GCCI દ્વારા 15 મેએ ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટની બીજી આવૃત્તિનું આયોજન
- ‘જેન્ડર ઇક્વિટી રાઉન્ડ ટેબલ’ તથા ‘વેરિફાઇડ ઓપરેશનલ નેટ-ઝીરો’ ઇવેન્ટની પહેલ
[અલકેશ પટેલ] અમદાવાદ, 13 મે, 2026 – GCCI દ્વારા 15 મેએ ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટની બીજી આવૃત્તિના આયોજનની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આગામી શુક્રવારે ૧૫ મે, ૨૦૨૬ના રોજ સોલિનેર (Soulinaire), અમદાવાદ ખાતે ‘GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ ૨૦૨૬‘ (GGSS 2026)નું આયોજન કરવા જઈ રહી છે. GCCIની ESG ટાસ્ક ફોર્સ દ્વારા આયોજિત આ સમિટ, તેની પ્રથમ આવૃત્તિની ભવ્ય સફળતા બાદ હવે વિસ્તૃત રાષ્ટ્રીય વિઝન સાથે પરત ફરી રહી છે.

આ અંગે આજે જીસીસીઆઈ ખાતે આયોજિત એક વિશેષ પત્રકાર પરિષદમાં સર્વશ્રી સંદીપભાઈ એન્જિનિયર, સમીર સિંહા, અપૂર્વ શાહ સહિત પદાધિકારીઓએ સસ્ટેનેબિલિટી સમિટની વિસ્તૃત માહિતી આપી હતી.
આ સમિટના ઉદ્દઘાટન સમારંભમાં અમદાવાદના કમિશનર બંછાનિધિ પાની, અરવિંદ જૂથના પુનિત લાલભાઈ, આઈફોરેસ્ટના ચંદ્ર ભૂષણ, જીસીસીઆઈ પ્રેસિડેન્ટ સંદીપ એન્જિનિયર, આઈઆઈએમ-એના પ્રોફેસર નિહારિકા વોહરા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
તેમણે જણાવ્યું કે, “ગુજરાત: ભારતના સસ્ટેનેબલ વિકાસનું એન્જિન – ૨૦૪૭ અને ૨૦૭૦ સુધીનો રોડમેપ — જ્યાં નફો અને ઉદ્દેશ્યનો સમન્વય થાય છે” ની થીમ પર આધારિત આ સમિટનો મુખ્ય હેતુ ગુજરાતને સસ્ટેનેબલ ઔદ્યોગિક વિકાસ અને ક્લાયમેટ-રિસ્પોન્સિવ આર્થિક પરિવર્તન માટેના એક આદર્શ મોડેલ તરીકે સ્થાપિત કરવાનો છે. આ પ્લેટફોર્મ નીતિ નિર્ધારકો, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, પર્યાવરણ નિષ્ણાતો, નાણાકીય સંસ્થાઓ, સંશોધકો, સ્ટાર્ટઅપ્સ અને વૈશ્વિક વિચારકોને ભારતના ‘ગ્રીન ટ્રાન્ઝિશન’ (હરિત પરિવર્તન) માટે એકમંચ પર લાવશે.
સસ્ટેનેબલ ઔદ્યોગિક પરિવર્તન માટેનો રાષ્ટ્રીય મંચ
આ સમિટ રાજ્ય સ્તરની પહેલમાંથી હવે રાષ્ટ્રીય સ્તરના સસ્ટેનેબિલિટી પ્લેટફોર્મ તરીકે ઉભરી રહી છે, જેનો મુખ્ય ભાર ESG (પર્યાવરણીય, સામાજિક અને ગવર્નન્સ) પ્રતિબદ્ધતાઓને વ્યવસાયિક પરિણામોમાં પરિવર્તિત કરવા પર રહેશે. અહીં ઇનોવેશન, નીતિગત સંકલન, ક્લાયમેટ ફાઇનાન્સ અને ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા દ્વારા સસ્ટેનેબલપણું કેવી રીતે અમલમાં મૂકી શકાય તે અંગે ગહન ચર્ચા કરવામાં આવશે.
અગ્રણી થિંક ટેન્ક્સ અને સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક જોડાણ
સમિટના બૌદ્ધિક અને નીતિગત પાયાને મજબૂત કરવા માટે GCCI એ ભારતની અગ્રણી સંસ્થાઓ સાથે ભાગીદારી કરી છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વોટર (CEEW)
- ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (TERI)
- વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા (WRI India)
- ક્લાયમેટ પોલિસી ઇનિશિયેટિવ (CPI)
શ્રી એન્જિનયરે કહ્યું કે, અમે ‘ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ ૨૦૨૬’ માટે મળેલા અપાર સહયોગ બદલ ગુજરાત સરકારની રોકાણ પ્રોત્સાહન સંસ્થા, iNDEXTb ના ખૂબ જ આભારી છીએ. ગુજરાતના ઉદ્યોગોમાં સસ્ટેનેબલ નવીનતા (Sustainable Innovation) અને ઉત્કૃષ્ટતા લાવવા માટેની તેમની પ્રતિબદ્ધતા અજોડ છે.
