Site icon Revoi.in

અમરનાથ યાત્રા પૂર્વે દિલ્હીમાં હાઈ-લેવલ મીટિંગ: ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

Social Share

નવી દિલ્હી, 12 જૂન 2026: આગામી સમયમાં શરૂ થઈ રહેલી પવિત્ર શ્રી અમરનાથ યાત્રાને સુચારુ અને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવવા માટે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરીને યાત્રાની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની વ્યાપક સમીક્ષા કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના ભૌગોલિક-રાજકીય પ્રવાહો અને સુરક્ષાના પડકારોને ધ્યાનમાં રાખીને આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ગૃહ મંત્રાલય દ્વારા આયોજિત આ મહત્વની બેઠકમાં દેશની ટોચની સુરક્ષા પાંખોના વડાઓ સામેલ થયા હતા. જેમાં ખાસ કરીને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત યાત્રાની સુરક્ષામાં તૈનાત રહેનારા તમામ અર્ધલશ્કરી દળો એટલે કે સીઆરપીએફ , બીએસએફ , સીએસએફ , આઈટીબીપી અને એસએસબીના ડાયરેક્ટર જનરલોએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો અને સુરક્ષા પ્લાનનો રોડમેપ રજૂ કર્યો હતો.

આ વર્ષે પવિત્ર અમરનાથ યાત્રા આગામી ૩ જુલાઈથી સત્તાવાર રીતે શરૂ થવા જઈ રહી છે અને તે 28 ઓગસ્ટના રોજ સંપન્ન થશે. આશરે બે મહિના ચાલનારી આ યાત્રા દરમિયાન દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શનાર્થે જમ્મુ-કાશ્મીર પહોંચશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે યાત્રાના રૂટ પર કડક નજર રાખવામાં આવે, ટેક્નોલોજી અને ડ્રોન વડે મોનિટરિંગ થાય તેમજ શ્રદ્ધાળુઓ માટે આરોગ્ય, રહેઠાણ અને વાહનવ્યવહારની સુવિધાઓમાં કોઈ ખામી ન રહે.

Exit mobile version