નિરુપાબેન શાહે ઉપાડેલો સેવાયજ્ઞ વિશિષ્ટ નહીં, અસાધારણ છે; સમાજની આવી સેવા કરવા માટે તમે કંઈક નોખી માટીના બનેલા હોવા જોઈએ
[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ એક્સક્લુઝિવ, 20 જૂન, 2026
“જુઓ સાહેબ આ બરાબર સફાઈ નથી કરતી… આજે તો…” – નિરાંત ઘરમાં દાખલ થયો તે સાથે જ એક અસ્તવ્યસ્ત માડીએ મને જોઈને ત્યાં કામ કરતા સેવક બહેન વિશે ફરિયાદ કરવાનું શરૂ કર્યું.
એટલી વારમાં શર્ટ પહેર્યા વિનાનો યુવાન જેવો દેખાતો એક વ્યક્તિ ધસી આવ્યો અને નિરાંત ઘરના સંચાલકોને કહેવા લાગ્યો, “આ લોકોને કહી દેજો સીધા રહે નહીં તો…” ત્યાંનાં દૃશ્ય અને બે-ત્રણ જણના આવાં વર્તનને જોઈને મનમાં પહેલો સવાલ તો એ જ થયો કે નિરુપાબેન અને તેમનો સ્ટાફ આ બધા લોકો સાથે કેવી રીતે કામ પાર પાડતા હશે? એમણે કેવા-કેવા પડકારનો સામનો કરવો પડતો હશે?
નિરુપાબેન જાણે મારા મનની વાત સમજી ગયા હોય એમ પેલા અસ્તવ્યસ્ત માડી અને શર્ટ પહેર્યા વિના ગુસ્સામાં ફર્યા કરતા પેલા યુવાન વિશે જાણકારી આપવા સાથે વાતની શરૂઆત કરી. “100 કરતાં વધુ આશ્રિતોમાં આવા એક-બે હોય એમને જરા વધારે સંભાળવા પડે.” તેમની વાત સાચી હતી. ત્રણ વિશાળ હૉલમાં સળંગ પલંગ ગોઠવવામાં આવેલા હતા અને મોટાભાગના આશ્રિતો બપોરે જમ્યા પછી આરામ કરતા હતા. કોઈ વાતોએ વળગ્યા હતા.
સ્થળ હતું નિરાંત ઘર. સુરેન્દ્રનગરથી 25 કિ.મી. દૂર સોમાસર નજીક હાઈવે ઉપર આવેલું એક એવું સ્થળ જ્યાં એવા તમામ નિરાશ્રિતોને આશ્રય આપવામાં આવે છે જેમનું કાંતો કોઈ નથી અથવા કોઈ હોવા છતાં કોઈક કારણસર વિખૂટા પડી ગયા અને તેમને રાખનાર કોઈ ન હોય.
નિરાંત ઘર નિરુપાબેન શાહના સેવાયજ્ઞનું એવું સ્થાન છે જ્યાં શારીરિક રીતે અશક્ત, માનસિક રીતે અશક્ત, ઘાયલ, બેહોશ, તોફાની – બધા પ્રકારના લોકોને આશ્રય મળે છે. રિવોઈ ન્યૂઝ પોર્ટલ સાથે એક્સક્લુઝિવ વાત કરતાં નિરુપાબેન તેમની આ કામગીરી પાછળનું કારણ જણાવે છે. તેઓ કહે છે કે, “હું સાતમા ધોરણમાં ભણતી હતી ત્યારથી સેવાકાર્ય કરવાનું નક્કી કરી લીધું હતું. વાસ્તવમાં મારા દાદા ભાઈલાલભાઈ દીપચંદ શાહ ઉપરાંત મારાં માતા-પિતાને પણ સેવાકાર્યો કરતાં જોઈને મેં મારા જીવનનું ધ્યેય નક્કી કરી લીધું હતું.
“વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, અનાથ દીકરીઓ માટેના આશ્રમ એ બધું તો હોય જ છે, પરંતુ મને સતત એવું લાગ્યા કરતું હતું કે એક ઘર – એક સ્થાન એવું હોવું જોઈએ જ્યાં આવા બધા લોકો સાથે રહી શકે.”
આવો વિચાર કરવાનું કારણ શું? મેં પૂછ્યું.
તો કહે, “બધા વૃદ્ધ એક જગ્યાએ અલગ રહે તો તેઓ યુવાનો અને બાળકોના પ્રેમથી વંચિત રહે. બધા બાળકો એક જગ્યાએ રહે તો તેઓ વડીલોના પ્રેમથી વંચિત રહે. બેઘર અને અશક્ત યુવાનો પણ એકલા અલગ રહે તો તેઓ પણ પરિવાર જેવા પ્રેમથી વંચિત રહે. તેથી મેં વિચાર્યું કે જો બધાને સાથે રાખી શકાય તો તમામને એકબીજાનો પ્રેમ અને હુંફ મળી રહે.”
