Site icon Revoi.in

ગાથા ગુજરાતનીઃ સૈનિક પુત્ર વીરગતિ પામ્યો અને પિતાએ શરૂ કર્યો એક અનોખો યજ્ઞ

major rishikesh ramani memorial trust
Social Share

અલકેશ પટેલ, અમદાવાદ. 20 નવેમ્બર, 2025ઃ Gujarat’s proud story  શું તમે જાણો છો કે અમદાવાદ શહેરમાં છેલ્લા 15 વર્ષથી એક એવું વિશિષ્ટ અભિયાન ચાલી રહ્યું છે જે બાળકો અને યુવાનોને ભારતમાતાની સેવા કરવા માટે પ્રેરિત કરે છે અને માર્ગદર્શન પણ આપે છે? શું તમે તમારાં બાળકોને ભારતીય સૈન્યમાં મોકલવા માગો છો પરંતુ એ માટે તમારી પાસે કોઈ યોગ્ય માર્ગદર્શન નથી? શું તમે હુતાત્મા મેજર ઋષિકેશ રામાણીનું નામ સાંભળ્યું છે?

તો ચાલો વિગતે વાત કરીએ. મેજર ઋષિકેશ ભારતના એવા સુપુત્ર હતા જેઓ દેશને ઇસ્લામિક આતંકીઓથી બચાવવા સતત ત્રણ દિવસ સુધી ઝઝુમ્યા હતા અને એ અથડામણમાં બે આતંકીઓને ઠાર માર્યા બાદ દેશના દુશ્મનની ગોળીથી વીરગતિ પામ્યા હતા. એ સમય હતો મે, 2009. જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકી ઘૂસ્યા હોવાની માહિતી મળ્યા બાદ ભારતીય સૈન્યે ઓપરેશન હાથ ધર્યું. એ ટીમનું નેતૃત્વ એક બાહોશ ગુજરાતી મેજર ઋષિકેશ રામાણીને સોંપવામાં આવ્યું હતું. અને પછી જે કંઈ બન્યું એ આજે ઇતિહાસનાં પાનાંમાં અંકિત થયું છે.

પણ…આપણે આજે અહીં એ ઘટનાને માત્ર એક આધાર તરીકે જ યાદ કરીએ છીએ. મૂળ વાત તો ત્યારપછી શરૂ થાય છે. મેજર ઋષિકેશની વીરગતિ બાદ તેમના પિતા વલ્લભભાઈએ વીર પુત્રની યાદમાં ભાંગી પડવાને બદલે બીજા જ વર્ષે એટલે કે 2010થી જ પુત્રના નામે એક ફાઉન્ડેશનની સ્થાપના કરી અને આજ સુધી તેના નેજા હેઠળ જે પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તે સમાજ માટે, બાળકો માટે, યુવાનો માટે પ્રેરણાદાયક છે.

major rishikesh ramani memorial trust

વ્યવસાયે એડવોકેટ એવા વલ્લભભાઈ રામાણીએ શહેરના બાપુનગર વિસ્તારમાં પુત્રનું એક સ્મારક બનાવ્યું છે. ત્યાં વીર પુત્રની વિવિધ યાદો સાચવી છે એટલું જ નહીં પરંતુ છેલ્લા 15 વર્ષથી પુત્રના નામે એક ટ્રસ્ટનું સંચાલન કરે છે.

major rishikesh ramani memorial trust

આ સ્મારક સ્થળે બાળકોને ભારતીય સૈન્યમાં જોડાવા માટેનું માર્ગદર્શન આપવામાં આવે છે. તેમના આ માર્ગદર્શન કેન્દ્રમાં નિયમિત રીતે 30થી 35 બાળકો માર્ગદર્શન મેળવતા હોય છે અને આનંદની વાત એ છે કે તેમાં છોકરીઓની સંખ્યા પણ નોંધપાત્ર હોય છે.

major rishikesh ramani memorial trust

પુત્રના સાહસ, શૌર્ય તેમજ દેશની સુરક્ષા માટે તેણે દર્શાવેલી પ્રતિબદ્ધતાને ગૌરવપૂર્વક યાદ રાખવા માટે એક પિતા અન્યોને પણ માર્ગદર્શન અને મદદ આપવા કૃતનિશ્ચયી છે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અગ્નિવીર યોજનાનું સમર્થન કરતા રિવોઈ સાથેની વાતચીતમાં વલ્લભભાઈ કહે છે કે, દેશના સંરક્ષણ માટે જ નહીં પરંતુ યુવાનોમાં શિસ્તના સંસ્કાર કેળવાય છે. સાથે તેમને રોજગારી પણ મળે છે. અગ્નિવીરની ચાર વર્ષની તાલીમ દરમિયાન યુવાનોને મોટી રકમનું સ્ટાઈપેન્ડ મળે છે એ તો ખરું પણ તેમાંથી સૈન્ય સેવા માટે અનેક લાયક યુવાનોને દેશની સેવા કરવાની તક પણ મળે છે. જેઓ એ માટે ક્વોલિફાય ન થાય એવા યુવાનોને અગ્નિવીરના પ્રમાણપત્રના આધારે અન્યત્ર ખૂબ સારી નોકરીની તક પણ રહે છે.

major rishikesh ramani memorial trust

વલ્લભભાઈ માત્ર એટલેથી અટકતા નથી પરંતુ આ વિષય અંગે નિયમિત રીતે સેમિનારોનું પણ આયોજન કરે છે અને યુવાનોને માર્ગદર્શન આપવા માટે જે તે વિષયના નિષ્ણાતોને તેમાં નિમંત્રણ આપે છે. તેમની પ્રેરણાથી PDPUમાં પણ આવા સેમિનારનું આયોજન થયું હતું. તેમણે રિવોઈને જણાવ્યું કે આવી શિબિરોમાં માર્ગદર્શન આપવા માટે સૈનિક સ્કૂલ અને રક્ષા યુનિવર્સિટીના શિક્ષકો પણ આવતા હોય છે.

major rishikesh ramani memorial trust

મેજર ઋષિકેશ રામાણી ટ્રસ્ટના નેજા હેઠળ અત્યાર સુધી તો તેમના સ્મારક સ્થળ ઉપર જ માર્ગદર્શન આપવામાં આવે છે, પરંતુ હવે આવું માર્ગદર્શન ઑનલાઈન આપવાનું પણ વલ્લભભાઈ ગંભીર રીતે વિચારી રહ્યા છે. જેથી દૂરના વિસ્તારોમાં રહેતા અને નિકોલ સુધી નહીં પહોંચી શકતા બાળકોને પણ લાભ મળી શકે.

major rishikesh ramani memorial trust

મેજર ઋષિકેશ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં વીરગતિ પામ્યા તે સમયે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા. તેઓ મેજરની યાદમાં યોજાયેલી પ્રાર્થનાસભામાં પહોંચ્યા હતા એટલું જ નહીં પરંતુ ત્યારપછીના થોડા જ સમયમાં બાપુનગર મ્યુનિસિપલ શાળા નં. 13ના સંકુલનું મેજર ઋષિકેશ રામાણી નામાભિધાન પણ કર્યું હતું. આ પછી 2016માં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ શહેરના એક બગીચાને મેજર ઋષિકેશ રામાણીનું નામ આપવામાં આવ્યું હતું.

Exit mobile version