Site icon Revoi.in

દિલ્હી-UP અને હરિયાણામાં ધોધમાર વરસાદ, ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 32 રસ્તા બંધ

Social Share

નવી દિલ્હી, 8 જુલાઈ 2026: ચોમાસું સમગ્ર દેશમાં પ્રકોપ મચાવી રહ્યું છે. ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં મુશળધાર વરસાદે ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. ભારે વરસાદની ગંભીરતાને જોતાં પ્રશાસને દક્ષિણ કન્નડ જિલ્લામાં ધોરણ 12 સુધીની તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. નદીઓમાં પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે.

પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં ભારે વરસાદ આફત બનીને તૂટી પડ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે પહાડો ધસી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે ભૂસ્ખલનને કારણે અંદાજે 32 જેટલા મુખ્ય અને કનેક્ટિંગ રસ્તાઓ બંધ થઈ ગયા છે. રસ્તાઓ બ્લોક થવાના કારણે હજારો પ્રવાસીઓ અને સ્થાનિક લોકો અટવાઈ પડ્યા છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસ્તા સાફ કરવાની કામગીરી ચાલી રહી છે.

પૂર્વોત્તર ભારતના અરુણાચલ પ્રદેશમાં પણ સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. મુશળધાર વરસાદના કારણે અનેક નદીઓ ઉફાન પર છે, જેના લીધે કેટલાક જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ ઉદભવી છે.
નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે.

આ ઉપરાંત દેશની રાજધાની દિલ્હી સહિત પડોશી રાજ્યો ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાના કારણે સવારના સમયે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 2 થી 3 દિવસ સુધી આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે અને નાગરિકોને વગર કામે ઘરની બહાર ન નીકળવા તેમજ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

વધુ વાંચો: ફિલ્મી કલ્પના કે ઈતિહાસ સાથે છેડછાડ? “સતલુજ” પર પ્રતિબંધે દેશભરમાં જગાવી ચર્ચા

Exit mobile version