આ સમિટના મુખ્ય ક્ષેત્રો સીધી રીતે iNDEXTb ની સસ્ટેનેબિલિટી લક્ષી પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે. iNDEXTb નીતિગત સહાય અને રોકાણકારોને માર્ગદર્શન (Investor Handholding) પૂરું પાડીને ગ્રીન હાઇડ્રોજન, હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ, સ્માર્ટ ગ્રીનફિલ્ડ શહેરો અને ESG-સુસંગત રોકાણો જેવા ક્ષેત્રોમાં ગ્રીન ઇન્ડસ્ટ્રિયલ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપે છે.
આ ઉપરાંત, IIM અમદાવાદ અને CEPT યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ પણ આ સમિટમાં સક્રિયપણે જોડાશે. ઇનોવેશન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે ‘i-Hub ગુજરાત‘ વ્યૂહાત્મક ભાગીદાર તરીકે જોડાયું છે, જેના માધ્યમથી ૧૦ હાઇ-ઇમ્પેક્ટ ક્લાયમેટ-ટેક સ્ટાર્ટઅપ્સ તેમના ગ્રાઉન્ડબ્રેકિંગ સોલ્યુશન્સ પ્રદર્શિત કરશે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને મુખ્ય પોર્ટ ઓથોરિટીના પ્રતિનિધિઓ પણ નીતિગત માર્ગદર્શન પૂરૂં પાડશે.

મુખ્ય કેન્દ્રિત ક્ષેત્રો
આ સમિટમાં ઉદ્યોગો માટે મહત્ત્વના એવા વિવિધ વિષયો આવરી લેવામાં આવશે:
- ગ્રીન ફાઇનાન્સ (હરિત ધિરાણ)
- સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિકાસ
- ઇન્ડિયન કાર્બન માર્કેટ્સ
- સપ્લાય ચેઈન અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા
- ક્લાયમેટ-ટેક ઇનોવેશન અને સ્ટાર્ટઅપ્સ
- જેન્ડર ઇક્વાલિટી (જાતીય સમાનતા) અને સર્વસમાવેશક નેતૃત્વ
- ઔદ્યોગિક ડીકાર્બોનાઇઝેશન વ્યૂહરચના
ગુજરાતની પ્રથમ ‘જેન્ડર ઇક્વિટી રાઉન્ડ ટેબલ‘
જેન્ડર ઇક્વિટી રાઉન્ડ ટેબલ વિશે માહિતી આપતા શ્રી સમીર સિંહાએ કહ્યું કે, એક વિશેષ પહેલ તરીકે આ સમિટમાં સસ્ટેનેબિલિટી અને ઇન્ડસ્ટ્રી ફોરમ અંતર્ગત ગુજરાતની પ્રથમ સમર્પિત ‘જેન્ડર ઇક્વિટી રાઉન્ડ ટેબલ’નું આયોજન કરવામાં આવશે. આ સત્રમાં સર્વસમાવેશક નેતૃત્વના આર્થિક મૂલ્ય અને જાતીય વિવિધતા તથા સંગઠનાત્મક ઉત્પાદકતા વચ્ચેના સીધા સંબંધ પર ચર્ચા કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, જેન્ડર ઇક્વિટીનો અર્થ માત્ર મહિલાઓનો સમાવેશ નથી થતો, પરંતુ તમામ જેન્ડરને નેતૃત્વ પૂરું પાડવાની ભાવના છે. વાસ્તવમાં આ પહેલ આંતરરાષ્ટ્રીય બિઝનેસના ધોરણોને અનુરૂપ થવા માટે શરૂ કરવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
એક ઉદાહરણરૂપ આયોજન: ‘વેરિફાઇડ ઓપરેશનલ નેટ-ઝીરો‘ ઇવેન્ટ
જવાબદાર આયોજનની દિશામાં આગળ વધતા, આ સમિટ સતત બીજા વર્ષે પણ ‘ઓપરેશનલ નેટ-ઝીરો‘ સ્ટેટસ જાળવી રાખશે. એડવાન્સ લાઇવ-મોનિટરિંગ સિસ્ટમ દ્વારા ઇવેન્ટના કાર્બન ઉત્સર્જનને માપવામાં આવશે અને તેને સરભર (offset) કરવા માટે ચોક્કસ પદ્ધતિઓ અપનાવવામાં આવશે. GCCI માને છે કે નેતૃત્વ માત્ર વાતોથી નહીં, પણ નક્કર અમલીકરણ દ્વારા સાબિત થવું જોઈએ.


