નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: સંસદના બજેટ સત્ર દરમિયાન દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસમાં ગંભીર ટેકનિકલ ખામીઓ સામે આવી છે. જોકે, આશ્ચર્યજનક રીતે સ્પીકર ઓમ બિરલાએ પોતે સચિવાલયને આ ખામીઓ સુધારીને પ્રક્રિયા આગળ વધારવા સૂચના આપી છે, જેથી વિપક્ષની નોટિસ રદ ન થાય. લોકસભાના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષી સાંસદો દ્વારા રજૂ કરવામાં આવેલી નોટિસમાં ફેબ્રુઆરી 2025 ની ઘટનાઓનો ચાર વાર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નિયમો મુજબ, આવી ભૂલોના આધારે નોટિસને સીધી જ રદ કરી શકાય તેમ હતી. પરંતુ સ્પીકરે સચિવાલયને આ ખામીઓ સુધારીને ત્વરિત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. બજેટ સત્રના બીજા તબક્કામાં સુધારેલી નોટિસને લિસ્ટ કરવામાં આવશે.
વિપક્ષના આ અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદમાં 9 માર્ચના રોજ ચર્ચા થઈ શકે છે. બજેટ સત્રના પ્રથમ તબક્કાનો છેલ્લો દિવસ 13 ફેબ્રુઆરી છે. ત્યારબાદ 8 માર્ચથી ગૃહની કાર્યવાહી ફરી શરૂ થશે. 10 ફેબ્રુઆરી (મંગળવાર) ના રોજ કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલી આ નોટિસ પર 118 સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. વિપક્ષે લોકસભા અધ્યક્ષ પર ‘પક્ષપાતી’ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. નોટિસમાં મુખ્ય ચાર મુદ્દાઓનો ઉલ્લેખ કરાયો છે. જેમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલવા ન દેવાનો આરોપ, આઠ સાંસદોના સસ્પેન્શનનો મુદ્દો, ભાજપ સાંસદ નિશિકાંત દુબે દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાનો પર કરવામાં આવેલી ટિપ્પણી અને પીએમ મોદીને ગૃહમાં ન આવવા માટેની સ્પીકરની સલાહ અંગેનું વિવાદિત નિવેદનનો સમાવેશ કરાયો છે. બીજી તરફ જ્યાં સુધી અવિશ્વાસ પ્રસ્તાવનો નિકાલ ન આવે ત્યાં સુધી સ્પીકર ઓમ બિરલાએ નૈતિકતાના ધોરણે ગૃહની કાર્યવાહીથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. તેઓ હવે પ્રસ્તાવ પરના નિર્ણય બાદ જ ગૃહના સંચાલનમાં ભાગ લેશે.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં મુખ્યમંત્રી ઉમરના નિવેદન પર હોબાળો

