Site icon Revoi.in

પ્રધાનમંત્રીના ૭-મુદ્દાના રાષ્ટ્રીય આહ્વાનને જીસીસીઆઈ દ્વારા સંપૂર્ણ સમર્થન

GCCI fully supports Prime Minister's 7-point national call

GCCI fully supports Prime Minister's 7-point national call

Social Share

અમદાવાદ, 13 મે, 2026 – પ્રધાનમંત્રીના ૭-મુદ્દાના રાષ્ટ્રીય આહ્વાનને જીસીસીઆઈ દ્વારા સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. ચેમ્બર દ્વારા જારી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર દેશની સ્થિરતા અને પ્રગતિ માટે વડાપ્રધાન દ્વારા જે અપીલ કરવામાં આવી છે તેને ગુજરાતના ઉદ્યોગજગતનો પૂર્ણ ટેકો છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ ભારતની આર્થિક સ્થિરતા, આત્મનિર્ભરતા અને ટકાઉ વિકાસને મજબૂત કરવાના હેતુથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલા તાજેતરના રાષ્ટ્રીય વ્યૂહાત્મક આહ્વાનને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે.

વર્તમાન વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને ઉભરતા ભૌગોલિક રાજકીય પડકારોને ધ્યાનમાં રાખીને, GCCI એ ઉદ્યોગો, વ્યવસાયો અને નાગરિકોને સામૂહિક રીતે “નેશન ફર્સ્ટ” (રાષ્ટ્ર પ્રથમ) અભિગમ અપનાવવા અપીલ કરી છે. આ પહેલનો હેતુ ભારતની આર્થિક ક્ષમતાને સુદ્રઢ કરવાનો, બાહ્ય નિર્ભરતા ઘટાડવાનો અને ટકાઉ વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે.

આ પણ વાંચોઃ GCCI દ્વારા 15 મેએ ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટની બીજી આવૃત્તિનું આયોજન

GCCI એ ગુજરાતના ઉદ્યોગો, વેપારી મંડળો અને વ્યાપારિક સંગઠનોને નીચે મુજબના ૭-મુદ્દાના રાષ્ટ્રીય અભિયાનમાં સક્રિયપણે સહભાગી થવા અને સમર્થન આપવા વિનંતી કરી છે:

૧. ઊર્જા સંરક્ષણ: સભાન ઊર્જા બચત અને કાર્યક્ષમ ઔદ્યોગિક પદ્ધતિઓ દ્વારા ઈંધણના વપરાશમાં ઘટાડો કરવો.

૨. જાહેર પરિવહનનો ઉપયોગ: મેટ્રો રેલ, ઇલેક્ટ્રિક બસો અને અન્ય સહિયારી પરિવહન વ્યવસ્થાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવું.

૩. કારપૂલિંગ: સંસ્થાઓ અને ઔદ્યોગિક ક્લસ્ટરોમાં કારપૂલિંગની પહેલને પ્રોત્સાહિત કરવી.

૪. વર્ચ્યુઅલ મીટિંગ્સ: બિનજરૂરી મુસાફરી અને સંચાલન ખર્ચ ઘટાડવા માટે જ્યાં પણ શક્ય હોય ત્યાં વર્ચ્યુઅલ મીટિંગ્સ અને હાઇબ્રિડ વર્ક મોડલ અપનાવવા.

૫. વિદેશ પ્રવાસમાં સંયમ: વિદેશી હૂંડિયામણના કાર્યક્ષમ સંચાલનને ટેકો આપવા માટે બિન-જરૂરી આંતરરાષ્ટ્રીય પ્રવાસ ટાળવો.

૬. સ્વદેશી ઉત્પાદનો અને બચત: ભારતીય બનાવટની વસ્તુઓ અને સ્થાનિક ઉત્પાદનને પ્રાથમિકતા આપવી, તેમજ એક વર્ષ માટે બિન-જરૂરી સોનાની ખરીદી પર સ્વૈચ્છિક સંયમ રાખવો.

૭. પ્રાકૃતિક ખેતી: રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટાડીને ટકાઉ અને કુદરતી ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવું.

આ પહેલ અંગે પ્રતિભાવ આપતા GCCI ના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રીશ્રીનું આ આહ્વાન સ્થિતિસ્થાપક, આત્મનિર્ભર અને આર્થિક રીતે મજબૂત ભારત તરફનો એક વ્યાપક રોડમેપ દર્શાવે છે. GCCI એ ગુજરાતના ઔદ્યોગિક અને વ્યાપારી જગતને જવાબદાર આર્થિક ભાગીદારી, ટકાઉ કાર્યપદ્ધતિઓ અને રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિકતાઓ તરફ ગતિશીલ બનાવવા માટેની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.

GCCI એ વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉદ્યોગ, વેપાર અને નાગરિક સમાજની સામૂહિક ભાગીદારી ભારતની લાંબા ગાળાની આર્થિક સ્થિરતા અને વ્યૂહાત્મક આત્મનિર્ભરતાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

Exit mobile version