નિરુપાબેનની વાત તો સાચી છે. એ નજરે જોવા પણ મળ્યું. ત્યાં હાજર કોઈ એક પરિવારના નહોતા, પરંતુ જે રીતે એકબીજા સાથે વાતો કરતા હતા, જે રીતે એકબીજાની કાળજી લેતા હતા એ દૃશ્ય લાગણીસભર હતું.
નિરાંત ઘર
આ એક એવી જગ્યા છે જ્યાં અનાથ, અશક્ત, શારીરિક-માનસિક બીમારોને તો રાખવામાં આવે જ છે પણ સાથે હવે બાજુમાં જ એક હોસ્પિટલનું પણ નિર્માણ થઈ રહ્યું છે. જેથી હાલ કોઈ વધારે બીમાર પડે અને ડૉક્ટરની જરૂર પડે તો સુરેન્દ્રનગર જવું પડે છે તેના બદલે એ સંકુલમાં જ સારવાર ઉપલબ્ધ થશે. સંકુલમાં “સત્યમ, શિવમ, સુંદરમ” એમ ત્રણ વિશાળ હૉલ છે જેમાં કોઈ બિહારથી આવેલા કિશોર વયના છોકરાને પણ આશ્રય મળ્યો છે અને રાત્રિના સમયે ગંભીર અકસ્માત બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા બાદ અનેક દિવસ સુધી બેહોશ રહેલા અને નિરાંત ઘરમાં આવ્યા બાદ હોશમાં આવેલા યુવાનને પણ સાચવવામાં આવે છે.
આ જગ્યા અને બાંધકામના ખર્ચની વ્યવસ્થા કેવી રીતે કરી?
વાસ્તવમાં, “મેં ચાર વર્ષ પહેલાં સ્વતંત્ર રીતે સમાજસેવા શરૂ કરી ત્યારે આ લોકોને આ રીતે રાખવા માટે મારી પાસે કોઈ વ્યવસ્થા નહોતી. ત્યારે માત્ર મનમાં વિચાર હતો કે ભવિષ્યમાં આવું સંકુલ ઊભું કરીશ. ચાર વર્ષ પહેલાં સુરેન્દ્રનગરમાં જ અનુબંધ કર્મપીઠ નામે એક કામગીરી શરૂ કરી હતી જેમાં એવાં બાળકોને રાખવાનું શરૂ કર્યું જેમને તેમના માતા-પિતા સાચવી, ઉછેરી શકતા ન હોય. આવાં બાળકોને હોમ સ્કૂલિંગ દ્વારા ઉછેરવાનું શરૂ કર્યું ત્યારે પરેશભાઈ ડોડિયા, દયાલભાઈ વાકાણી જેવા સેવાભાવી શ્રેષ્ઠીઓનો સંપર્ક થયો. મારી કામગીરી જોયા પછી તેમણે ભંડોળની ચિંતા ન કરવા આશ્વાસન આપ્યું અને સમય જતાં વિશાળ જમીન ખરીદીને ત્યાં નિરાંત ઘરનું નિર્માણ થયું.”
આ સ્થળે હજુ વધુ બાંધકામ અને વિસ્તરણ ચાલે છે. અને મજાની વાત એ છે કે, જેમની પાસેથી જમીન ખરીદી તે વ્યક્તિએ પણ આ સંકુલમાં દવાખાનાના નિર્માણમાં સહયોગ આપ્યો છે. કદાચ આને જ કહેવાતું હશે કે તમે સાચા હૃદયથી કામગીરી શરૂ કરો તો ઈશ્વર પણ તમારી મદદ માટે વ્યવસ્થા ગોઠવી દે!
અનુબંધ કર્મપીઠ અને કલા કર્મપીઠ
ગૂજરાત વિદ્યાપીઠ અને ચાઈલ્ડ હેલ્પલાઈન ઉપરાંત વંચિત બાળકો માટે પાયાનું કામ કરનાર ગણતર સંસ્થા સાથે થોડાં વર્ષ કામ કરી ચૂકેલા નિરુપાબેને ચાર વર્ષ પહેલાં સ્વતંત્ર રીતે કામગીરીની શરૂઆત અનુબંધ કર્મપીઠ અને ત્યારબાદ કલા કર્મપીઠ સાથે કરી. અનુબંધ કર્મપીઠમાં માતા-પિતા હોવા છતાં તેમનાથી વંચિત રહેલાં બાળકોને આશ્રય આપવામાં આવે છે. તેઓ રિવોઈને જણાવે છે કે, આ બાળકોમાંથી કોઈ બીમાર થાય ત્યારે સુરેન્દ્રનગરમાં જ એવા કેટલાક સેવાભાવી ડૉક્ટર અને દવાખાનાં છે જે સારવાર માટે હંમેશાં તત્પર રહે છે.
