Site icon Revoi.in

લીકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટીને પણ ઈડી આરોપી બનાવશે

Social Share

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં લીકર પોલીસી કેસમાં ઈડીએ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દરમિયાન હવે આ કેસમાં તપાસનશ એજન્સી ઈડીએ રાજકીય પક્ષ આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવા માટે કવાયત શરૂ કરી છે. ઈડીએ આ અંગેની રજૂઆત લીકર પોલીસી કેસમાં ઝડપાયેલા મનિષ સિસોદિયાની જામીન અરજીની સુનાવણી દરમિયાન કોર્ટમાં કરી હતી.

કેસની હકીકત અનુસાર, દિલ્હી દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવામાં આવશે. તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કરતી વખતે EDએ આ દલીલ કરી હતી.

ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્મા સમક્ષ દલીલ કરતી વખતે, EDના વકીલે કહ્યું કે, આ કેસમાં અમે અમારી આગામી પ્રોસિક્યુશન ફરિયાદ (ચાર્જશીટ)માં ‘આપ’ને સહ-આરોપી બનાવવાના છીએ. વકીલે વધુમાં કહ્યું કે, આરોપી પક્ષ આ કેસમાં આરોપ ઘડવાની પ્રક્રિયામાં વિલંબ થાય તે માટે તમામ પ્રયાસો કરી રહ્યો છે.

બીજી તરફ સિસોદિયાના વકીલે તેમની જામીનની માંગ કરતા કહ્યું કે, ED અને CBI હજુ પણ મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના મામલામાં લોકોની ધરપકડ કરી રહી છે. આ કેસનો જલ્દી નિકાલ થવાનો નથી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશે આ અંગે પોતાનો નિર્ણય હાલ પૂરતો અનામત રાખ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી લીકર પોલીસી કેસમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની ધરપકડ કરી હતી. જો કે, તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે કેજરિવાલના વચગાળાના જામીન મંજુર રાખ્યાં હતા.