નવી દિલ્હી, 24 એપ્રિલ, 2026 – નવા AI ટૂલ Mythos સામે સાવધાન રહેવા નાણામંત્રી શ્રી નિર્મલા સિતારમણે નાગરિકોને સાવધાન રહેવા ચેતવણી આપી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોના વડાઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન Anthropic ના Claude Mythos મોડલ અને તેના સંભવિત સાયબર સુરક્ષા જોખમો વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી. Claude Mythos સાયબર સુરક્ષાની બાબતમાં સૌથી અદ્યતન AI મોડલ હોવાનો દાવો કરવામાં આવે છે.
X પર નાણા મંત્રાલયના સત્તાવાર એકાઉન્ટમાં જણાવવામાં આવ્યું છે કે નિર્મલા સીતારમણે હિતધારકોને Claude Mythos ની સંભવિત અસર અંગે ચેતવણી આપી હતી. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે Mythos ના અનેક અભૂતપૂર્વ જોખમો છે, જેના માટે નાણાકીય સંસ્થાઓ અને બેંકો વચ્ચે અત્યંત ઉચ્ચ સ્તરની તકેદારી, તત્પરતા અને બહેતર સંકલનની આવશ્યકતા છે.
શું છે Claude Mythos?
આ Anthropic નામની કંપની દ્વારા બનાવવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી AI મોડલ છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ મોડલ સાયબર સુરક્ષામાં એટલું નિપુણ છે કે તેને સામાન્ય લોકોની પહોંચથી દૂર રાખવામાં આવી રહ્યું છે. કંપનીનું કહેવું છે કે Mythos બેંકિંગ સિસ્ટમમાં સાયબર સિક્યોરિટી સંબંધિત એવી નાની-મોટી ખામીઓ કે તિરાડો શોધી કાઢવામાં માહેર છે, જે માનવીય પકડની બહાર છે.
#WATCH | Following her meeting with heads of banks on AI risks, Union Finance Minister Nirmala Sitharaman says, “It has always been that the banks in India, because of greater digitisation happening, that we are adequately equipped to meet any challenges and risks. Now, because… pic.twitter.com/kTZ7AuSa94
— ANI (@ANI) April 24, 2026
1990 ના દાયકામાં જ્યારે ઇન્ટરનેટ અને ઓપરેટિંગ સિસ્ટમ બની રહ્યા હતા, ત્યારે સુરક્ષા પર એટલું ધ્યાન આપવામાં આવ્યું નહોતું. હવે આ જ ખામીઓ જૂના કોડની અંદર દબાયેલી છે, જેને Mythos AI શોધી શકે છે. તે જૂની ઓપરેટિંગ સિસ્ટમ અથવા વેબ બ્રાઉઝરની ઊંડાઈમાં જઈને તપાસ કરવા સક્ષમ છે. Anthropic એ કહ્યું છે કે તેને મોટા પાયે ઉપલબ્ધ કરાવવું એ કોઈપણ એવી વ્યક્તિના હાથમાં અદ્યતન હેકિંગ ક્ષમતાઓ સોંપવા જેવું હશે જેની પાસે લેપટોપ છે.
શું છે તેના જોખમો?
પરિણામે, Anthropic એ Claude Mythos સુધીની પહોંચ માત્ર લગભગ 40 પસંદગીની કંપનીઓના જૂથને આપી છે, જેમાં Amazon, Microsoft અને Google સામેલ છે. જોકે, અહેવાલો અનુસાર, વપરાશકર્તાઓના એક અનધિકૃત જૂથે Mythos સુધી પહોંચ મેળવી લીધી હતી, જે તેમને સાયબર સુરક્ષાની ખામીઓનો ફાયદો ઉઠાવવાની તક આપી શકે છે.
આવી સ્થિતિમાં સરકારે બેંકોને જણાવ્યું કે તેઓ પોતાની સુરક્ષા એટલી મજબૂત બનાવે કે જો કોઈ હુમલો થાય અથવા શંકાસ્પદ લાગે, તો તેની જાણ તરત જ બીજી બેંકોને કરી શકાય. નાણાં મંત્રીનું પણ કહેવું છે કે આ AI મોડલનો ઉપયોગ બેંકોમાંથી પૈસા ચોરવા અથવા ગ્રાહકોની ખાનગી માહિતી મેળવવા માટે થઈ શકે છે.
ભારત સરકાર એકલી એવી સંસ્થા નથી જે Mythos પર નજર રાખી રહી છે. અહેવાલો અનુસાર, અમેરિકાની સરકારે પણ આ પ્રકારના પગલાં લેવા માટે વિવિધ વોલ સ્ટ્રીટ બેંકો સાથે વાતચીત કરી છે. વ્હાઇટ હાઉસ પણ સંભવતઃ પોતાની વિવિધ એજન્સીઓમાં સાયબર સુરક્ષાને મજબૂત કરવા માટે Mythos નો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે.