એ જ રીતે સુરેન્દ્રનગરમાં જ કલા કર્મપીઠ છે જે કિશોર વયની અને યુવાન દીકરીઓ ઉપરાંત એવી મહિલાઓ માટેનું એક આશ્રય સ્થાન છે જ્યાં તેઓ સિવણ, ભરતકામ, ગૂંથણકામ, ખાટલા ભરત, દોરી ગૂંથણ, છાપણી, ક્રોશિયો, પેઈન્ટિંગ વગેરે શીખવા આવે છે. અહીં પાર્લર જેવી કેટલીક તાલીમ માટે ફી રાખવામાં આવી છે જેથી દીકરીઓ અને બહેનો વ્યવસાયી તાલીમ મેળવીને પગભર થઈ શકે.
કલા કર્મપીઠમાં આ ઉપરાંત એક વિશિષ્ટ કામગીરી એ થાય છે કે, કોઈ પરિવારની દીકરી કે મહિલાને ડ્રાઈવિંગ શીખવું હોય તો એ પરિવાર નિરુપાબેનનો સંપર્ક કરે અને તેમના મારફત કોઈ ડ્રાઈવિંગ સ્કૂલમાં એ દીકરી કે મહિલાને દાખલ કરાવવામાં આવે. કદાચ કલા કર્મપીઠ દ્વારા ઊભા કરવામાં આવેલા અતૂટ વિશ્વાસનું જ આ પરિણામ હશે ને!
ગુરુજીની પ્રેરણા મુજબનું કામ જોવા મળ્યું: પરેશભાઈ ડોડિયા
એક સમયે અગ્રણી ડાયમંડ બિઝનેસમેનની હરોળમાં સ્થાન પામનાર પરંતુ સેવાની લગન લાગ્યા બાદ 2011માં બિઝનેસનો ત્યાગ કરનાર શ્રી પરેશભાઈ ડોડિયાએ રિવોઈને કહ્યું કે, અમારા ગુરુજીની પ્રેરણા મુજબની કામગીરી નિરાંત ઘર દ્વારા થઈ રહી છે એવું જાણવા મળ્યું તેથી નિરુપાબેનની પ્રવૃત્તિને સહયોગ આપવાનો નિર્ધાર કર્યો. આ વાત થોડી વિસ્તારથી સમજાવતા તેઓ કહે છે કે, નિર્દોષાનંદ બાપુ અમારા ગુરુ અને તેમની પ્રેરણાથી જ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટિંબી ગામે તમામની નિઃશુલ્ક સેવા માટે હોસ્પિટલ બનાવવામાં આવી છે. સ્વામીજી સાથેની વાતચીત દરમિયાન તેઓ હંમેશાં અમને કહેતા કે એક એવું ઘર બનાવજો જ્યાં 200-500 લોકોને આશ્રય આપી શકાય. અમે આ વિશે સતત વિચારતા અને નિર્દોષાનંદ બાપુનું સ્વપ્ન સાકાર કરવા પ્રયાસ કરતા હતા એ દરમિયાન જ અમને નિરાંત ઘર વિશે જાણવા મળ્યું. આ સ્થળ સ્વામીજીના સ્વપ્નને બરાબર અનુરૂપ હતું તેથી અમે તેમાં જ આર્થિક સહયોગ સાથે જોડાવાનું નક્કી કર્યું.
શું કહે છે દયાલજીભાઈ?
ડાયમંડ બિઝનેસમાંથી નિવૃત્તિ બાદ પણ સતત પ્રવૃત્તિ કરી રહેલા મુંબઈસ્થિત દયાલજીભાઈએ પણ કંઈક આવો જ ભાવ રિવોઈ સાથેની વાતચીતમાં વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, વૃદ્ધાશ્રમ શરૂ કરવાની ઈચ્છા હતી પણ એ દરમિયાન અમારા મિત્ર પરેશભાઈ ડોડિયા મારફત નિરાંત ઘરની પ્રવૃત્તિ વિશે જાણવા મળ્યું અને એ પ્રવૃત્તિ સુપેરે ચાલે તે માટે જમીન અને મકાનની વ્યવસ્થામાં પૂરો સહયોગ આપવાનો નિર્ધાર કર્યો. દયાલજીભાઈ હજુ આજે પણ 15-20 સંસ્થાઓ સાથે ટ્રસ્ટી તરીકે સંકળાયેલા છે અને સેવાકાર્યો માટે તત્પર રહે છે.
આ તરફ, નિરુપાબેન નિરાંત ઘર અને અનુબંધ કર્મપીઠ અને કલા કર્મપીઠ સુધી જ નથી અટક્યા. તેઓ હવે તેમની કામગીરી પ્રાકૃતિક ખેતી અને ગૌશાળા સુધી પણ વિસ્તારી રહ્યા છે.

