગૌશાળા-પાંજરાપોળના સંચાલકો, સાધુ-સંતોનું બનાસકાંઠાના ભાભરમાં આવેલા હરિધામ ગૌ-શાળામાં ગૌમાતા અધિકારી મહાસંમેલન મળ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં સંતો, 1500 ગૌશાળા અને 219 પાંજરાપોળના સંચાલકો-પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના સાત દિવસમાં કાર્યાન્વિત કરવા માટે વિનંતી કરવામાં આવી છે. જો આ યોજના લાગુ કરવામાં નહીં આવે તો ડિસેમ્બરમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાત દિવસમાં યોજના લાગુ નહીં કરવામાં આવે તો ગાંધીનગર વિધાનસભા ભવન સામે ધરણા કરવાનું એલાન કર્યું છે. આ ઉપરાંત ગૌશાલા-પાંજરાપોળની ચાવીઓ અને વહીવટ કરવાને સુપ્રત કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ગૌશાળા-પાંજરાપોળના ફેડરેશનના અગ્રણી બાલકૃષ્ણભાઈ શાસ્ત્રીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે છ મહિના પહેલા ગૌસહાય યોજનાની જાહેરાત કરી હતી પરંતુ હજુ સુધી તેનો અમલ કરવામાં આવ્યો નથી, તેના અમલ મામલે સરકારમાં અનેકવાર રજૂઆત કરવા છતા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી. એટલું જ નહીં મુખ્યમંત્રીને મળીને રજૂઆત પણ કરી હતી, જેથી મુખ્યમંત્રીએ માત્ર આશ્વાસન આપ્યું છે પરંતુ બાંહેધરી નથી આપી કે ક્યારથી અમલ કરીશું. હાલ રાજ્યમાં દરોરજ અંદાજે સરેરાશ 500 જેટલા ગૌવંશ દેવલોક પામે છે. ગૌવંશના રક્ષણ માટે સરકારે તાત્કાલિક ફંડ રિલીઝ કરવું જોઈએ.