Site icon Revoi.in

ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોંએ ભારતની ડિજિટલ ક્રાંતિને બિરદાવી, બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ ફરમાવવા કરી અપીલ

Social Share

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી, 2026 : રાજધાની દિલ્હીના પ્રતિષ્ઠિત ‘ભારત મંડપમ’ ખાતે આયોજિત ‘India AI Impact Summit 2026’ માં વિશ્વભરના દિગ્ગજો એકઠા થયા હતા. આ વૈશ્વિક મંચ પરથી ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના ટેકનોલોજીકલ ઉત્થાનની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. મેક્રોંએ પોતાના ભાષણની શરૂઆત ‘નમસ્તે’ થી કરી સૌના દિલ જીતી લીધા હતા.

રાષ્ટ્રપતિ મેક્રોંએ છેલ્લા એક દાયકામાં ભારતમાં આવેલા પરિવર્તનને રેખાંકિત કરતા જણાવ્યું કે, “10 વર્ષ પહેલા મુંબઈના એક સામાન્ય ફેરિયા પાસે નહોતું બેંક ખાતું કે નહોતા દસ્તાવેજો. આજે એ જ ફેરિયો ડિજિટલ પેમેન્ટ સ્વીકારી રહ્યો છે. આ એક અભૂતપૂર્વ પરિવર્તન છે.” ભારત દર વર્ષે લાખો AI એન્જિનિયરોને તાલીમ આપે છે. 5 લાખથી વધુ એન્જિનિયરો સાથે ભારત વિશ્વની બીજી સૌથી મોટી ડેવલપર કોમ્યુનિટી ધરાવે છે.

મેક્રોંએ 1.4 અબજ લોકોની ડિજિટલ ઓળખ (આધાર), દર મહિને 20 અબજ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરતી પેમેન્ટ સિસ્ટમ (UPI) અને 500 મિલિયન ડિજિટલ હેલ્થ ID ની પણ પ્રશંસા કરી હતી. સમિટ દરમિયાન ફ્રેન્ચ પ્રેસિડેન્ટે એક મહત્વનો મુદ્દો ઉઠાવતા વડાપ્રધાન મોદીને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, “ફ્રાંસે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. અમે આ દિશામાં આગળ વધી ચૂક્યા છીએ અને અમે આશા રાખીએ છીએ કે વડાપ્રધાન મોદી પણ આ માર્ગ અપનાવે.” બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સૂચન અત્યંત મહત્વનું મનાય છે.

આ સમિટમાં વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ભવિષ્ય પર ચર્ચા કરી હતી. મેક્રોંએ ઉમેર્યું કે ભારતે જે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે તેવું વિશ્વના કોઈ દેશ પાસે નથી.

આ પણ વાંચોઃ ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાને છત્રપતિ શિવાજી મહારાજને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

 

 

 

Exit mobile version